SURAT

સુરતના 1 લાખ લોકો 3 દિવસથી ખાડી પૂરના ગંધાતા પાણી વચ્ચે સબડી રહ્યાં છે અને..

સુરત: ત્રણ ત્રણ દિવસથી સુરત શહેરના 1 લાખ લોકો ખાડી પૂરના ગંદા ગંધાતા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. સૌથી ઝડપથી વિકસતા અને સ્માર્ટ સિટીની ગણનામાં સ્થાન પામતા સુરત શહેરના પરવટપાટીયા, સણિયા હેમાદ, કુંભારીયા ગામના લોકો ત્રણ ત્રણ દિવસથી ખાડી પૂરથી હેરાન પરેશાન છે, પરંતુ તંત્ર તેમની આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સાવ નિષ્ફળ રહ્યું છે. વરસાદનું જોર ઘટવા છતાં ખાડીઓમાંથી છલકાઈને ગામ, કાપડ માર્કેટ અને રોડ પર આવેલા પાણીનો નિકાલ તંત્ર કરી શક્યું નથી.

દેશની સ્માર્ટ સિટીમાં અવ્વલ ગણાતું સુરત શહેરનું વહીવટી તંત્ર ખાડી પુર સામે લાચાર નજરે પડી રહ્યું છે. છેલ્લા ત્રણ – ત્રણ દિવસથી હજારો પરિવારોની સાથે સાથે વહીવટી તંત્ર માટે શિરદર્દ સાબિત થઈ રહેલાં મીઠી ખાડી પૂરના પાણી આગામી 24 કલાકમાં ઓસરે તેવી શક્યતાઓ નહિવત્ નજરે પડી રહી છે. આ સ્થિતિમાં ખાડી પુરથી પ્રભાવિત નાગરિકો જન્માષ્ટમીનો તહેવાર પણ પૂરના પાણીમાં જ ઉજવવા માટે મજબુર બનશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

છેલ્લા 24 કલાકમાં ઉપરવાસમાં વરસાદના આંશિક વિરામ છતાં લિંબાયતમાંથી પસાર થતી મીઠી ખાડીના સ્તરમાં ઘટાડો ન થતાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ આજે પણ યથાવત્ રહેવા પામી છે. લિંબાયત ઝોન અને મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તારોમાંથી પાણી ઉલેચવા માટે ગઈકાલે બુધવારથી જ રાઉન્ડ ધ ક્લોક યુદ્ધસ્તરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે 28 ડીવોટરિંગ પમ્પ દ્વારા ખાડી પુરના પાણી દુર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં ઝોન કચેરીના 6, રાજ્ય સરકારના સિંચાઈવિભાગ અને ઉકાઈથી મંગાવવામાં આવેલા 50 એચપીના 10 પમ્પ તેમજ 60 એચપીના 8, 40 એચપીના 2 અને 30 એચપીના બે પમ્પો અલગ – અલગ વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવ્યા છે.

મંગળવારની સવારથી જ મીઠી ખાડી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ઋષિ વિહાર, વામ્બે આવાસ, પરવત ડેપો વિસ્તાર, ડુંભાલ ટેનામેન્ટ વિસ્તાર, પરવટ ગામતળ સહિત કમરૂ નગર, બેઠી કોલોની જેવા વિસ્તારોમાં ત્રણથી ચાર ફુટ સુધીના પાણી ભરાઈ જવા પામ્યા હતા. અંદાજે એક લાખ જેટલા નાગરિકો છેલ્લા ત્રણ દિવસથી ખાડી પુરની હાલાકીને પગલે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હજી પણ આગામી 24 કલાક સુધી ખાડી પુરના પાણી ઓસરે તેવી શક્યતાઓ નહિવત નજરે પડી રહી છે. આ સ્થિતિમાં આજે સવારે મીઠી ખાડી તેની ભયજનક સપાટી 9.35ની સામે 8.70 મીટર પર વહી રહી છે. જેને પગલે સારોલી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં હજી પણ પાણી ભરાઈ રહેવાને કારણે તંત્રની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

Most Popular

To Top