Dakshin Gujarat

સુમુલમાં દૂધની ચોરી: મનીષ ભટ્ટ સહિત 3 અધિકારીને ટર્મિનેટ કરાયા

સુરત: 4500 કરોડનું ટર્ન ઓવર ધરાવનાર સુમુલ ડેરીના ત્રણ નિર્ણાયક અધિકારીઓને એકસાથે ટર્મિનેટ કરવામાં આવતાં સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

  • ગેરરીતિ અને અનિયમિતતાનાં કારણોસર સુમુલના 3 ઉચ્ચ અધિકારીઓ ટર્મિનેટ: જી.એમ. માર્કેટિંગ મનીષ ભટ્ટ, ડીજીએમ ઓપરેશન અલ્પેશ શાહ અને મેનેજર એન્જિનિયરિંગ હિરેન પટેલને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરાયા

સુમુલ ડેરીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણથી ચાર મહિના ખાનગી રીતે કરવામાં આવેલા સર્વેલન્સ ઓડિટ દરમિયાન ગેરરીતિ અને વહીવટી અનિયમિતતાના મળેલા ઠોસ પુરાવાઓના આધારે સુમુલ ડેરીના આ 3 ઉચ્ચ અધિકારીને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. ગઈકાલે આ મામલે સુમુલ ડેરીના 4 સિનિયર ડિરેક્ટર સમક્ષ સુમુલના ઉચ્ચ અધિકારીઓએ દૂધ ચોરી થતી હોવા ઉપરાંત પ્રોજેક્ટમાં ગોબાચારી ચાલતી હોવાના કથિત પુરાવા રજૂ કરતાં સહકાર વિભાગને વિશ્વાસમાં લઈ વિભાગના મૌખિક અભિપ્રાયના આધારે ત્રણેય અધિકારીઓને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ટર્મિનેટ થયેલા સિનિયર અધિકારીઓમાં જનરલ મેનેજર માર્કેટિંગ મનીષ ભટ્ટ, ડેપ્યુટી જનરલ મેનેજર (પ્રોજેક્ટ પ્લાન્ટ એન્ડ ઓપરેશન એન્ડ પ્રોજેક્ટ રિલેટેડ ઓફિસર) અલ્પેશ શાહ અને મેનેજર (એન્જિનિયરિંગ) હિરેન પટેલને તાત્કાલિક ફરજ મોકૂફ કરી દઈ એમના વિભાગોનો હવાલો બીજા અધિકારીઓને આપી દેવામાં આવ્યો હતો. ટર્મિનેટ કરવામાં આવેલા અધિકારીઓમાં જનરલ મેનેજર ડો.મનીષ ભટ્ટ ડેરી ઉદ્યોગમાં પીએચ.ડી. કરનાર પ્રથમ વ્યક્તિ છે. જેઓ સુમુલમાં બે-બે દાયકાથી વધુ સમયથી માર્કેટિંગ વિભાગમાં ફરજ બજાવતા આવ્યા છે. ડેરી ઉદ્યોગમાં ખાસ કરીને દૂધ સંશોધનમાં પકડ ધરાવે છે. ત્રણ ઉચ્ચ અધિકારીઓના ટર્મિનેશન પછી સુમુલના અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું છે. સુમુલના ઇનચાર્જ એમડી. અરુણ પુરોહિતનો સંપર્ક કરતાં તેમણે કોઈપણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.

બે મહિના પહેલાં જ મનીષ ભટ્ટને સારી કામગીરી માટે જીએમ માર્કેટિંગનું પ્રમોશન અપાયું હતું
સુમુલમાં એમ.ડી. પછી જે ત્રણ મહત્ત્વના નિર્ણાયક અધિકારીમાં મનીષ ભટ્ટ એક હતા. સુમુલ ડેરીનું ટર્ન ઓવર 4200 કરોડને પાર જતાં તેમની સારી કામગીરીને પ્રોત્સાહિત કરવા બે મહિના પહેલાં સુમુલના બોર્ડે તેમને એજીએમ પદથી જનરલ મેનેજર માર્કેટિંગ તરીકે પ્રમોશન આપ્યું હતું. ડેરીના મહત્ત્વના અધિકારીને ગેરરીતિ અને વહીવટી અનિયમિતતાનાં કારણોસર બરખાસ્ત કરી દેવામાં આવતાં અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો. જો કે, સાચું-ખોટું શું હતું એ તો સુમુલની 27 તારીખે મળનારી બોર્ડ મીટિંગમાં સ્પષ્ટ થશે.

બે અધિકારીએ પ્રોજેક્ટમાં ગોબાચારી અને 6 કરોડની બિન ઉપયોગી મશીનરી ખરીદી
સુમુલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ટર્મિનેટ કરવામાં આવેલા બીજા અધિકારી અલ્પેશ શાહ ડેપ્યુટી જનરલ મેનેજર (પ્રોજેક્ટ પ્લાન્ટ એન્ડ ઓપરેશન એન્ડ પ્રોજક્ટ રિલેટેડ ઓફિસર) જેવી મોટી જવાબદારી નિભાવતા હતા. દૂધ ચોરીની ઘટના પ્લાન્ટમાં બની હોવાનાં કારણોસર તેમની જવાબદારી નક્કી કરવામાં આવી છે. ઉપરાંત તેઓ પ્લાન્ટ એન્ડ ઓપરેશન એન્ડ પ્રોજેક્ટ રિલેટેડ ઓફિસરની જવાબદારી પણ નિભાવતા હોવાથી તેમની સાથે એન્જિનિયરિંગ વિભાગના મેનેજર હિરેન પટેલ સામે પ્રોજેક્ટમાં ગોબાચારીના આરોપ મૂકવામાં આવ્યા હોવાનું વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ જણાવ્યું હતું. ને મશીનરી જે ચોક્કસ કામ માટે જોઈતી હતી એના બદલે ભળતી મશીનરી બીજા કામમાં આવે એવી રીતે 6 કરોડની બિન ઉપયોગી મશીનરીની તેમણે ખરીદી કરી હતી એવો આરોપ એમની સામે મૂકવામાં આવ્યો છે.

ઘર ફૂટે ઘર જાય, અધિકારીઓની લડાઈમાં બીજા પણ ભેરવાશે
સુમુલની આ આખી ગેરરીતિ અધિકારીઓની આંતરિક લડાઈમાં સામે આવી છે. છેલ્લા દોઢ દાયકામાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન થતાં સત્તાની નજીક ગયેલા અધકારીઓનો ભોગ લેવાયો છે. રાજકારણીઓની સાથે અધિકારીઓ પણ આંતરિક રાજ રમતમાં પડી જતાં ઘર ફૂટે ઘર જાય એવી સ્થિતિ નિર્માણ પામી છે. એ જોતાં બીજા અધિકારીઓ પણ આ વિવાદમાં ભેરવાશે એવી કર્મચારી ગણમાં ચર્ચાઓ ચાલી રહી છે.

Most Popular

To Top