Comments

ચૌદ વર્ષથી નીચેનાં સંતાનો માટે ફલોરિડામાં સોશ્યલ મિડિયા ગેરકાનૂની

ચાલીસ પચાસ વર્ષ અગાઉ ઘરના સાત આઠ સભ્યો બપોરના કે રાત્રે પંગતમાં જમવા બેસતાં ત્યારે વડીલો પ્રથમ અમુક પૂજા વિધિ કરતાં. જમવાની થાળીમાંથી ઉપોષણના પાંચ ભાગ જમીન પર મૂકી તેને પાણીનો અર્ઘ્ય આપતાં. ત્યાર બાદ મિનિટ બે મિનિટ માટે ૐ ‘સહનાવતુ, સહનૌભુનકતુ’ વગેરે મંત્રપાઠ કરતાં. એ દરમિયાન થાળીમાં પીરસાયેલી ચીજવસ્તુઓ જોઈને બાળકો અને કિશોરો ભૂખને રોકી શકતાં નહીં અને જમવા માંડતાં. એ જોઇને વડીલો ગુસ્સે ભરાતાં, ત્રણ વખત શાંતિપાઠ બોલ્યા પછી જ જમવું જોઈએ એવી સલાહ આક્રોશ સાથે આપતા.

આજનાં સંતાનો, કિશોરો અને તરુણોમાં શાંતિનો સદંતર અભાવ જોવા મળે છે. તેઓને મોબાઈલમાં માથું ઘાલીને ડાઇનિંગ ટેબલ પર બેસી રહેવા સિવાય બીજી કોઇ વાતમાં શાંતિ જણાતી નથી. જે રીતે બાળકો વર્તન કરી રહ્યાં છે અને યુવાન વડીલોના વિચારો અને કાર્યકલાપોમાં પરિવર્તનો આવ્યાં છે તે જોતાં લાગે છે કે એક સુંદર સંસ્કારી પ્રથાનું હવે ભાગ્યે જ કયાંક પાલન થતું હશે. બાકી સૌ મોબાઈલ ફોનમાં વ્યસ્ત છે અને એટલી હદે વ્યસ્ત છે કે મોબાઈલ ફોન જ એક મોટું દૂષણ બની ગયા છે. તેનાં ગંભીર પરિણામો અને અસરો હવે જણાવા માંડયાં છે.

બ્રિટીશ વર્ગખંડોમાં સ્માર્ટફોન લઇ જવા પર તાજેતરમાં જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમેરિકાના ફલોરીડા રાજ્યની સરકારે તો આ સપ્તાહમાં તેનાથી પણ આગળનું કદમ ભર્યું છે. ચૌદ   વર્ષથી નીચેની ઉંમરનાં તમામ સંતાનોને સોશ્યલ મિડિયા જોવાનું કે તેઓને દર્શાવવાનું ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું છે. હવેથી તે અપરાધ ગણાશે. સ્માર્ટફોન અને તેમાં રજૂ થતું સોશ્યલ મિડિયા બાળકોને માટે એક કરતાં અનેક રીતે હાનિકારક પુરવાર થાય છે તે બતાવતાં સંશોધનો અને અનુભવોની લાંબી વણઝાર બાદ આ આકરા નિર્ણયો લેવા પડયા છે. જોનાથન હૈદત નામના લેખકે ‘ધી એંક્ષસ જનરેશન’ નામનું પુસ્તક લખ્યું છે. એમના કહેવા પ્રમાણે સોશ્યલ મિડિયા અને ખાસ કરીને સ્માર્ટફોનનાં અમુક એપ્લિકેશનો બાળકોનાં માનસ પર લાંબા ગાળાની વિપરીત અસરો પેદા કરે છે.

જેમ કે બાળકો, કિશોરોનાં મગજની શક્તિ કરતાં પણ અમુક અઘરાં એપ્લિકેશનો ચલાવવાનું બાળકને ફાવે નહીં તો પણ તેઓમાં ચિંતા, હતાશા, અસહાયતાની લાગણીઓ જગાવે છે. આવી ભાવનાઓ લાંબો સમય ચાલે છે. એને સ્માર્ટફોનની અમુક કળો અને એપ્લિકેશનો ઓપરેટ કરતાં આવડતી નથી તે વિચારથી હીન ભાવના પ્રગટે છે. જો કોઇ ખૂબ હોંશિયાર બાળક કે કિશોર તે જાણતો હોય અને પોતે ન જાણતો હોય તે સ્થિતિ પણ એને સતત મૂંઝવે, પજવે છે. જો એ કોઇ એપ્લિકેશનો ઓપરેટ કરતાં શીખી જાય તો તેની પાછળ, શિક્ષણના ભોગે સમય વેડફે છે. તેમાંની કેટલીક ન શીખવા જેવી ગંદી બાબતો પકડી લે છે.

આજકાલ તો યુટયુબ  પણ સલામત નથી. બાળકોને સર્વસામાન્ય એપ્લિકેશનો વાપરતાં તો ચપટી વગાડતાંમાં જ આવડી જાય છે એ આપણો અનુભવ છે. ત્રણ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં બાળકોને ઘણી વસ્તુઓ તો શીખવાડવી જ પડતી નથી. અમો આ લખનાર, બાર વર્ષના થયા ત્યાં સુધી ઘરમાં રેડીઓની સ્વીચ જાતે ઓન-ઓફ કરવાની છૂટ ન હતી. આજે બાળકો જે અઘરાં એપ્લિકેશનોનો સ્માર્ટફોનમાં સામનો કરે છે તેની આગળ સોશ્યલ મિડિયાનાં એપ્લિકેશનો ખૂબ સરળ ગણાય. પણ સ્માર્ટફોન કંઇ એક કે બે રીતે મગજ કે શરીર પર વિપરીત અસર પાડતાં નથી, અનેક રીતે પાડે છે.

અભ્યાસો અને સંશોધનો અનુસાર આજનાં આઠ વર્ષથી માંડીને સોળ વર્ષ સુધીનાં તરુણો, તરુણીઓ, કિશોર-કિશોરીઓમાંથી વીસ ટકા જેટલાં સંતાનો માનસિક બિમારીથી પીડાતાં થયાં છે.આ આંકડો ખૂબ ઊંચો કહેવાય. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના ડેટા મુજબ સાત વર્ષ અગાઉ આ પ્રમાણ તેર ટકાનું હતું. માત્ર સાત વર્ષમાં સાત ટકાનો જબરો વધારો થયો છે. જે બાળકો અમુક માનસિક બિમારીઓથી પીડાતાં થાય છે તે અમુકમાં જાતને ઇજા કરવાની વૃત્તિ પણ પનપે છે. તેઓ હતાશા, નિરાશા, મૂંઝવણમાં જાતને કોઇક ને કોઇ પ્રકારની નાની-મોટી ઇજા કરી બેસતાં હોય છે.

અન્ય એક સંશોધન પ્રમાણે છેલ્લા એક દશકમાં ટીનેજ કિશોરોમાં જાતને ઇજા (સેલ્ફ-હાર્મ) કરવાનું પ્રમાણ બમણું થઇ ગયું છે અને ટીનેજ કિશોરીઓમાં અને તરુણીઓમાં તે પ્રમાણમાં 78 ટકાનો વાધરો થયો છે. માત્ર છેલ્લાં ત્રણ વર્ષમાં જ માનસિક બિમારી માટે ટીનેજરોને સારવાર આપવી પડે છે. તેનાં પ્રમાણ અથવા સંખ્યામાં પાંત્રીસ ટકા જેટલો વધારો થયો છે. તરુણ-તરુણીઓ કે કિશોર-કિશોરીઓનાં જીવનમાં સ્માર્ટફોનનો વપરાશ જે પ્રમાણમાં વધ્યો તે જ પ્રમાણમાં માનસિક આરોગ્ય કથળી રહ્યું છે.

માનસિક બિમારીનો ટીનેજરો અને યુવાનોમાં આ સ્ફોટ બીજી નવી આફતોને નોતરે છે. તેઓએ હતાશાવિરોધી દવાઓ અને સારવારો લેવી પડે છે.અમુક તરુણો અને યુવાનો અન્ય નશાકારક ડ્રગ્સનો આશરો લેતાં થાય છે. તેઓનું ભવિષ્ય હાલમાં જ અંધકારમય જણાય છે. આજકાલ એવાં, પચ્ચીસ વર્ષની ઉંમરનાં યુવાનોની સંખ્યા વધી રહી છે, જેઓ ફરિયાદ કરે છે કે પોતે કામ ન કરી શકે એટલી હદે માનસિક કે અન્ય બિમારીથી પીડાતાં થયાં છે. માનસિક બિમારીની દવાઓ એક સારો ઇલાજ પુરવાર થઇ શકે, પણ તે કોઇ રામબાણ ઇલાજ નથી. ઘણી વખત સાયકાટ્રિસ્ટ અથવા સાઇકિયાટ્રિસ્ટની  દવાઓ જ બિમાર પાડી દેતી હોય છે.આવી બધી ફરિયાદોનું પ્રમાણ હમણાંથી ખૂબ વધ્યું છે. તે માટેનું દેખીતું કારણ મોબાઈલ ફોન અને તેનું વળગણ છે. તે બતાવે છે કે આ એક તત્કાળ ધ્યાન આપવા જેવી સમસ્યા છે. લેખક જોનાથન હૈદતનાં સંશોધન અને અભ્યાસ આ બાબતમાં સ્માર્ટફોનને જ કસૂરવાર ગણાવે છે અને તે માટે જાણ્યે કે અજાણ્યે મા-બાપ પણ કંઇ ઓછાં કસૂરવાર નથી.

આઠ – દસ વર્ષ અગાઉ મા-બાપોને ખ્યાલ આવ્યો કે બાળકને (તે દોઢથી બે વર્ષનું પણ હોઇ શકે) ટેબ્લેટ પકડાવી દેવાથી તેઓ કલાકો સુધી ટેબ્લેટ જોવામાં બિઝી થઇ જાય છે. મા-બાપો જ તેમને ડિઝનીનાં ગીતો, કાર્ટૂનો કે અન્ય પ્રોગ્રામો સેટ કરી આપે. અમેરિકામાં અમારા એક સંબંધીનો સવાથી દોઢ વર્ષનો પુત્ર ડિઝનીની કાર્ટૂન ફિલ્મોના ડાયલોગ્સ જ અગાઉથી બોલવા માંડતો. વારંવાર જોઇને એને કંઠસ્થ થઇ ગયા હતા. આ રીતે બાળકો પાછળ કલાકો સુધી ધ્યાન આપવું પડતું નથી તેથી ટેબલેટ વડે તેઓને ડિજિટલ આયારૂપી આશીર્વાદ મળ્યા છે તેમ લાગતું અને આજે પણ લાગી રહ્યું હશે. બાળકોને પોટ્ટીની તાલીમ માટે કે પોટ્ટી માટે બેસાડવાની સીટો એ પ્રકારની મળતી થઇ, જેની સાથે ટેબલેટને ફીટ કરી શકાય અને બાળક એક સાથે બે પ્રકારે હળવાશ અનુભવતું થયું. દિવસનાં બાળકોનો ટેબલેટ વગેરે જોવાનો સ્ક્રીન-ટાઈમ અસાધારણપણે વધ્યો.

લેખક જોનાથનના કહેવા પ્રમાણે અગાઉના સમયમાં બાળપણ રમત-ગમતો આધારિત હતું તે ફોન આધારિત બની ગયું. પરિણામ એ આવ્યું કે બાળકો મા-બાપથી અને અંદરોઅંદર ભાઇ બહેનો, મિત્રોથી અળગાં થતાં ગયાં અને સ્ક્રીન તરફ ખેંચાઇ ગયાં. તેઓ એક ઉત્તેજક, વ્યસનકારી, અસ્થિર અને અયોગ્ય વૈકલ્પિક દુનિયામાં ઓતપ્રોત રહેવા માંડયાં. આજનાં તરુણો અને કિશોરોની આ હાલત છે, આ દુનિયા છે. યુકેમાં થયેલા અભ્યાસો મુજબ અગિયાર વર્ષ સુધીનાં દસમાંથી નવ બ્રિટિશ બાળકો આજે સ્માર્ટ ફોન ધરાવે છે. આમાંનાં અડધાં જેટલાં તો નવ વર્ષના થયાં ત્યાં જ તેઓના હાથમાં સ્માર્ટ ફોન આવી ગયા હતા.

સ્માર્ટ ફોન ટેલિવિઝનનો પણ વિકલ્પ બને છે, ટેલિફોનનું કામ પણ આપે છે અને કંપની (સાથીદાર) બની રહે છે. યુકેના આંકડા કહે છે કે દસથી પંદર વર્ષનાં લગભગ તમામ બાળકો, જે દિવસે શાળા ચાલુ હોય ત્યારે સ્માર્ટફોન કે ટેબ્લેટસ સામે દિવસમાં કમ સે કમ ત્રણ કલાક ગાળે છે. અમેરિકાના આંકડાઓ બતાવે છે કે બાળકો એકમેક સાથે હળીમળીને રમતાં હતાં તે સમયમાં 65 ટકા જેવો ખાસ્સો ઘટાડો થયો છે. અગાઉ દોઢ કલાક રમતાં હતાં તો હવે અડધો કલાક રમે છે. આ ઘટાડો આ નવી એકવીસમી સદીમાં નોંધાયો છે. આ સ્થિતિની શારીરિક પ્રવૃત્તિઓ પર ખૂબ મોટી નકારાત્મક અસર તો પડે જ છે, માનસિક આરોગ્ય પણ વધુ બગડે છે.

ઘણાં મા-બાપ માને છે કે બાળકો સ્માર્ટ ફોન સાથે મોટાં થાય તેમાં કશું ખોટું નથી. આ સંદેશાવ્યવહાર, વાતચીત કે પ્રત્યાયનનું ભવિષ્ય છે અને જેમ ટીનેજરો જીવનની બીજી બાબતો શીખે છે તેમ સ્માર્ટ ફોન સાથેની જિંદગી જીવવાનું પણ તેઓને શીખવા દેવું જોઇએ. પરંતુ જોનાથન હૈદત અને બીજા વિચારકોનું કહેવું છે કે સ્માર્ટ ફોન વડે બાળકો તેઓના પોતાના આત્મા અને શરીરને બધો સમય આપતા થઇ જાય છે.

તેઓનો પોતાનો આત્મા અને વ્યકિતત્વ જીવનમાં કેન્દ્રસ્થાન લે છે અને પોતાની જે ઓનલાઇન ઇમેજ હોય છે તેને પોતાનાં સમવયસ્કો સ્વીકાર કરે તેની જ ધૂનમાં લાગેલાં છે. તેઓની પોતાની જ ઓનલાઇન ઇમેજ, બ્રેન્ડને પીઅર ગ્રુપ માન્યતા મળે તેમાં જ તેઓ ધન્યતા અને આનંદ અનુભવતાં થાય છે. તેઓ એ પ્રયાસોમાં રત રહે છે કે તેઓને કોઇ ઓનલાઇન નીચું જોવડાવે નહીં, શરમ મહેસૂસ કરાવે નહીં. તેઓની સમગ્ર પ્રવૃત્તિઓમાં આ ઇચ્છા કેન્દ્રીય બની જાય છે. જોનાથનના મતે ઇતિહાસમાં અગાઉ કયારેય બાળકો એક વિશાળ સંખ્યાનાં લોકો સામે કસોટીમાં મૂકાયાં ન હતાં.

અમેરિકામાં આ મુદ્દા પર નવી સાવધાની આવી છે. ફલોરીડાનો કાયદો તેનું અદ્યતન ઉદાહરણ છે. ટેકસાસ રાજયમાં પણ કાયદો બદલવામાં આવ્યો છે. લુઇઝિયાના ઉટાહ રાજયોએ પણ જાહેર કર્યું છે કે અઢાર વર્ષથી નીચેની ઉંમરના સંતાને સોશ્યલ મિડિયા એકાઉન્ટ  ખોલાવવું હોય તો મા-બાપોની સંમતિ ફરજિયાત બનાવવાની જરૂર છે. જો કે લેખક જોનાથન કહે છે કે સ્માર્ટ ફોનથી નુકસાન જ થાય તેવું નથી. તેના કેટલાક ફાયદા પણ છે જો સ્માર્ટફોન દિવસના બે કલાકથી ઓછા સમય માટે વાપરવામાં આવે તો. આજે એવાં ટુલ્સ કે એપ્લિકેશનો આવી ગયાં છે જે બાળકોના સ્માર્ટ ફોન નિરખવાના સમય પર નિયંત્રણ રાખવાની મા-બાપને સુવિધા આપે છે. જો કે બાળકોમાં આવાં એપ્લિકેશનો ખાસ્સાં અલોકપ્રિય છે. આ સિવાય બાળકોનાં, ખાસ કરીને એક જ શાળાએ જતાં બાળકોનાં મા-બાપ સંપીને વાપરે તો અમુક એપ્લીકેશન તમામ માટે સુવિધાકારક બની શકે તેમ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top