SURAT

લાજપોર જેલમાંથી જામીન પર 10 દિવસ માટે છૂટેલા કેદીએ જબરો ખેલ કરી નાંખ્યો

સુરત: લાજપોર જેલમાં અવારનવાર મોબાઈલ મળવાના કિસ્સા બાદ જેલનું તંત્ર સતર્ક થયું છે. ત્યારે જેલની બે માળ ઊંચી દિવાલ પરથી મોબાઈલનું પેકેટ અંદર ફેંકતા એકને સીસીટીવી કંટ્રોલ રૂમમાં બેસેલા કર્મચારીએ જોઈ જતા તેને પકડી લેવાયો હતો. 10 દિવસ વચગાળાના જામીન મેળવી બહાર આવેલા કેદીએ અંદર અમરોલીમાં હત્યાના આરોપી માટે આ 5 મોબાઈલ ફોનની વ્યવસ્થા કરી હતી. સચીન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • 10 દિવસ માટે જામીન પર છૂટેલા આરોપીએ લાજપોર જેલમાં પાંચ મોબાઇલ પહોંચાડી દીધા
  • 5 મોબાઈલ ફોનનું પેકેટ જેલની બે માળ ઊંચી દિવાલ પરથી અંદર ફેંક્યું
  • લાજપોર જેલના સ્ટાફે સીસીટીવીની મદદથી ગુનો પકડી લીધો

લાજપોર સબજેલમાં વધતી ગેરરિતી, મોબાઈલ ફોન મળી આવવા તથા કેદીઓને જેલમાં સુખ સુવિધાઓ આપવામાં આવતી હોવાની ફરિયાદો બાદ તંત્ર સતર્ક થઇ ગયું છે. સ્ટાફ દ્વારા જેલમાં સીસીટીવી કંટ્રોલ રૂમમાં કેમેરામાં સતત વોચ રાખવામાં આવતી હોય છે.

ત્યારે ગઈકાલે ફરજ બજાવી રહેલા કર્મચારી સંદિપભાઈએ જેલના ગેટ નંબર 2 ના બાજુમાં આવેલી કોર્ટ રૂમની પાસેથી એક અજાણ્યાને જેલની મુખ્ય દિવાલ ઉપરથી કોઈ પડીકા જેવી વસ્તુ ફેંકતા જોયો હતો. ત્યારબાદ આ વ્યક્તિને પકડી પાડી તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ ચીરાગ ગોપાલભાઇ યાદવ (ઉ.વ.23 રહે.ઘર નંબર-૩૦, શ્યામજી નગર, સાયણ તા.ઓલપાડ તથા મુળ ઉજ્જૈન, મધ્ય પ્રદેશ ) હોવાનું અને તે હાલ વચગાળા જામીન ઉપર હોવાનું જણાવ્યું હતું.

તે ઉમરા પોલીસ સ્ટેશનમાં અપહરણ, ફાયરિંગ અને લૂંટના ગુનામાં કાચા કામના કેદી તરીકે જેલમાં હતો. અને 10 દિવસના વચગાળાના જામીન મેળવી અઠવાડિયા પહેલા બહાર આવ્યો હતો. ત્યારબાદ જેલની અંદરના સીસીટીવી પણ ચેક કરાયા હતા. જેમાં યાર્ડ નંબર 4 ની દિવાલની બાજુમાં આ પેકેટ પડ્યું હતું.

આ પેકેટ પાકા કામના કેદી વિજય વિઠ્ઠલભાઈ વાદીએ ઉઠાવ્યું હતું. અમે યાર્ડ નંબર 01 ની અગાશી ઉપરથી ગ્રાઉન્ડ ફ્લોર નીચે આવતી પાણીની પાઈપમાં સંતાડ્યું હતું. જેમાં નોકીયા કંપનીના પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. મોબાઈલની બેટરી અને એસેમ્બલ ચાર્જર ડેટા કેબલ પણ હતા.

ચીરાગ 10 દિવસના જામીન ઉપર બહાર આવીને આ મોબાઈલ ફોન અમરોલીમાં હત્યાના ગુનામાં પાકા કામના કેદી સોનુ ઉર્ફે લાવારીશને આપ્યા હતા. પરંતુ આ પેકેટ સોનુંને બદલે વિજય ઉંચકી ગયો હતો. આ પાંચ મોબાઈલ તે કોણે આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top