Editorial

કેશુભાઇ અને કાશીરામ રાણા સામે નહીં ઝુકનાર ગુજરાત ભાજપની પીછેહઠ ગંભીર ગણી શકાય

ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરીને પૂરપાટ ઝડપે પ્રચાર કરવાની શરૂઆત તો કરી દીધી, પરંતુ વડોદરા અને સાબરકાંઠાની લોકસભા બેઠકો પર જાહેરાત બાદ ઉમેદવારો બદલાતાં પાર્ટીમાં ‘સબસલામત’ની લાગણી અને બમ્પર માર્જિનથી જીતવાના આત્મવિશ્વાસ સામે પ્રશ્નો ઊઠવા લાગ્યા છે. નોંધનીય છે કે વડોદરાથી ભાજપનાં સાંસદ રંજનબહેન ભટ્ટે કાર્યકર્તાઓના ભારે વિરોધ બાદ ‘અંગત કારણસર’ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.

કંઈક આવું જ સાબરકાંઠાથી ટિકિટ મળ્યા બાદ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ કર્યું. બંને ઉમેદવારોના સ્થાને વડોદરાથી ડૉ. હેમાંગ જોશી અને સાબરકાંઠાથી શોભનાબહેન બારૈયાને ટિકિટ તો અપાઈ, પરંતુ સાબરકાંઠામાં હજુ પણ ભાજપના કાર્યકરો ‘આયાતી ઉમેદવારને ટિકિટ આપવા’ મુદ્દે વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ સિવાય સુરેન્દ્રનગરમાં પણ હાલના લોકસભા સાંસદને હઠાવી ચંદુ શિહોરાને ટિકિટ આપતાં સ્થાનિક તળપદા કોળી સમાજે ભાજપે ‘અન્યાય કર્યા’ની ફરિયાદ કરી છે.

જોકે, આ વિરોધ પક્ષનો આંતરિક નથી. આ સ્થિતિ અંગે એક તર્ક એવો છે કે, ગુજરાતમાં પાર્ટીનું કદ વધ્યું છે, પરંતુ સાથોસાથ નરેન્દ્ર મોદી હવે રાષ્ટ્રીય કક્ષાએ છે એટલે 2002 થી 2024 જેવુ શિસ્ત ગુજરાત ભાજપમાં ક્યારેય જોવા નહીં મળે તે નક્કી છે. અતિ આત્મવિશ્વાસને કારણે જ પક્ષ નો રિપીટની થિયરી લાગુ કરી ઉમેદવારો બદલતો રહ્યો અને કૉંગ્રેસમાંથી મજબૂત નેતાઓને પક્ષમાં લાવતો રહ્યો. પરંતુ આ બધું થવાના કારણે ભાજપના લોકો સ્વાભાવિક પણે જ નારાજ થયા છે.

પક્ષે હવે સપાટી પરની હકીકતથી દૂર રહીને ઉમેદવારો નક્કી કર્યા, જેના કારણે કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જીતના વધુ પડતા આત્મવિશ્વાસને કારણે પાર્ટી ઇચ્છે એને ઉમેદવાર બનાવી દે છે. આના કારણે પાર્ટીના કાર્યકરોમાં નારાજગી વધી રહી છે. જોકે,  આની અસર ચૂંટણીમાં દેખાશે કે નહીં, હાલ એ કહેવું ઉતાવળભર્યું હશે, પણ ઉમેદવારોની મનસ્વી પસંદગી ભાજપમાં આંતરિક ડખા ઊભા કરી રહી છે એ તો સનાતન સત્ય જ છે.

ભાજપમાં પહેલાં ઉમેદવારોને જમીની હકીકત ચકાસીને ચૂંટણીમાં ઉતારાતા હતા, પણ હવે તમામ બેઠકો જીતવાના વધુ પડતા ઉત્સાહમાં જીત પોતાની હોવાનું માનીને ઉમેદવારો જાહેર કરવાને કારણે આ અસંતોષ જોવા મળી રહ્યો છે. બીજી એક ચર્ચા એવી પણ છે કે, ભાજપ ઘણા સમયથી નો રિપીટ થિયરી લાગુ કરીને પણ કેન્દ્રીય નેતાગીરીને કારણે જીતી જાય છે, આના કારણે આ અતિ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.

શિસ્તબદ્ધ અને કૅડરબૅઝ્ડ પક્ષ ગણાતા ભાજપમાં સૌપ્રથમ વખત ઊભાં ફાડિયાં વર્ષ 1996માં થયાં હતાં. એ બાદ 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં છ બેઠકોનું નુકસાન થયું હતું. એ ચૂંટણીમાં પક્ષને 14 જ્યારે કૉંગ્રેસને 12 બેઠક મળી હતી. ત્યારે પણ ભાજપમાં કેટલીક હદે આંતરિક ગણગણાટ શરૂ થયો હતો, ત્યાર બાદ 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપમાં અસંતોષ વધ્યો હતો. તે સમયે ભાજપના ધારાસભ્યોનું એક જૂથ નારાજ હતું.

તેઓમાં લોકસભની ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સુરતના કાશીરામ રાણા, કચ્છના પુષ્પદાન ગઢવી, વડોદરાના જયાબહેન ઠક્કર અને સુરેન્દ્રનગરમાં સોમા  ગાંડા કોળીને બદલાતા અસંતોષ હતો. તે સમયે આ નેતાઓના સમર્થકોએ તત્કાલીન ગુજરાત ભાજપના પ્રમુખ પરશોત્તમ રૂપાલાના નિવાસસ્થાને ધારણાં અને દેખાવો કર્યાં હતાં. તો સોમા ગાંડા પટેલ ભાજપ છોડી કૉંગ્રેસની ટિકિટ પર સુરેન્દ્રનગરથી લડ્યા  અને જીત્યા હતા. તે સમયે ભાજપના નારાજ લોકોએ ગોરધન ઝડફિયાની આગેવાનીમાં મહાગુજરાત જનતા પાર્ટી (એમજેપી) બનાવી હતી.

પક્ષે લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે ચાર જગ્યાએથી ઉમેદવાર ઊભા રાખ્યા હતા. ખુદ ગોરધન ઝડફિયા ભાવનગરથી લડ્યા અને દોઢ લાખ વોટ લીધા હતા. તો સામેની બાજુએ સુરતમાં કાશીરામ રાણાએ ખુલ્લો બળવો નહોતો કર્યો, પણ એમજેપીમાંથી એમના ખાસ સમર્થક અને સુરતના ભૂતપૂર્વ મેયર ફકીર ચૌહાણ લડ્યા ત્યારે પાછળ બારણેથી સપોર્ટ કર્યો હતો. કાશીરામ રાણાને 2009ની લોકસભા ચૂંટણીમાં સુરતથી ટિકિટ ન અપાઈ અને તેમના બદલે એક નવોદિત દર્શના જરદોશને મોકો આપવામાં આવ્યો હતો.

તેમની  ટિકિટ એટલા માટે નહોતી કાપવામાં આવી કે તેઓ ચૂંટણી જીતવા સક્ષમ ન હતા. સુરત ભાજપની સલામત બેઠક હતા અને કાશીરામ અપરાજિત હતા. તેમની ટિકિટ એટલા માટે કાપવામાં આવી હતી કે મોદી કોઈ પણ તાકતવર નેતા સાથે સત્તાની ભાગીદારી કરવા માગતા ન હતા. આ સિવાય વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઈ પટેલની આગેવાની ગુજરાત પરિવર્તન પાર્ટી બની, પણ ઝાઝો કોઈ ફાયદો થયો ન હતો, બાદમાં આ નેતાઓ ભાજપમાં પરત જોડાઈ ગયા હતા.

કેશુભાઈએ બળવો કર્યો અને 2012માં મોદી સામે જંગ છેડ્યો હતો. તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટી (GPP)ની રચના કરી અને વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું, પરંતુ તેમના પક્ષને માત્ર બે જ બેઠકો મળી. એક ધારીની બેઠક મળી અને તેઓ પોતે જૂનાગઢના વીસાવદરથી જીતી શક્યા. આખરે કેશુભાઈની તબિયત પણ કથળવા લાગી હતી એટલે 2014માં તેમણે જીપીપીનું વિસર્જન કરી નાખ્યું અને તેને ભાજપમાં ભેળવી દીધી. નોંધનીય છે કે છેલ્લે ભાજપમાં થયેલા મોટા આંતરિક વિરોધનાં વર્ષો બાદ ફરીથી આ પક્ષમાં બેઠકો અને ઉમેદવારો મુદ્દે વિરોધ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top