SURAT

સુરત: બાઇક વચ્ચે થયેલા અકસ્માત મામલે ભાયા ગેંગના માણસો હોવાની વાતે પોલીસ દોડતી થઇ

સુરત : બેગમવાડી પાસે બે બાઇકો (Bike) વચ્ચે થયેલા અકસ્માત (Accident) બાદ એક યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં (Hospital) ખસેડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મહિધરપુરામાં રહેતો પિંકેશ રાણા નામનો યુવક બેગમપુરા મોટી ટોકીઝ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેની બાઇક અન્ય એક યુવકની બાઇક સાથે ભટકાઇ હતી. આ વાતને લઇને પિંકેશ રાણા તેમજ અજાણ્યાની વચ્ચે માથાકૂટ બાદ ગાળાગાળી થઇ હતી. સામેના અજાણ્યા યુવકે પિંકેશ રાણાને ઢીકમુક્કીનો માર મારીને ઇજાગ્રસ્ત કરી નાંખ્યો હતો, આ દરમિયાન ત્યાં અન્ય ટોળા ભેગા થઇ ગયા હતા.

હુમલો કરનારા માથાભારે નાસીર ભાયા ગેંગના માણસો હોવાની વાતે પણ ભારે જોર પકડ્યું હતું. બીજી તરફ અહીં તાત્કાલીક મહિધરપુરા પોલીસનો સ્ટાફ આવી જતાં ઇજાગ્રસ્ત પિંકેશ રાણાને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી હતી. હુમલો કરનાર નાસીર ભાયા ગેંગના માણસો હોવાની વાતને પોલીસે સમર્થન આપ્યું ન હતું. હાલ તો પોલીસે મારામારીની ફરિયાદ નોંધવાની તજવીજ કરીને વધુ તપાસ શરૂ કરી છે. અહીં ટોળા વચ્ચે વધારે હિંસા ન ફેલાય તે માટે મહિધરપુરા પોલીસનો સ્ટાફ પણ બંદોબસ્તમાં લાગી ગયો હતો.

પીપલોદ રોડ ઉપર સ્કૂલ બસચાલકે નશાની હાલતમાં સ્કૂલની રિક્ષાને ટક્કર મારી
સુરત: પીપલોદ રોડ ઉપર ગઇકાલે વહેલી સવારે રેડિયન્ટ સ્કૂલના બસચાલકે સ્કૂલ રિક્ષાને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં રિક્ષાચાલક સહિત ચાર બાળકને ઇજા પહોંચી હતી. આ મામલે ઉમરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી બસચાલકની ધરપકડ કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બસચાલક દારૂના નશામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉમરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સ્કૂલ રિક્ષાચાલક હરીશ ઘરાણીયા ગઇકાલે સવારે સાડા સાત વાગ્યે રિક્ષા નં.(જીજે.5.ટીટી.4688) લઇ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં બાળકોને લઇ નવી કોર્ટ બિલ્ડિંગ પાસેથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન તેઓ સરકારી વસાહત સામેથી રસ્તો ક્રોસ કરતા હતા, એ જ સમયે કોર્ટવાળા રોડ ઉપરથી નશો કરેલી હાલતમાં બસ હંકારી લાવતાં રેડિયન્ટ સ્કૂલના બસચાલક મહેન્દ્ર પાટીલે બસ નં.(જીજે.5.ટીટી.4688) હંકારી લાવી રિક્ષાને અડફેટે લીધી હતી. રિક્ષા પલટી મારી જતાં ચાલક સહિત ચાર વિદ્યાર્થીને ઇજા પહોંચી હતી.

Most Popular

To Top