Surat Main

સુરતના વેસુના બિલ્ડર શંકર મારવાડી પર GSTની રેડ, ભાગીદાર પણ વરૂણીમાં

સુરત : વેસુના મોટા બિલ્ડર(Builder) શંકર મારવાડી અને તેના ભાગીદાર(Partner) મહાવીર શાહ પર આજે બુધવારે વહેલી સવારથી સ્ટેટ જીએસટી(GST) વિભાગ(department) દ્વારા દરોડા(Raid) પાડવામાં આવ્યા છે. શંકર મારવાડીની વેસુ(Vesu) સ્થિત શ્યામ ખાટૂ મંદિરની બાજુમાં વીઆઈપી પ્લાઝા ખાતે આવેલી ઓફિસમાં અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે. બાંધકામ સંબંધિત જીએસટી ચોરીનો મામલો હોવાની આશંકા છે. હાલ તપાસ પ્રાથમિક તબક્કામાં ચાલી રહી છે.

સુરતમાં બિલ્ડર ગ્રુપ પર GST વિભાગે તવાઈ બોલાવી છે. વેસુ વિસ્તારનાં વીઆઇપી રોડ પર શંકર મારવાડી બિલ્ડર ગ્રુપ પર સ્ટેટ GST વિભાગે રેડ પાડી છે. આ ઉપરાંત તેના ભાગીદાર મહાવીર શાહને ત્યાં પણ GST વિભાગે રેડ પાડી છે. એક જમાનામાં ભટાર ટેનામેન્ટની સામે કરિયાણાની દુકાન ચલાવતા અને સુઝુકી બાઈક પર ફર્યા કરતા શંકર મારવાડીને જમીનના સોદા ફળ્યા હતા. મોટા મોટા બિલ્ડરો સાથે ભાગીદારી કરી ધીમે ધીમે મારવાડી પોતે જ એક મોટો બિલ્ડર બની ગયા. વેસુ વીઆઈપી રોડ પર વીઆઈપી પ્લાઝા ઉપરાંત કમર્શિયલ અને રેસિડેન્શિયલ અનેક પ્રોજેક્ટમાં મારવાડી ભાગીદારી ધરાવે છે. શંકર.સી.શાહ(શંકર મારવાડી) અને નરોત્તમ પટેલનાં પુત્ર કીર્તિ પટેલે વર્ષ 2009-10માં કેટલાક અન્ય છૂટાછવાયા ભાગીદારો સાથે મળીને એસ.કે કોર્પોરેશન નામની ફર્મ કંપનીની સ્થાપના કરી હતી. આ ફર્મની સ્થાપના હાઉસિંગ કોમ્પ્લેક્સ ‘સ્વિમ પેલેસ’નાં નિર્માણ માટે કરવામાં આવી હતી.

છેલ્લાં કેટલાંય સમયથી મારવાડી અને તેના ભાગીદારોની કંપની દ્વારા નિયમિતપણે જીએસટીની ભરપાઈ નહીં કરી ટેક્સ ચોરી કરવામાં આવતી હોવાનું જીએસટી ડિપાર્ટમેન્ટના ધ્યાન પર આવતા આજે દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ મારવાડી અને મહાવીરને ત્યાં તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top