Columns

ટૂંકી સફર

એક બહેન ધક્કામુક્કી કરી બસમાં ચઢ્યાં.તેમના હાથમાં એક બેગ અને ખભા પર થેલો હતો અને વળી પર્સ…બસમાં ચઢતી વખતે અને ધક્કામુક્કી કરી પોતાની સીટ સુધી પહોંચ્યાં ત્યાં સુધીમાં તેમનો થેલો ઘણાને વાગ્યો હશે અને તેમને પણ ઘણા ધક્કા વાગ્યા હશે. બહેન સીટ પર પહોંચ્યાં અને પોતાનું પર્સ સાચવતા સામાન ગોઠવવા લાગ્યાં.સામાન ગોઠવાતાં વળી તેમની બેગ બાજુવાળાના પગને વાગી અને થેલો તેમના ખભા સાથે અથડાયો.પણ તે ભાઈ કંઈ ન બોલ્યા.બહેને માફી માંગી અને માંડ બેઠા પછી તેમણે ધીમેથી પેલા બાજુમાં શાંતિથી બેઠેલા ભાઈને કહ્યું, ‘ભાઈ, તમે બહુ શાંત અને સારા છો.’

તે ભાઈ હસ્યા અને બોલ્યા, ‘એમ થેન્ક યુ પણ તમને આટલી વારમાં ખબર પડી ગઈ?’ બહેન બોલ્યાં, ‘હા ભાઈ, માફ કરજો. મને બહુ સામાન હતો અને માંડ ચઢી અને તમને બેગ અને થેલો વાગ્યો પણ ન તમે મોઢું બગાડ્યું, ન ફરિયાદ કરી કે ન ઝઘડો કર્યો.એ જ સાબિત કરે છે કે તમે શાંત અને બહુ સારા છો.’ પેલા ભાઈએ હસીને જવાબ આપ્યો, ‘અરે એટલી નાનકડી વાતમાં શું ઝઘડો કરવાનો…બસ હું તો અહીં પાંચ મિનીટ જ બેસવાનો છું. હવે પછીના સ્ટોપ પર ઊતરી જવાનો છું તો પછી થોડી મીનીટો સાથે રહેવાનું તેમાં ઝઘડો શું કરવાનો…ટૂંકી મુસાફરીના સાથી છીએ, હસીને છૂટા પડવું સારું નહિ.’ આટલું કહીને તે ભાઈ હસીને પોતાનો થેલો ઉપાડીને આવનારા સ્ટોપ પર ઉતરવા બસના દરવાજા આગળ વધી ગયા.

રોજની સફરમાં આવો નાનકડો કિસ્સો રોજ બધા સાથે ઘડે ..કોઈ ઝઘડા કરે , કોઈ ફરિયાદ કરે , કોઈ મોઢા બગાડે , કોઈ માફી માંગી લે , કોઈ સામે ઝઘડે, કોઈ હસીને આગળ વધી જાય. હવે આ કિસ્સામેં જીવન સાથે જોડીએ તો આ જિંદગી પણ બસની મુસાફરી જેવી છે…આપની સફર ટૂંકી છે ..થોડા સમય માટેની જ છે તો નકામી દલીલો, ફરિયાદો ,ઝઘડાઓ, જીદ, અસંતોષ,ઈર્ષ્યા વગેરે કરવામાં સમય શું કામ બગાડવો.જીવન આગળ વધતું રહે છે …આપની સફર કેટલી છે ,ક્યારે કયા સ્ટોપ પર પૂરી થશે તે પણ ખબર નથી …કોણ ક્યારે ઊતરી જશે તે કોઈ જાણતું નથી તો પછી જીવનની ટૂંકી મુસાફરીમાં ખોટા ઝઘડા અને ફરિયાદોમાં સમય બરબાદ ન કરતાં જે મળે તેની સાથે પ્રેમથી હસીને રહીએ અને આગળ વધતાં રહીએ, કારણ જીવનની મુસાફરી પણ બહુ ટૂંકી છે.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top