SURAT

‘નાથો કે હૈ નાથ શંભુ..’ સુરતના કલાકારોએ ભોલેનાથની મહિમા વર્ણવતું જોરદાર ભક્તિગીત બનાવ્યું

સુરત: (surat) શહેરના કલાકારો દ્વારા પહેલી વખત શિવરાત્રિ (Shivratri) અને શિવજી ઉપર આધ્યાત્મિક ગીત (Song) બનાવાયું છે. આ ગીત લખનાર તેમજ તેને અવાજ આપનાર કલાકાર બંને મૂળ સુરતી છે. ગીતની અંદર શિવજીનું રોદ્ર સ્વરૂપ બતાવવા માટે આ ગીતનું હાલ ભવનાથના મેળામાં સ્પેશિયલ શૂટિંગ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભવનાથના મેળામાં શૂટિંગની પરમિશન ભાગ્યે જ કોઇને મળતી હોય છે. પરંતુ સુરતના કલાકારો અને ગીત લખનાર કવિ ઇશની શિવભક્તિને જોતાં જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે આગળ આવીને ભવનાથના મેળામાં અઘોરી બાવાઓ સાથે શિવજીના આધ્યાત્મિક ગીત ઉપર શૂટિંગ કરવાની પરમિશન અપાવડાવી હતી.

  • ગીતમાં શિવજીનું રૌદ્ર સ્વરૂપ બતાવવા માટે ભવનાથના મેળામાં શૂંટિગ
  • સુરતના કવિ ઈશ એ ગીત લખ્યું અને મ્યૂઝિક હમઝા વ્હોરાએ આપ્યું છે
  • સિંગર યતીન સંઘોઈએ ગીત ગાયુ અને કમ્પોઝ કર્યું

દેવોના દેવ મહાદેવ ઉપર આમ તો ઘણાં ગીતો લખાયાં છે, પરંતુ સુરતના કલાકારો દ્વારા પહેલી વખત હિન્દીમાં આધ્યાત્મિક સોંગ શિવ શંભુ ઉપર તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતનું હાલ ભવનાથના મેળામાં શૂટિંગ ચાલી રહ્યું છે. જેની પાછળનું કારણ એ છે કે, કલાકારો ગીતમાં શિવજીની ભક્તિ કરતાં અઘોરી સાધુ-બાવાઓને બતાવવા માંગતા હતા. આ ગીતને સુરતના કવિ ‘ઇશ’ દ્વારા લખવામાં આવ્યું છે. જેનું મ્યુઝિક હમઝા વ્હોરાએ રેડી કર્યું છે. ગીતને સુરતના જ સિંગર યતીન સંઘોઇએ ગાયું છે અને કમ્પોઝ પણ કર્યું છે. શંભુ સોંગમાં ગીતારીસ્ટ અને મ્યુઝિક ડાયરેક્ટર તરીકે મુંબઇના અજય સિંઘાનિયાએ પણ સહયોગ આપ્યો છે. જ્યારે સિનેમેટોગ્રાફી નિલેશ રાજગુરૂએ કરી છે.

ભવનાથના મેળાનું મહત્ત્વ બતાવવા લાખો શ્રદ્ધાળુઓ અને અઘોરીઓની વચ્ચે શંભુ સોંગનું શૂટિંગ
નાથો કે હૈ નાથ શંભુ, ગીતને અવાજ આપનાર મૂળ સુરતના યતીન સંઘોઇ જણાવ્યું હતું કે, ગત નવેમ્બર મહિનાથી શંભુ ગીત ઉપર કામ ચાલી રહ્યું હતું. શિવરાત્રિ અને શિવજીની ભક્તિ દર્શાવતા આ ગીતમાં હિન્દુ-મુસ્લિમ કલાકારો સ્વૈચ્છિક રીતે જોડાયા છે. કોઇપણ કલાકારોએ ગીત માટે કોઇ ચાર્જ લીધો નથી. આ ઉપરાંત આ ગીતને યુટ્યુબ સહિત મ્યુઝિકને લગતાં 35 પ્લેટફોર્મ ઉપર રજૂ કરવામાં આવશે.

મૂળ સુરતના કવિ ઇશ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ ગીત લખી ચૂક્યા છે
સાહિત્ય જગત સાથે સંકળાયેલા કવિ ઇશે જણાવ્યું હતું કે, શંભુ ગીત માટે તેમને ઓફર આવી ત્યારે તેમને સુરતના મ્યુઝિક ડાયરેક્ટર યતીન સંઘોઇનો વિચાર ગમ્યો હતો. વિનામૂલ્યે ગીત માટે આખી ટીમ તૈયાર થઇ અને ગીત લખવામાં આવ્યું. મેં અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર મોદી સોંગ પણ લખ્યું હતું. આ મારું અને સુરતના કલાકારોનું પહેલું હિન્દી આધ્યાત્મિક ગીત છે.

Most Popular

To Top