SURAT

સુરત મનપાનો ગજબ કારભાર, 75 કરોડનો ટ્રેક બની ગયો પણ સાઇકલો ગાયબ

સુરત: સુરત શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન મળે તે માટે મનપા દ્વારા શહેરમાં ઠેર ઠેર સાયકલિંગ ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે. તેમજ શહેરમાં તમામ પહોળા રસ્તાઓ પર સાયકલ ટ્રેક બનાવવા માટેની કવાયત મનપા દ્વારા શરૂ કરવામાં આવી છે.

  • મનપા સાયકલિંગને પ્રોત્સાહન આપે છે, પરંતુ સાયકલ ચલાવવા કદાચ કોઈ તૈયાર નથી, જેથી કરોડોનો ખર્ચ પાણીમાં
  • મનપા પણ ઉતાવળે પ્રોજેક્ટ્સને સાકાર કરી દે છે, પછી તે સફળ થયો, લોકોપયોગી બન્યો તેની તસ્દી લેતી નથી
  • સાયકલ ટ્રેકના થર્મોપ્લાસ્ટ પેઈન્ટ પાછળ 3 વર્ષમાં 5.77 કરોડનો ખર્ચ

હાલમાં જ શહેરમાં ITDP (ઈન્સ્ટીટ્યુશન ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ ડેવલપમેન્ટ પોલીસી) દ્વારા શહેરમાં સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને હવે શહેરના તમામ 45 અને 30 મીટર પહોળા રસ્તા પર બંને તરફ ડેડીકેટેડ સાયકલ ટ્રેક બનવાની કામગીરી શરૂ કરાઈ હતી. તેમજ તમામ ઝોન ઓફિસો પર સાયકલ માટે અલાયદા પાર્કીંગ પણ બનાવવામાં આવશે, જે માટે કામગીરી કરવા માટે મનપા કમિશનર દ્વારા જે-તે ઝોનમાં સુચના પણ આપી હતી. પરંતુ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ આ સાયકલ ટ્રેકનો કોઈ ઉપયોગ કરી રહ્યું નથી.

આ સાયકલ ટ્રેકના પેઈન્ટ પણ ભુંસાઈ ગયા છે તેમજ આ સાયકલ ટ્રેક પર માત્ર ખાનગી વાહનો પાર્ક થઈ રહ્યા છે અને દબાણકર્તાઓ અહીં દબાણ જ કરી રહ્યા છે. મનપા દ્વારા છેલ્લા 3 વર્ષમાં સાયકલ ટ્રેકના થર્મોપ્લાસ્ટ પેઈન્ટ કરવા માટે કુલ રૂા. 5.77 કરોડનો ધુમાડો કરી નંખાયો છે.

સુરત મનપા દ્વારા શહેરમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં પણ શહેરના ઘણા વિસ્તારોમાં અલગથી સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યા છે. પરંતુ આ જ સાઇકલ ટ્રેક પર લોકો સાઇકલ ચલાવવાને બદલે વાહનોનું પાર્કિંગ કરી રહ્યા છે.

મનપા દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને સાયકલ ટ્રેક માટે પેઈન્ટ અને સાઈનેજીસ લગાવવામાં આવ્યા છે. મનપા દ્વારા પ્રોજેક્ટ્સ લાગુ કરી દેવામાં આવે છે, પરંતુ તે પ્રોજેક્ટ સફળ થાય કે તે લોકોપયોગી બને છે કે કેમ તે અંગે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે ઘણાં સારા પ્રોજેક્ટ્સ લોકોને કામ આવી રહ્યા નથી અને પ્રજાના પૈસાનો વ્યય જ થતો હોય તેવી પ્રતીતિ થઈ રહી છે.

જે-તે સમયે મનપા દ્વારા શહેરના તમામ 45 અને 30 મીટર પહોળા રસ્તા પર બંને તરફ ડેડિકેટેડ સાયકલ ટ્રેક બનાવવા તેમજ તમામ ઝોન ઓફિસો પર સાયકલ માટે અલાયદા પાર્કિંગ પણ બનાવવાની કામગીરી કરવા માટે મનપા કમિશનર દ્વારા જે-તે ઝોનમાં સુચના આપવામાં આવી હતી.

જે અંતર્ગત શહેરના 45 મીટરથી વધુ પહોળાઈનાં રસ્તા પર રસ્તાની બન્ને તરફે 3 મીટરનાં ડેડિકેટેડ સાયકલ ટ્રેક તેમજ 30 મીટર કે તેથી વધુ અને 45 મીટરથી ઓછી પહોળાઈનાં રસ્તા પર રસ્તાની બન્ને તરફે 2 મીટરનાં ડેડિકેટેડ સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન કરાયું હતું. શહેરમાં હાલ કુલ 75 કિ.મીનો સાયકલ ટ્રેક તૈયાર છે, પરંતુ આ સાયકલ ટ્રેક પર ભાગ્યે જ કોઈ સાયકલ ચલાવતું જોવા મળે છે. બાકી તો ખાનગી વાહનો જ પાર્ક થાય છે અને દબાણો થઈ રહ્યા છે.

સાયકલ ટ્રેકના થર્મોપ્લાસ્ટ પેઈન્ટ પાછળ 3 વર્ષમાં કુલ 5.77 કરોડનો ખર્ચ કરાયો

ઝોન પ્રમાણે ખર્ચ
રાંદેર ઝોન 12,74,982, અઠવા 4,13,83,874, ઉધના-એ 1,07,13,532ઉધના-બી 43,97,373, કુલ 5,77,69,762

Most Popular

To Top