SURAT

70 ટકા હાજરી સાથે શહેરમાં ધો. 10-12નું શિક્ષણકાર્ય શરૂ: કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરી શાળામાં પ્રવેશ

સુરત: (Surat) દેશમાં માર્ચ મહિનામાં શરૂ થયેલી કોરોના મહામારીના 9 મહિના બાદ રાજ્યભરમાં આનંદ અને ઉત્સાહ સાથે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ શાળામાં પુન:પ્રવેશ કરી રહ્યાં છે. પહેલાની જેમ જ પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા ઉત્સુક વિદ્યાર્થીઓ (Students) તેમજ વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર સ્કુલ શરૂ થવાનો આનંદ જોવા મળ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં તમામ વિદ્યાર્થીઓએ સરકારની સત્તાવાર કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરી શાળામાં પ્રવેશ કર્યો હતો. સ્કૂલમાં વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેકિંગ અને સેનેટાઈઝ કર્યા બાદ જ શાળા (Schools) પ્રવેશ આપવામાં આવ્યો હતો. પહેલા દિવસે સુરત શહેર જિલ્લાની શાળાઓમાં ધો.10 અને ધો.12 વચ્ચે સરેરાશ અંદાજે 70થી 75 ટકા હાજરી વચ્ચે શાળાઓ ધમધમી ઉઠી હતી. કેટલીક શાળાઓમાં તો 100 ટકા હાજરી જોવા મળી તો બીજી તરફ કેટલીક શાળાઓમાં નજીવી હાજરી જોવા મળી હતી. આવી શાળાઓમા છુટા છવાયા બે પાંચ બે પાંચ બાળકો કો પણ જોવા મળ્યા હતા. સરવાળે અંદાજે 70 ટકા જેટલી હાજરી ધો.10 અને 80 ટકા જેટલી હાજરી ધો.12ના વર્ગોમાં જોવા મળી હતી.

પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ નવી ઊર્જા અને જોમજુસ્સા સાથે ઉત્સાહભેર શાળામાં આવ્યાં હતાં. ક્લાસરૂમોમાં વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક પ્રાર્થના અને રાષ્ટ્રીય ગીત બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું. વિદ્યાર્થી, શિક્ષકો માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવી શિક્ષણકાર્યમાં જોતરાઈ ગયાં હતાં. શાળા સંચાલકોએ સ્કૂલો શરૂ કરતાં અગાઉ પ્રત્યેક વર્ગખંડને સેનિટાઇઝ કરી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથેની બેઠક વ્યવસ્થા સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે વિદ્યાર્થીઓનું ફૂલોથી સ્વાગત કર્યું

કોરોના મહામારીના નવ મહિનાઓથી બંધ પડેલી શાળાઓમાં હવે ફરીથી શિક્ષણકાર્યનો પ્રારંભ થયો છે, ત્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે બારડોલીની શ્રી એમ.બી.વામદોત સાર્વજનિક હાઈસ્કૂલમાં ઉપસ્થિત રહી ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓનું ફૂલોથી સ્વાગત કરી આવકાર્યા હતાં. વિદ્યાર્થીઓએ શાળામાં ઉત્સાહભેર પ્રવેશ મેળવ્યો હતો.

સુરત શહેર જિલ્લામાં શાળાકીય શિક્ષણનો આજે પહેલો દિવસ અસરકારક રહ્યો હતો. આજે જે રીતે વિદ્યાર્થીઓની સંખ્યા હતી એ જોતા આગામી દિવસોમાં શાળાઓમાં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. ઘણાં વાલીઓ એવા પણ છે કે જેઓ બે-ચાર દિવસ શાળાનો માહોલ જોઇને પોતાના બાળકને અભ્યાસ માટે મોકલવા ઇચ્છે છે આવા હજારો બાળકો આગામી દિવસોમાં શાળાઓમાં જોડાતા, સુરત શહેર જિલ્લામાં કોવિડ 19 પછી શરૂ થયેલી શાળામાં વિદ્યાર્થીઓની હાજરી 90 ટકા સુધી પહોંચી જાય તેમ છે. સુરતની વાત કરીએ તો ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં આજે પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી વર્તાઇ હતી. ઘણી શાળાઓમાં તો પાંચ-સાત વિદ્યાર્થીઓ આજે પહેલા દિવસે આવ્યા હતા. કુલ મળીને ગ્રાન્ટેડ હાઇસ્કુલ્સ અને હાયર સેકન્ડરી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ઓછા જોવા મળ્યા હતાં. જ્યારે સેલ્ફફાઇનાન્સ પ્રાઇવેટ સ્કૂલો, સીબીએસઇની સ્કૂલોમાં આજે પહેલો દિવસ પ્રભાવક હાજરી સાથેનો રહ્યો હતો.

વનિતા વિશ્રામ સંકુલમાં નાના મોટા ઉદ્યાનોમાં લેવાયા ક્લાસ અઠવાલાઇન્સ સ્થિત વનિતા વિશ્રામ સંકુલની ગર્લ્સ સ્કુલમાં ધો.10 અને ધો.12ની વિદ્યાર્થિનીઓ માટે આજે પહેલા દિવસે નવીનત્તમ અનુભવ કરાવાયો હતો. સંકુલ પાસે જગ્યાની મોકળાશ તેમજ નાના મોટા ઉદ્યાનો હોઇ, શિક્ષકોએ વિદ્યાર્થિનીઓને ઉદ્યાનમાં લઇ જઇને ત્યાં વર્ગો લીધા હતા. કોવિડ-19માં આમેય ફિઝિકલ ડિસ્ટન્સિંગ, આઉટડોર એક્ટિવિટીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. વનિતા વિશ્રામ સંકુલનો આ પ્રયોગ બિરદાવવા પાત્ર બન્યો છે. જિલ્લાની અન્ય શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને આ રીતે ખુલ્લામાં બેસાડી અભ્યાસ કરાવાયો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top