Editorial

‘સ્પા’ના ગોરખધંધા પર પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ નહીં કાયમી ડ્રાઈવની જરૂર છે

ગણિકા, તવાયફ, કોઠેવાલી કહો કે પછી વૈશ્યા. ભારત દેશમાં આ પ્રથા સદીઓથી છે. રાજા મહારાજાઓના સમયમાં વૈશ્યાલયો ચાલતા હતા. જો કે તે સમયે વૈશ્યાવૃત્તિ ખુલ્લેઆમ ચાલતી નહોતી. ગામના છેવાડે આવી પ્રવૃત્તિઓ થતી હતી અને ત્યાં જનારા લોકો પણ શરમાતા હતા. સમયાંતરે વૈશ્યાવૃત્તિને ખરાબ ગણીને તંત્ર દ્વારા દૂર કરવાની કવાયતો શરૂ કરવામાં આવી. એક સમયે જ્યાં શહેરોમાં રેડલાઈટ એરિયા હતા ત્યાં વૈશ્યાઓને નવજીવન આપવા માટે રેડલાઈટ એરિયાઓ દૂર કરવામાં આવ્યા.

જો કે, માણસની પ્રકૃત્તિમાં આવેગ વણાયેલો છે અને તેમાં પણ જાતીય આવેગ સૌથી ખરાબ છે. રેડલાઈટ એરિયા દૂર થયા તો ખૂણેખાંચરે આ પ્રવૃત્તિ થવા માંડી. જ્યારે ખૂણેખાંચરે આવી પ્રવૃત્તિ થતી હતી ત્યારે પણ લોકોમાં શરમ હતી પરંતુ જ્યારથી ‘સ્પા’ આવ્યા ત્યારથી વૈશ્યાવૃત્તિનો વ્યવસાય ખુલ્લેઆમ થઈ ગયો છે. એવું નથી કે દરેક મસાજ પાર્લર કે ‘સ્પા’માં ખરાબ પ્રવૃત્તિ જ ચાલે છે. મસાજ કરવાથી થાક દૂર થવાની સાથે મન પ્રફુલ્લિત થાય છે અને વિદેશોની સાથે ભારતમાં પણ મસાજ એટલો જ પ્રચલિત છે પરંતુ ‘સ્પા’ના નામે પહેલા મસાજ અને બાદમાં તો રીતસર વૈશ્યાવૃત્તિ શરૂ થઈ ગઈ. વૈશ્યાવૃત્તિમાં પણ કેટેગરીઓ આવી ગઈ અને તેના ભાવો નક્કી થઈ ગયા. એક ‘સ્પા’નો માલિક કમાઈ જતાં અનેક લોકોએ તેમાં ઝંપલાવી દીધું.

‘સ્પા’નો ધંધો આજે હજારો નહીં પરંતુ કરોડોમાં પહોંચી ગયો છે. પહેલા એવું થતું હતું કે લોકો વિદેશ જઈને મજા માણતા હતા અને ‘સ્પા’ના સંચાલકો વિદેશથી યુવતીઓને જ જે તે શહેરોમાં લઈ આવ્યા. ‘સ્પા’ના રૂપાળા નામ હેઠળ એટલા મોટાપાયે ધંધો શરૂ થઈ ગયો કે મોટા શહેરોમાં ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો બચ્યો હશે કે જ્યાં ‘સ્પા’ ધમધમતું નહીં હોય. છેક ગામડાઓમાં પણ આ ‘સ્પા’ અને તેની વૈશ્યાવૃત્તિની પ્રવૃત્તિઓ પહોંચી ગઈ. જ્યાં ઓફિસો ધમધમતી હોય, મોલ ધમધમતા હોય ત્યાં જવું સરળ અને સાથે કોઈ શંકા કરે તેમ નહીં હોવાથી ત્યાં ચાલતા ‘સ્પા’માં જવા હોવાને કારણે લોકોની લાજશરમ પણ જતી રહી અને તેને કારણે મસાજના નામે વૈશ્યાવૃત્તિનો વ્યવસાય ખૂબ મોટો થઈ ગયો.

‘સ્પા’ને કારણે ગુનાખોરીઓ પણ વધવા માંડી. ‘સ્પા’માં જઈને તોડ કરવાની પ્રવૃત્તિઓ પણ વધી. ‘સ્પા’ અને તેમાં ચાલતી અશ્લિલ પ્રવૃત્તિથી તમામ સરકારી તંત્રો વાકેફ છે. કયા વિસ્તારમાં કયું ‘સ્પા’ ચાલે છે તેની તમામ વિગતો પણ જે તે પોલીસ મથકોમાં નોંધાવા માંડી હતી. ત્યાં સુધી કે કેટલાક પોલીસ મથકોમાં સ્પેશિયલ ‘સ્પા’માં જઈને ઉઘરાણા કરવા માટે કેશિયરો પણ નક્કી થવા માંડ્યા. ગુજરાતનું ભાગ્યે જ એવું શહેર બચ્યું હતું કે જ્યાં ‘સ્પા’ ચાલતા નહોતા. આખા ગુજરાતમાં આ પ્રવૃત્તિ ધમધમવા માંડી હતી.

તાજેતરમાં ગુજરાત પોલીસ જાગી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે કડક વલણ અખત્યાર કરતાં પોલીસ દોડવા માંડી અને સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી. બે દિવસની ડ્રાઈવમાં પોલીસે ગુજરાતમાં 1600 જેટલા સ્પામાં તપાસ કરી. 242 આરોપીઓ સામે 169 ગુનાઓ નોંધ્યા અને 150ની ધરપકડ પણ કરી. 32 સ્પા અને હોટલના લાયસન્સ પણ રદ્દ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી. સવાલ એ થાય છે કે જ્યારે ગૃહમંત્રીએ આદેશ કર્યો ત્યારે જ કેમ દરોડા પાડવામાં આવ્યા? શું પોલીસની એ ફરજ નથી કે તેમના વિસ્તારોમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિ સામે પહેલેથી જ પગલા લેવામાં આવે?

હાલમાં ‘સ્પા’ પકડાયા તો પોલીસ પહેલેથી જ કેમ તેને પકડી શકી નહીં? ખરેખર ગૃહમંત્રીએ જે પોલીસ મથક વિસ્તારમાંથી સૌથી વધુ ‘સ્પા’ પકડાય ત્યાંના સ્થાનિક પોલીસ અધિકારી સામે નોકરીમાંથી કાઢી મૂકવા સુધીના પગલા લેવા જોઈએ. ખૈર, હજુ પણ મોડું થયું નથી. રાજ્યની પોલીસે જે ‘સ્પા’માં ખોટા ધંધા ચાલે છે તેને કાયમી ધોરણે બંધ કરાવી દેવા જોઈએ. ‘સ્પા’માંથી ખોટી પ્રવૃત્તિ પકડાય તો તેના સંચાલક સામે ‘પાસા’ સુધીના પગલા લેવાવા જોઈએ. ‘સ્પા’માં દેશનું યુવાધન ખોટા રસ્તે ચડી રહ્યું છે અને જો સરકાર કડક પગલાઓ લેવાનું ચાલું નહીં રાખે તો તેની અસરો સમાજમાં ખૂબ મોટી થવાની છે તે નક્કી છે.

Most Popular

To Top