SURAT

હીરા ઉદ્યોગપતિ જતીન મહેતાની 7700 કરોડની મિલકત મામલે બ્રિટનની કોર્ટે આવો આદેશ કરતા ખળભળાટ

સુરત: વિદેશી અને ભારતની બેંકો સાથે 8 બિલિયન ડોલરની ઠગાઈ કરી તે નાણાં ટેક્સ હેવન કન્ટ્રીમાં આવેલી શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરવાનાં આરોપસર સુરતનાં વસતા દેવડીરોડ પર મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવનાર જતીન મહેતાની માલિકીની વિનસમ ડાયમંડ (સુરાજ ડાયમંડ) કંપનીને બ્રિટનની સર્વોચ્ચ અદાલતે મોટો ફટકો માર્યો છે.

  • હીરા ઉદ્યોગપતિ જતીન મહેતાની જપ્ત કરાયેલી 7700 કરોડની પ્રોપર્ટી નહીં છોડવા બ્રિટનની સર્વોચ્ચ અદાલતનો ચુકાદો
  • ભારતની 15 બેંકોનાં 3098 કરોડ ડૂબાડનાર લોન કૌભાંડી જતીન મહેતાની સુરતનાં વસ્તાદેવડી રોડની ફેકટરી સીલ કરાઈ હતી
    2014 માં એસડીએનાં પ્રમુખ દિનેશ નાવડીયા એ જતીન મહેતાને ભારત પરત લાવવા કેન્દ્રીય નાણાંમંત્રીને રજૂઆત કરી હતી
  • બેંકોની 1 બિલિયન ડોલરની લોન ચુકવવામાં નિષ્ફળ

સુરત મુંબઈની ડાયમંડ કંપનીઓ અને બેંકોનું ધિરાણ લઈ પરિવાર સાથે બ્રિટન ભાગી ગયેલાં જતીન મહેતાની બ્રિટનમાં આવેલી 932 મિલિયન અમેરિકન ડોલર એટલે કે, 7700 કરોડની પ્રોપર્ટી ટાંચમાં લેવા આદેશ આપી મહેતા પરિવારનાં ડિફોલ્ટરોને પ્રત્યાર્પણ સંધી હેઠળ ભારત મોકલી દેવાની ટિપ્પણી કોર્ટે કરી હતી. આ મામલાને જતીન મહેતાએ બ્રિટનની સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. અહીં કોર્ટે સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેન્ક અને ગ્રાન્ટ થોર્ન્ટનની દલીલો ગ્રાહ્ય રાખી ઈંગ્લેન્ડ અને વેલ્સ હાઈકોર્ટે (ચેન્સરી ડિવિઝનનો) ડિસેમ્બર- 2022નો ચુકાદો યોગ્ય ઠેરવ્યો હતો. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પીએલસી અને તેના સ્થાનિક ભારતીય બેંકો દ્વારા સમર્થિત લિક્વિડેશન ફર્મ ગ્રાન્ટ થોર્ન્ટન દ્વારા શરૂ કરાયેલી કાનૂની કાર્યવાહીને રોકવાની જતીન મહેતાની દલીલો ફગાવી દેવામાં આવી છે. આ ચુકાદાથી બેંકો પ્રોપર્ટીની હરાજી કરી પોતાની ફસાયેલી મૂડી પૈકીની કેટલીક રકમ પરત મેળવી શકશે.

બ્રિટનની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ એડવિન જોન્સને તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે મહેતાની $932 મિલિયનની સંપત્તિ ગયા વર્ષે યુકેની અદાલત દ્વારા ટાંચમાં લેવામાં આવી હતી, આ ભારતના હીરા ઉદ્યોગનો સૌથી મોટો ઠગાઈનો મામલો છે જેને લીધે એક દાયકામાં ભારતની બેંકોને 8 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. મહેતા અને તેમની બે કંપનીઓ વિન્સમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી લિમિટેડ અને ફોરએવર પ્રેશિયસ ડાયમન્ડ્સ એન્ડ જ્વેલરી લિમિટેડ પર આરોપ છે કે તેણે 2013માં ઇરાદાપૂર્વક લોનમાં ડિફોલ્ટ કર્યું હતું, તેમની સામે લોન્ડરિંગની પણ ફરિયાદ થઈ છે. તેમણે ટેક્સ હેવન દેશોમાં શેલ કંપનીઓમાં બનાવી 15 ભારતીય બેંકોની લોનની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.

જતીન મહેતા વિરુધ્ધ એક ડઝનથી વધુ ભારતીય બેંકોના રૂપિયા 3098 કરોડ ચાઉં કરી દેશ છોડીને લંડન ભાગી જવાનો આરોપ છે.
ગયા વર્ષે કરોડોના બેન્ક લોન કૌભાંડમાં ઈંગ્લેન્ડ અને વેલ્સ હાઈકોર્ટે (ચેન્સરી ડિવિઝન), સુરતની વિનસમ ડાયમંડ (સુરાજ ડાયમંડ)નાં માલિક જતીન મહેતા અને તેમના ભાઈઓની ફ્રીઝ સંપત્તિઓ અને તેમના પાસપોર્ટને મુક્ત કરવાની અરજીને નકારી કાઢી હતી આ ચુકાદાને પગલે જતીન મહેતા સહિતના બેંકલોન કૌભાંડના ડિફોલ્ટરનાં પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થયો હતો એને બ્રિટનની સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો હતો. 2014 માં એસડીએનાં પ્રમુખ દિનેશ નાવડીયા એ જતીન મહેતાને ભારત પરત લાવવા વડાપ્રધાન અને કેન્દ્રીય નાણાંમંત્રીને રજૂઆત કરી હતી.

સુરતનાં કતારગામ વાસ્તાદેવડી રોડ પર મેન્યુફેક્ચરિંગ યુનિટ અને મુંબઈમાં કોર્પોરેટ ઓફિસ ધરાવનાર જતીન મહેતા અને કંપનીના પારિવારિક ડાયરેક્ટરો દ્વારા જુદીજુદી રાષ્ટ્રીયકૃત બેંકોના 3098 કરોડ ડુબાડવામાં આવ્યા હતાં. એ ઉપરાંત સુરત-મુંબઈના હીરા ઉદ્યોગકારો પાસે લોન,હીરા લઈ 6700 કરોડની ઠગાઈ કરી વિદેશ ભાગી ગયા હતાં. ભારતની એજન્સીઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની ટીમ દ્વારા આ મામલે મુંબઇ અને અમદાવાદની કોર્ટમાં ગુનાઓ દાખલ કરી ભાગેડુ જતીન મહેતા સહિતના લોકોને પરત લાવવા 2013 માં ઇન્ટરપોલને જાણ કરી હતી. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક યુકે અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ઈન્ડિયા દ્વારા બ્રિટનની કોર્ટમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી.

બીજી તરફ ભારત સરકારે પણ જતીન મહેતાના પ્રત્યાર્પણની માંગ કરી હતી. જતીન મહેતાએ ત્યારે ભારતમાં ફુલેકુ ફેરવી દુબઈના ફ્રી ટ્રેડ ઝોનમાં વેપાર ચાલુ રાખ્યો હતો. વિનસમ ડાયમન્ડ્સ એન્ડ જ્વેલરી લિમિટેડ તેમજ ફોરએવર પ્રેશિયસ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી લિમિટેડના માલિકી જતીન મહેતા વિરુધ્ધ એક ડઝનથી વધુ ભારતીય બેંકોના રૂપિયા 3098 કરોડ ચાઉં કરી દેશ છોડીને લંડન ભાગી જવાનો આરોપ છે.

Most Popular

To Top