Gujarat Election - 2022

સુરતના આ ધારાસભ્યોનો મંત્રી મંડળમાં કરાયો સમાવેશ

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) ઐતિહાસિક અભૂતપૂર્વ જીત મેળવ્યા બાદ આજે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) સતત બીજીવાર મુખ્યમંત્રી (GujaratCM) પદે શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ ઓ.પી. કોહલીએ શપથ લેવડાવ્યા હતા. ભાજપ 156 બેઠકો પર જીત્યું હોય આ વખતે મંત્રીમંડળ મોટું બનશે તેવી ચર્ચા હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે મંત્રીમંડળ નાનું રાખવામાં આવ્યું છે.

સુરત શહેરની વાત કરીએ તો સુરતના બે ધારાસભ્યોને મંત્રી મંડળમાંથી પડતા મુકાયા છે, જ્યારે હર્ષ સંઘવી, મુકેશ પટેલને રિપીટ કરાયા છે. જ્યારે પ્રફુલ પાનસેરીયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરી આશ્ચર્ય સર્જયું છે. તે ઉપરાંત માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપિતને પણ સમાવી લેવાયા છે. તેમજ વલસાડના પારડીના કનુ દેસાઈને ફરી મંત્રીમંડળમાં સામેલ કરાયા છે, સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને હરાવનાર વિનુ મોરડીયાનો મંત્રી મંડળમાં સમાવેશ નહીં કરાતા આશ્ચર્ય સર્જાયું છે.

મુખ્યમંત્રી: ભૂપેન્દ્ર પટેલ

કેબિનેટ મંત્રી: કનુ દેસાઈ (પારડી), ઋષિકેશ પટેલ (વિસનગર), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય), બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર), કુંવરજી બાવળિયા (જસદણ), મૂળુ બેરા (ખંભાળિયા), ડો. કુબેર ડીંડોર (સંતરામપુર એસટી), ભાનુ બાબરીયા (રાજકોટ ગ્રામ્ય, એસસી)

રાજ્યકક્ષાના મંત્રી: પરષોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય), બચુ ખાબડ (દેવગઢ બારિયા), મુકેશ પટેલ (ઓલપાડ), પ્રફુલ પાનસેરિયા (કામરેજ), ભિખુસિંહ પરમાર (મોડાસા), કુંવરજી હળપતિ (માંડવી),

સ્વતંત્ર હવાલો: હર્ષ સંઘવી (મજુરા સુરત), જગદીશ વિશ્વકર્મા (નિકોલ)

મુખ્યમંત્રી સહિત આઠ કેબિનેટ કક્ષાના મંત્રી અને બે રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવતી મંત્રી સહિત છ રાજ્ય કક્ષાના મંત્રીઓની શપથ વિધિ યોજવામાં આવી હતી. જેમાં મજુરાના ધારાસભ્ય હર્ષ સંધવી સહિત ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલનો સતત બીજી વખત મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય કામરેજ બેઠક પરથી ભારે બહુમતિથી ચુંટાઈ આવેલા પ્રફુલ્લ પાનસેરિયાનો પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રફુલ પાનસેરિયાને કેમ મંત્રી બનાવાયા?
પ્રફુલ પાનસેરિયા 2012માં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પાટીદાર આંદોલનને કારણે તેમને રીપીટ કરવામાં આવ્યા ન હતા. તેમને સ્થાને વીડી ઝાલાવાડીયાને ધારાસભ્ય તરીકે ટિકિટ આપવામાં આવી તી. આ વખતે ફરી એકવાર પ્રફુલ પાનસેરિયાને ટિકિટ આપતા તેઓ કામરેજ વિધાનસભા બેઠક ઉપરથી જીત્યા હતા. કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં તેઓ ધારાસભ્યો ન હોવા છતાં પણ તેમના વિસ્તારમાં અલગ અલગ સેવાકીય કામગીરી કરતા રહ્યા અને સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ જ એક્ટિવ રહ્યા હતા, જેની નોંધ પ્રદેશ અધ્યક્ષ સી આાર પાટીલે પણ લીધી હતી.

Most Popular

To Top