Charchapatra

સામાજિક, અન્ય પ્રસંગો અને અવાજનું પ્રદૂષણ

થોડા દિવસ પહેલાં એક સમાચારપત્રમાં વાંચવા મળ્યું કે વડોદરાનાં ઘણાં વાલીઓએ વડોદરા શહેરમાં લગ્ન તેમજ અન્ય જાહેર પ્રસંગોએ જાહેર રસ્તા અને પાર્ટી પ્લોટોમાં મોટા અવાજે વગાડાતા ડી.જે. ને કારણે એમનાં સંતાનોની પરીક્ષાની તૈયારીમાં ખલેલ પહોંચતાં શહેરના પોલીસ કમિશ્નરને ફરિયાદો નોંધાવતાં ત્યાંના પોલીસ કમિશ્નરે ડી.જે. ના માલિકો સામે પગલાં લેવાની શરૂઆત કરી છે. વડોદરામાં જે સમસ્યા છે એવું આપણા સુરતમાં પણ સતત બનતું રહે છે. વડોદરા શહેરનાં વાલીઓએ એમનાં સંતાનોની પરીક્ષાઓની તૈયારીમાં પડતી તકલીફોની ચિંતા કરી જે ફરિયાદો કરી છે એ વ્યાજબી છે અને એ પ્રમાણે તેઓ પરીક્ષાઓ સિવાયના સામાજિક, ધાર્મિક કે અન્ય પ્રસંગોએ થતા અવાજના પ્રદૂષણ અંગે પણ ફરિયાદો નોંધાવતાં જ હશે એવું માનીએ તો ખોટુ ન હોય કારણકે એક મર્યાદા ઉપરાંતના ઘોંઘાટની દરેક વ્યક્તિને ઓછી કે વધતી શારીરિક અને માનસિક અસર/તકલીફ થતી જ હોય છે.

આ પ્રકારના પ્રદૂષણને કારણે હાયપર ટેન્શન, ઊંઘમાં ખલેલ, માનસિક સ્ટ્રેસ, કાયમી કે ટેમ્પરરી બહેરાશ જેવા રોગ પણ ઘર કરી જવાની શક્યતા રહેલી હોવા ઉપરાંત વ્યક્તિની કાર્યક્ષમતાને પણ અસર પહોંચે છે એ સંજોગોમાં આપણા સત્તાધીશો અને કાયદાના રખેવાળો આપણા સુરત શહેરમાં પણ સક્રિય થઇ લોકોને સમજાવવાની કે જરૂરી પગલાં લેવાની શરૂઆત કરે તો લોકોનો સહકાર મળી રહેવાની શક્યતાને નકારી ન શકાય. અલબત્ત એનો અર્થ એવો નથી જ કે લોકોની એમના શુભ પ્રસંગોની ખુશીમાં કોઇ પણ પ્રકારે બાધારૂપ બનવું. બધાં લોકો એમના સામાજિક/ધાર્મિક પ્રસંગો આનંદપૂર્વક ઉજવે એવું સર્વ કોઇ જરૂર ઇચ્છે, પરંતુ એક મર્યાદામાં વગાડાતાં વાજિંત્રોથી અન્યોને કોઇ તકલીફ ન થાય અને દરેક પ્રસંગોમાં આવકારાતી જુવાન કે ઉંમરલાયક વ્યક્તિઓ પણ ઉત્સાહભેર જે તે પ્રસંગને માણી શકે. વર્ડ હેલ્થ ઓરગેનાઇઝેશને ઘોંઘાટની જે વ્યાખ્યા આપી છે એ મુજબ ૬૫ ડેસીબલ કરતાં વધુ અવાજ ઘોંઘાટ છે, ૭૫ ડેસિબલથી વધુ અવાજ નુકસાનકારક છે અને ૧૨૦ ડેસીબલથી વધુ અવાજ પીડાદાયક છે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top