SURAT

સિંગણપોર કોલેશનની 108 ની EMT એ પ્રસુતાની રસ્તામાં જ પ્રસુતિ કરાવી : માતા-બાળક બન્ને તંદુરસ્ત

સુરત: સુરત (Surat) 108 ઈમરજન્સી (Emergency) સેવા સુરતના સિંગણપોર વિસ્તારની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે પ્રાણવાહિની બની હતી. સગર્ભા મહિલા ઘરેથી ચાલીને હોસ્પિટલ (Hospital) જઈ રહ્યા હતા. એ દરમિયાન પ્રસૂતિની અસહ્ય પીડા થતા રસ્તામાં જ 108 ઈમરજન્સી દ્વારા સલામતીપૂર્વક અને સફળ નોર્મલ પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

આજે સવારે 6 વાગ્યે સિંગણપોર 108 ઈમરજન્સી સેવાને પ્રસૂતાની ઈમરજન્સીનો કોલ મળતા સિંગણપોર 108 વાન સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં જાણવા મળ્યું કે સિંગણપોર વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુ:ખાવો શરૂ થતા તેઓ પોતાના ઘરેથી હોસ્પિટલ નજીક હોવાથી ચાલીને હોસ્પિટલ સુધી જવા નીકળ્યા હતા, પરંતુ તે દરમિયાન પ્રસવ પીડા અસહ્ય બની હતી. હોસ્પિટલ 500 થી 700 મીટર દૂર હતી, આવી સ્થિતિમાં મહિલાથી આગળ ચાલી શકાય તેમ ન હોવાથી દુ:ખાવાના કારણે રોડ પર જ બેસી ગયા હતા. આ વિકટ સ્થિતિમાં સગા-સંબંધીઓએ તરત 108 ઈમરજન્સી સેવા ઉપર ફોન કર્યો હતો.

ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચેલા 108ના ફરજ પરના ઈમરજન્સી મેડિકલ ટેકનિશીયન અને પાયલોટ મિત્રએ જોયું કે, બાળક થોડું બહાર આવી ગયું છે, અને હવે મહિલાને ખસેડવી કે ઊભી કરવી જોખમી હતું. જેથી પરીસ્થિતિવશ ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ રોડ પર જ પ્રસૂતિ કરાવવાનું નક્કી કર્યું. આ દરમિયાન માતા અને બાળકની બંનેની ગરિમા જળવાઈ રહે તે માટે નજીકના રહેવાસી લોકોએ પણ 108 સેવાને મદદ કરી હતી. જ્યારે રોડ ઉપર પ્રસુતિ કરાવવામાં આવી રહી હતી, ત્યારે નજીકના રહેવાસી મહિલાઓઓએ ચારે બાજુથી શાલ, સાડી જેવા કપડાની આડશ અને પડદો કરી સહકાર આપ્યો હતો. રોડ પર જ સફળ નોર્મલ પ્રસૂતિ કરાવ્યા બાદ માતા અને નવજાત બાળકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે. એમ 108ના સુરત જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લાના સુપરવાઈઝર પરાગ હડીયાએ જણાવ્યું હતું.

પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ ઈમરજન્સી જણાય તો તરત જ 108 પર કોલ કરવો જોઈએ. ખાસ કરીને, સગર્ભા મહિલાની પ્રસૂતિ સમયે રાહ જોવાના બદલે તરત જ 108 સેવાનો સંપર્ક કરો, જેથી માતા અને બાળક બંનેનો જીવ બચાવી શકાય. 108ની સમયસૂચકતાના કારણે આજે સિંગણપોરની મહિલા અને બાળક બંને પર જીવનું જોખમ ટળ્યું હતું. સુરત 108 સેવા હર હંમેશ લોકોની સહાય માટે તત્પર અને તૈયાર છે.

Most Popular

To Top