Business

GSTના રેટમાં ફેરબદલ થવો જોઈએ કે નહીં? ચેમ્બરની મિટીંગમાં કાપડના ઉદ્યોગકારોએ પોતાના વિચારો રજૂ કર્યા

સુરત: હાલમાં જ મળેલી જીએસટી કાઉન્સીલ (GST Council) ની બેઠકમાં કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા જાન્યુઆરી ર૦રરથી ટેકસટાઇલ ક્ષેત્રમાંથી (Textile Industry) ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર (Inverted Duty Structure) દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે કાપડ ઉદ્યોગના તમામ માળખાઓને થનારી અસર વિશે ચર્ચા કરવાના હેતુથી બુધવારે 20મી ઓક્ટોબરના રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) દ્વારા નાનપુરા સમૃદ્ધિ ભવન ખાતે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિટીંગમાં વિવર્સ આગેવાનો, પ્રોસેસર્સ આગેવાનો, ટેકસટાઇલ ઉદ્યોગકારો અને કાપડ વેપારીઓ જોડાયા હતા. સાથે ઓફલાઇન અને ઓનલાઇન મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત ઉપરાંત માલેગાંવ, ભીવંડી અને ઇચ્છલકરંજીના ટેકસટાઇલ આગેવાનો પણ ઓનલાઇન જોડાયા હતા.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સર્વેને મિટીંગમાં આવકાર્યા હતા. જ્યારે ફિઆસ્વીના (Fiyaswi) ચેરમેન ભરત ગાંધીએ ટેકસટાઇલના જુદા–જુદા સેકટરમાં મિટીંગમાં ઉપસ્થિત રહેલા તેમજ ઓનલાઇન જોડાયેલા તમામને પોતપોતાનો અભિપ્રાય આપવા માટે અનુરોધ કર્યો હતો. ટેકસટાઇલના વિવિધ સેકટરના મોટા ભાગના આગેવાનોએ હાલના જીએસટી કર માળખામાં કોઇપણ પ્રકારનો ફેરબદલ નહીં કરવાનો અભિપ્રાય આપ્યો હતો.

કાપડ ઉદ્યોગ ક્ષેત્રના આગેવાનોએ કહ્યું હતું કે, હાલનું જે સ્ટ્રકચર છે તેમાં રિફંડ (GST Refund) મળે છે અને રિફંડ મેળવવા માટે ઉદ્યોગકારોને કોઇ તકલીફ પડતી નથી. જે રિફંડ મળે છે તેને ફરીથી ઉદ્યોગોમાં જ રિ-ઇન્વેસ્ટ કરવામાં આવે છે. જેને કારણે વિવિંગ કેપેસિટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ફોગવાના (Fogwa) પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, વિવિંગ સેકટરમાં (Weaving) પેમેન્ટ ટર્મ્સ છ મહિનાની હોય છે. વળી, પાર્ટી ઉઠમણાના કેસો બને ત્યારે વિવર્સના રૂપિયા ડૂબી જાય છે. એવા સંજોગોમાં ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર દૂર કરવામાં આવશે તો વિવર્સે પોતાના રૂપિયા નાંખી ચૂકવવો પડશે. જો જીએસટી કર માળખામાં ફેરફાર કરાશે તો વિવિંગ ઉદ્યોગ પડી ભાંગશે.

ફોસ્ટાના (Fostta) ચંપાલાલ બોથરાએ જણાવ્યું હતું કે, કાપડ ઉદ્યોગમાં ખાસ કરીને ટ્રેડીંગ અને રિટેઇલીંગ સૌથી વધુ રોજગારી આપે છે. જીએસટી કર માળખું બદલાશે તો છેવાડાના ગ્રાહક માટે કપડું મોંઘુ થશે અને નાના – નાના વેપારીઓના ધંધા ઉપર માઠી અસર પહોંચશે. વેપારીઓનું વેચાણ ઘટશે અને આખી ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી ડામાડોળ થઇ જશે. સરકારે ગ્રાહકને વસ્તુ સસ્તી મળે તેવી નીતિ બનાવી તેવો ટેકસ દર નકકી કરવો જોઇએ. ભીવંડી, માલેગાવ, ઉધના ઉદ્યોગનગર, ઇચ્છલકરંજી સહિતના તમામ વિવર્સ આગેવાનોનો એક જ સૂર હતો કે જીએસટી કર માળખામાં કોઇપણ પ્રકારનો બદલાવ કરવામાં નહીં આવે.

આ તરફ વોર્પ નીટીંગ એસોસિએશનના (Warp Knitting) બ્રિજેશ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર બદલવું હોય તો ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની આખી ચેઇનમાં પ ટકાનું જ માળખું લાગવું જોઇએ. પ્રોસેસર્સ આગેવાન રવિન્દ્ર આર્યાએ જણાવ્યું હતું કે, હાલમાં ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરને કારણે કેપીટલ ગુડ્‌સ ઉપર લાગતા જીએસટીની રિકવરી થઇ શકતી નથી. એના કારણે ભારત વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બની શકતું નથી. એટલે ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરને દૂર કરવું જોઇએ. જેથી કેપીટલ ગુડ્‌સ પર લાગતા જીએસટીની રિકવરી થઇ શકે.

મિટીંગના અંતે ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ આ મુદ્દે ફરીથી બે દિવસ બાદ ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ રજૂઆત તૈયાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું. મિટીંગમાં ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતી, ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, વિવર્સ આગેવાન મયૂર ગોળવાલા, પ્રોસેસર્સ આગેવાન રવિન્દ્ર આર્યા, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશનના પ્રમુખ બ્રિજેશ ગોંડલિયા, નેરો ફેબ્રિકસ એસોસીએશનમાંથી રાજેન્દ્ર લાલવાલા, કેતન જરીવાલા, દીપપ્રકાશ અગ્રવાલ, ફોસ્ટા તરફથી ચંપાલાલ બોથરા, ભીવંડી વિવર્સ આગેવાનો હિરેન નાગડા, પુનીત ખીમશા, માલેગાવ પાવર લૂમ્સ એસોસીએશનમાંથી સાજીદ તથા ઇચ્છલકરંજી ખાતેથી શ્યામસુંદર અને અશોક બહેતી ઉપસ્થિત રહ્યાં હતા.

Most Popular

To Top