World

સંધિ લંબાવાઇ છતાં સુદાનની રાજધાનીમાં ભારે લડાઇ ફાટી નીકળી

કેરો: આજે વહેલી સવારે સુદાનની (Sudan) રાજધાનીનું શહેર ખાર્ટુમ અને તેનું જોડિયું શહેર ઓમ્બર્ડમાન ભારે ધડાકાઓ અને બંદૂકોના અવાજોથી ધમધમી ઉઠ્યું હતું. દેશના બે ટોચના જનરલો વચ્ચે સંધિ લંબાવાઇ હોવા છતાં આ લડાઇ ફાટી નીકળી હતી. બે સપ્તાહની લડાઇ પછી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીકારોનું એક વાઇડ રેન્જિંગ ગ્રુપ – જેમાં આફ્રિકન અને આરબ દેશો, યુએન અને અમેરિકાનો સમાવેશ થાય છે તેઓ આ બંને લશ્કરી વડાઓ પર આ કટોકટી ઉકેલવા માટે મંત્રણાઓમાં પ્રવેશવા પર દબાણ વધારી રહ્યા છે. આ લડાઇને કારણે રાજધાની ખાર્ટુમ યુદ્ધ ઝોનમાં ફેરવાઇ ગઇ છે અને સુદાન એક મોટા વમળમાં ફસાઇ ગયું છે. અત્યાર સુધીમાં, તેમણે અનેક કામચલાઉ બટકણી સંધિઓ કરી છે જે સંધિઓ સંઘર્ષો રોકવામાં તો નિષ્ફળ ગઇ છે પરંતુ તેમણે હજારો સુદાનીઝ લોકોને સલામત સ્થળે ખસી જવા માટેનો અને વિદેશી નાગરિકોને સુદાન છોડી દેવા માટેનો સમય જરૂર પૂરો પાડ્યો છે.

  • ખાર્ટુમના રિપબ્લિકન પેલેસ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકના વિસ્તારો સહિતના વિસ્તારોમાં નવેસરથી લડાઇ
  • યુએન સહિત અનેક આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીકારો તરફથી સુદાનના બંને જનરલો પર મંત્રણાના મેજ પર આવવા ભારે દબાણ

આજે ખાર્ટુમના એક ધનવાન વિસ્તાર કાફૌરીમાં ઉપરા છાપરી વિસ્ફોટો અને બંદૂકોનો અવાજ સંભળાયો હતો અને તીવ્ર લડાઇઓ શરૂ થઇ હતી, આ જ વિસ્તારમાં અગાઉ લશ્કરે તેના હરીફ રેપિડ સપોર્ટ ફોર્સીસને નિશાન બનાવવા માટે બોમ્બમારો કરવા યુદ્ધ વિમાનોનો ઉપયોગ કર્યો હતો. લશ્કરના વડામથક, રિપબ્લિકન પેલેસ અને ખાર્ટુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકના વિસ્તારોમાંથી પણ લડાઇઓના અહેવાલો આવ્યા હતા. આ તમામ વિસ્તારો ૧૫ એપ્રિલે લશ્કર અને આરએસએફ વચ્ચે લડાઇ શરૂ થઇ ત્યારથી ફ્લેશપોઇન્ટ રહ્યા છે. એવા પણ સંકેતો છે કે અર્ધ લશ્કરી આરએસએફ પોતાના ઇજાગ્રસ્ત સૈનિકોની સારવાર કરાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે અને તે હતાશામાં તબીબી કર્મચારીઓનું અપહરણ કરી રહ્યું છે. એક ચેટ ગ્રુપમાં એવી ચેતવણી જારી કરાઇ હતી કે ડોકટરો પોતાના યુનિફોર્મ પહેરે નહીં.

Most Popular

To Top