SURAT

સુરતમાં ભાજપના કોર્પોરેટરને હાર્ટ એટેક આવતાં નાની વયે અવસાન

સુરત (Surat) : સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં.20 (ખટોદરા-મજૂરા-સગરામપુરા) વિસ્તારના યુવા કોર્પોરેટર (Corporator) અને મનપાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ઉપ ચેરમેન જયેશ જરીવાલાનું (Jayesh Jariwala) નાની વયે હાર્ટ એટેક (Heart Attack) આવતાં અવસાન (Death) થતાં રાણા સમાજ તેમજ સુરતના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી છવાઇ ગઈ હતી.

  • ખટોદરા-મજૂરા-સગરામપુરા વોર્ડના કોર્પોરેટર જયેશ જરીવાલાનું રવિવારે નિધન થયું
  • વર્તમાન નગરસેવકના મોતને કારણે સુરત મનપા અને શિક્ષણ સમિતિમાં એક દિવસનો શોક રાખી રજા જાહેર કરાઈ

વર્ષ-2010થી 2015 દરમિયાન ભાજપના (BJP) કોર્પોરેટર રહી ચૂકેલા જયેશ જરીવાલા વોર્ડ નં.20 (ખટોદરા-મજૂરા-સગરામપુરા)માંથી વર્ષ-2021ની ચૂંટણીમાં ફરી ચુંટાઇ આવ્યા હતા અને સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીમાં ઉપ ચેરમેન હતાં. 1980માં જન્મેલા જયેશ જરીવાલા રાણા સમાજના લોકપ્રિય નેતા હતા. થોડા દિવસ પહેલાં તેઓ પડી ગયા હતા, ત્યારે પાંસળીમાં ઇજા થયા બાદ થોડા દિવસ બેડ રેસ્ટ રહ્યા બાદ રવિવારે સાંજના છ વાગ્યાના અરસામાં હાર્ટ એટેક આવતાં એપલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જો કે, એટેક તીવ્ર હોવાથી તેમનું અવસાન થયું હતું. જયેશભાઇની અંતિમયાત્રા સોમવારે તેમના નિવાસસ્થાન આશીર્વાદ સોસાયટી, ભાઠેના ખાતેથી નીકળશે અને ઉમરા સ્માશાનગૃહે અગ્નિસંસ્કાર કરાશે. વર્તમાન નગરસેવકના અવસાનને કારણે પરંપરા મુજબ સુરત મનપા દ્વારા પણ એક દિવસનો શોક જાહેર કરી મનપા અને શિક્ષણ સમિતિમાં સોમવારે રજા જાહેર કરવામાં આવી છે.

વર્ષ-1995થી સુરત મનપાનું બોર્ડ ખંડિત થવાનો સિલસિલો યથાવત્
ગુજરાત વિધાનસભા દર વખતે ખંડિત થાય છે. તેવી જ રીતે સુરત મનપામાં પણ છેલ્લા અઢી દાયકાથી બોર્ડ ખંડિત થવાનો સિલસિલો ચાલી રહ્યો છે. વર્ષ-1995ની ચૂંટણીમાં ભાજપને તમામ 99 બેઠક પર જીત મળ્યા બાદ નાણાવટ-શાહપોરના કોર્પોરેટર એડ્વોકેટ જાદવનું અવસાન થતાં મનપાનું બોર્ડ ખંડિત થયું હતું. આથી પેટા ચૂંટણી આવી હતી અને કોંગ્રેસના ભૂપેન્દ્ર સોલંકી જીતી આવ્યા હતા. ત્યાર બાદ 2000થી 2005માં પણ એક સભ્યનું અવસાન થયું હતું. તો 2005થી 2010ના બોર્ડ, 2010થી 15 અને 2015થી 20માં પણ ભાજપના નગરસેવકોનાં અવસાન થયાં હતાં, જેમાં એડ્વોકેટ જાદવ ઉપરાંત 2000માં નીતા સાતભાયા, 2005થી 2010માં પ્રતાપ કહાર, 2010થી 2015માં સ્વ.ચંપક ભાણાનો સમાવેશ થાય છે. તો ગત ટર્મમાં એટલે કે 2015થી 2020માં કોંગ્રેસના નગરસેવક ઇકબાલ બેલીમનું અવસાન થયું હતું.

Most Popular

To Top