હાલ ચોથી ઓગસ્ટના રોજ નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે એક ગંભીર અને ચિંતાજનક કહી શકાય તેવી પ્લેન ટર્બ્યુલન્સની વધુ એક ઘટના બની ગઇ. થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલ એર-ઇન્ડિયાની એક ફ્લાઇટ ટર્બ્યુલન્સનો ભોગ બની. ફૂકેટ-દિલ્હીની આ ફ્લાઇટ અચાનક આશરે ૩૦૦ ફૂટ નીચે આવી જવાથી ૨૪ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા હતા. છેલ્લા કેટલાક સમયમાં એર ટર્બ્યુલન્સની અનેક ઘટનાઓ વિવિધ દેશોમાં બની છે. ટર્બ્યુલન્સની આ ઘટનાઓ અંગે આમ તો જુદા જુદા અનેક કારણ હોય છે પરંતુ હાલની એર-ઇન્ડિયાની ફ્લાઇટના ટર્બ્યુલન્સની ઘટના સંદર્ભમાં એક વધુ ચિંતાજનક બાબત એ બહાર આવી છે કે આ ફ્લાઇટના મુખ્ય પાયલોટે નશીલો પદાર્થ લીધો હવાનું લેબોરેટરી પરીક્ષણમાં પુરવાર થયું છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379નો પાયલોટ-ઇન-કમાન્ડ લેબોરેટરી કન્ફર્મેટરી ટેસ્ટમાં મારિજુઆના માટે પોઝિટિવ આવ્યો છે અને આ એક ખૂબ ગંભીર ચિંતાજનક કહેવાય તેવી બાબત છે.
૪ ઓગસ્ટની આ ઘટના બાદ બંને પાયલોટોના ફરજિયાત સાયકોએક્ટિવ સબસ્ટન્સ(નશીલા પદાર્થો) માટેના સ્ક્રીનીંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પાયલોટ-ઇન-કમાન્ડના પ્રાથમિક ટેસ્ટમાં વધુ પુષ્ટિની જરૂર જણાતા, તેમના સેમ્પલને માન્ય લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે કન્ફર્મેટરી ટેસ્ટમાં પણ તે ગાંજા જેવા આ કેફી દ્રવ્ય માટે પોઝિટિવ આવ્યો છે, એટલે કે આ પાયલોટે આ નશીલો પદાર્થ લીધો હોવાનું લેબોરેટરીના ટેસ્ટમાં સાબિત થયું છે.
આ ઘટનાવિકાસ પછી નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ તથા વરિષ્ઠ અધિકારીઓ એર-ઇન્ડિયાના સીઇઓ તથા અન્ય અધિકારીઓને મળ્યા હતા તથા આ ઘટનાની ચર્ચા કરી હતી. હવે આ પાયલોટને સસ્પેન્ડ કરવામાં આવશે અને તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે એ નક્કી છે. પરંતુ આ ઘટના ઘણી સૂચક છે. જેમના પર આખા વિમાનના મુસાફરોની સલામતીની જવાબદારી હોય તે પાયલોટ નશીલો પદાર્થ લઇને વિમાન ઉડાડતો હોય તે બાબત જ કેટલી ગંભીર છે. જો કે એર ટર્બ્યુલન્સની આ ઘટનામાં આ પાયલોટની નશાખોરી કદાચ જવાબદાર નહીં પણ હોય, તેમ છતાં પાયલોટ ફેકી દ્રવ્યો કે પીણું લઇને વિમાન ઉડાડતા હોય તે બાબત ખૂબ જ ચિંતાજનક છે.
ઉડાન પહેલાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું કે નહીં અને તેમાંથી આ પાયલોટ કેવી રીતે પસાર થઇ ગયો તે પણ એક પ્રશ્ન છે. ગયા વર્ષે અમદાવાદમાં એર-ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ તૂટી પડે તેનો મુખ્ય પાયલોટ પણ માનસિક સમસ્યાઓથી પીડાતો હતો એવી માહિતી બહાર આવી છે. આ પાયલોટે જ ઉડાન વખતે ફ્યુઅલ સ્વીચ બંધ કરી દીધી હોવાની એક થિયરી છે. જો કે હજી તપાસકર્તાઓએ આ અંગે સત્તાવાર રીતે કશું કહ્યું નથી પરંતુ પાયલોટોની માનસિક-શારીરિક ફીટનેસ, તેમની વ્યસનની ટેવો વગેરે બાબતો ખૂબ જ અગત્યની છે તે સમજી શકાય તેવી બાબત છે.
એક અહેવાલ મુજબ વિશ્વભરની એરલાઇનોના પાયલોટો કામના ભારે દબાણ, ફરજના લાંબા કલાકો વગેરેને કારણે અને અંગત તનાવોને કારણે આલ્કોહોલ કે કેફી દ્રવ્યોના સેવન તરફ વળી જાય છે. વિમાન ઉડાડવા પહેલા તેઓ શરાબની અસરમાંથી મુક્ત થઇ ગયા હોય તે જરૂરી છે અને સદભાગ્યે મોટા ભાગના પાયલોટો આ નિયમનું પાલન કરે છે. પરંતુ બંધાણી થઇ ગયેલા અને માનસિક સમસ્યાઓથી પીડાતા પાયલોટો મોટી સમસ્યાઓ સર્જી શકે છે. રોઇટર્સના એક અહેવાલ મુજબ, વિશ્વભરના કોમર્શિયલ એરલાઇન પાયલોટ્સ પોતાની કારકિર્દી જોખમમાં મુકાવાના ડરથી ડિપ્રેશન અથવા એન્ઝાયટી જેવી સાધ્ય માનસિક સ્વાસ્થ્ય પડકારોને પણ વધુને વધુ પ્રમાણમાં છુપાવી રહ્યા છે.
આના પરિણામો દુઃખદ હોઈ શકે છે, અને મદદ મેળવવામાં તેમનો આ સંકોચ વ્યક્તિગત સુખાકારી અને વિમાન સુરક્ષા બંને માટે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે. પાયલોટ્સના માનસિક સ્વાસ્થ્ય પર વધી રહેલી આ તપાસ એવા કિસ્સાઓ દ્વારા પ્રકાશમાં આવી છે, જે દર્શાવે છે કે કેવી રીતે સામાજિક કલંક અને નિયમનકારી અડચણો પાયલોટોને સમયસર સારવાર મેળવતા રોકી શકે છે. ડેલ્ટા એરલાઇન્સના 41 વર્ષીય પાયલોટ અને ત્રણ બાળકોના પિતા બ્રાયન વિટકે કોવિડના સમયગાળા દરમિયાન મંદીના કારણે ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યા હતા. પોતાના લક્ષણોની જાણ કરવાથી તેમની ઉડ્ડયન કારકિર્દી જોખમમાં મુકાઈ શકે છે તેવા ડરથી તેમણે ઔપચારિક સારવાર લેવાનું ટાળ્યું હતું.
2022 માં આત્મહત્યા દ્વારા થયેલા તેમના મૃત્યુએ પાયલોટ્સ માટે મદદ મેળવવાના વધુ સ્પષ્ટ અને સુરક્ષિત માર્ગો બનાવવાની માંગને વેગ આપ્યો છે. માનસિક તનાવ પાયલોટને નશાખોરી તરફ વાળી દે અને તેને કારણે તેમનું માનસિક સ્વાસ્થ્ય ઓર કથળે, આ દુષ્ચક્ર શરૂ થઇ જવાનો ભય ઘણા કિસ્સાઓમાં રહેલો હોય છે. આથી એરલાઇનો પોતાના પાયલોટો માટે કામના યોગ્ય કલાકો, પ્રોત્સાહક વાતાવરણ પુરુ પાડવા જેવા પગલાઓ ભરે અને તેમને નશાખોરીથી દૂર રાખે તે વિમાની મુસાફરોની સલામતી માટે આવશ્યક છે.