Vadodara

શિક્ષણક્ષેત્રમાં ભૂલકાઓનો રંગેચંગે વિદ્યારંભ

વડોદરા : છાણી ગામની ત્રણ શાળાઓના પ્રવેશોત્સવ દરમિયાન નવાગંતુક ભૂલકાઓને વિદ્યારંભ કરાવતા મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી રાજ્યવ્યાપી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ- ૨૦૨૨ના ભાગરૂપે વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો. મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી છાણી વિસ્તારની મહાવીર સ્વામી પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા શિક્ષણ સમિતિના અધ્યક્ષ હિતેશ પટણી, ઉપાધ્યક્ષ ડો.હેમાંગ જોશી, શાળાના આચાર્ય દિપકભાઈ બ્રહ્મભટ્ટ સહિત શિક્ષકો, વાલીઓ, એસ.એમ.સીના સભ્યો જોડાયા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા આયોજિત તા. 23 થી 25 જૂનના રોજ ગુજરાત સરકારના માર્ગદર્શન અને શિક્ષણ વિભાગની રાહબરી હેઠળ શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ છાણી ગામમાં આવેલ મહાવીર સ્વામી પ્રાથમિક શાળા, ડો. કલ્પના ચાવલા પ્રાથમિક શાળા અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી બાળકોનું નામાંકન કરાવ્યુ હતું.

તેમણે પ્રવેશ લેતા બાળકોને અભ્યાસને લગતી કીટ આપી હતી જેમાં અભ્યાસ માટેની સાહિત્ય સામગ્રી બેગ, ગણવેશ, ટિફિન બોક્સ સહિતની વસ્તુઓ હતી. મહેસુલ અને કાયદા મંત્રીએ જણાવ્યું હતું કે વાલીઓ તેમજ શિક્ષકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે માતા પિતાએ બાળકને નિયમિત શાળાએ મોકલવા જરૂરી છે. જેથી તેનો સર્વાંગી વિકાસ થાય. જ્યારે શિક્ષકોએ બાળકોને માત્ર શિક્ષણ નથી આપવાનું પરંતુ સંસ્કાર પણ આપવાના છે. બાળકોના ઘડતરમાં વાલીઓ અને શિક્ષકોનો સહયોગ ખુબ જરૂરી છે.

રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાના વર્ગખંડની મુલાકાત લઈને ત્યાંની વાતાવરણ, સુવિધાઓ, શિક્ષકોની પદ્ધતિની પૂછપરછ સહિત બાળકોને આપવામાં આવતી માવજતનું નિરીક્ષણ કર્યું હતું. શાળા પ્રવેશોત્સવનો આ પ્રથમ દિવસે મંત્રી સહીત અધિકારીઓ, પદાધિકારીઓ પોતાને સોંપવામાં આવેલી આ ત્રણે સ્કૂલો પ્રવેશોત્સવ જવાબદારીની ઉલ્લાસપૂર્વક નિભાવી હતી. વાલીઓ, અહીના રહેવાસીઓ, શાળાના શિક્ષકગણે મહેમાનોને આવકાર્ય હતા અને ત્રણેય શાળામાં કુલ ૭૦ નામાંકન પહેલા ધોરણમાં થયા હતા.

લોકમાન્ય તિલક હિન્દી શાળામાં પ્રવેશોત્સવ શરૂ
વડોદરા : લોકમાન્ય તિલક હિન્દી પ્રા.શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી અને વૃક્ષારોપણ કરીને કરાયો હતો. પ્રવેસોત્સવ દરમિયાન શાળામાં અડમિશન લેનાર વિધ્યાર્થીઓને સ્કૂલ બેગ અને પુસ્તકોનું વિતરણ કરાયું હતું.વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવએ અભ્યાસનું મહત્વ અને તેનાથી થતાં સામાજિક અને આર્થિક ફાયદાઓ વિષે વિધ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

સાથે સાથેવડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૦૩થી પ્રવેશોત્સવની શરૂઆત કરવી જેથી આજે શાળા ડ્રોપ આઉટ રેશિયો જે પહેલા આશરે ૪૪ % હતો જે હવે ઘટીને માત્ર ૩% જેટલો રહ્યો છે અને શાળા પ્રવેશ લગભગ ૧૦૦ %ની નજીક પહોચ્યું છે. વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવએ વડોદરા સંસ્કારી નગરી તરીકેની ઓળખએ રાજવી સયાજીરાવ ગાયકવાડના કાર્યકાળ દરમિયાન પ્રજા શિક્ષિત બને તે હેતુથી વિશ્વ વિખ્યાત ધ મહારાજા સયાજીરાવ વિશ્વવિધ્યાલયની સ્થાપના કરાઇ હતી. અને સૌને વિશ્વવિધ્યાલયમાં કાર્યરત વિવિધ શોર્ટ ટર્મ અને કૌશલ્ય વર્ધક કોર્સમાં જોડાઈ પોતનુ કૌશલ્ય વિકસવા ની નવીન તકો વિષે પણ માહિતગાર કર્યા હતા.

આંગણવાડીના બાળકોને પણ શૈક્ષણિક કીટ અપાઇ
પહેલા ધોરણમાં પ્રવેશ માટે તો પ્રવેશોત્સવ ઠાઠમાથથી ઉજવાયો. પણ આંગણવાડીના બાળકોને પણ ભવિષ્યમાં સ્કૂલ માટે પ્રિપ્રેર કરવા પ્રવેશોત્સવના ભાગીદાર બનાવવામાં આવ્યા. પાડોશી નો કે પોતાના જ ઘરનો ભાઈ કે બહેન પહેલા ધોરણમાં અધિકારીઓ અને મંત્રીઓના સ્વાગત મેળવે તેમ આંગણવાડીના બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગત વર્ષે સરકાર દ્વારા રાજ્યના 14 લાખ આંગણવાડીના બાળકોને યુનિફોર્મ આપવામાં આવ્યો હતો. આ પ્રવેશોત્સવમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત આઇ સી ડી એસ દ્વારા બાળકો માટે ખાસ કત તૈયાર કરવામાં આવી હતી. બાયોડિગ્રેડેબલ, નોનવોવેન મટીરીયલ માંથી બનાવેલી ચિત્રણ વાળી કેરીબેગમાં આ કીટ 3 વર્ષથી મોટા અને 5 વર્ષથી નાના બાળકોને આપીને તેમને પ્રોત્સાહિત કરાયા હતા. આ કીટ આઈસી ડી એસ વિભાગ દ્વારા દર વર્ષે આપવામાં આવે છે અને ખાસ સાઇન્ટિફિકલી તેનું મહત્વ છે. કેમ કે આમાં બાળકોના અંગોના સૂક્ષ્મ ભાગો ના વળાંકો ને વિકસિત કરવામાં આ શૈક્ષણિક રમકડાં ઓ ઉત્તમ ભૂમિકા ભજવે છે.

દુનિયાનો કોઈ પણ પ્રશ્ન હોય તેનો જવાબ ગીતાજીમાંથી મળશે
ભારત સરકાર શિક્ષણ એક ક્રાંતિકારી બદલાવ લાવી રહ્યાં છે. નવી શિક્ષણ નીતિ પણ અમલમાં લાવી રહ્યા છે. અને એના ભાગરૂપે ગીતાજીનો પણ સમાવેશ શિક્ષણ ની અંદર કરાયો છે. જેમ આ વર્ષે ગીતાજીના અધ્યાય પૈકી ધર્મ અને ભક્તિના અધ્યયનની અંદરથી ગીતાજીના શ્લોકને લઈને બાળકને શીખવાડી મારું નહી તારું નહીં કર્મ આધારે ફળ આ વિષયને લઈને ગીતાજીનો સમાવેશ કરાયો છે.-કેયુર રોકડિયા,મેયર

પ્રવેશોત્સવમાં સંગઠનોના સત્તાધીશો અને કોર્પોરેટરોની બાદબાકી કરાતા આક્રોશ
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આજથી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ ની ભવ્ય ઉજવણી રુપે શહેરમા પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં સંગઠનના હોદ્દેદારો અને નગરસેવકોને જ બાકાત રાખતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો હતો. શહેરમા આવેલી 121 સરકારી શાળાઓમાં શિક્ષણના મહાકુંભ સમા પ્રવેશોત્સવનો આજથી ત્રણ દિવસ સુધી પ્રારંભ થયો હતો બે વર્ષ બાદ આયોજિત શિક્ષણ સેવાયજ્ઞ મા ભાગ લેવા શહેરનાં અનેક કોર્પોરેટરો ઉપરાંત સંગઠનના જ મુખ્યત્વે મનાતા હોદ્દેદારોને પણ આમંત્રણ આપવામા ના આવતા ખળભળાટ મચી ગયો હતો. શિસ્ત અને સંયમ ને વરેલા પક્ષમાં શિક્ષણના મુદ્દે હોબાળો મચી જતા મામલો પાટનગર સુઘી પહોંચ્યો હોવાનુ જાણવા મળ્યુ હતું.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વોર્ડ નંબર છ મા આવેલી વીર ભગતસિંહ પ્રાથમિક શાળા માં ભવ્ય મહોત્સવનું રંગેચંગે આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી ચર્ચાસ્પદ બાબત જ એ બની ગઇ કે શહેરનાં જ નગર સેવકોને આમંત્રણ આપવામાંથી બાકાત કેમ કરવામા આવ્યા હતા તે મુદ્દો ઉકળતા ચરુ જેવો બની ગયો હતો. અણઘડ વહીવટ બાબતે પ્રમુખ હિતેશ પટણી ને પૂછતાછ કરતા જણાવ્યુ હતુ કે શહેરનાં તમામ નગર સેવકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ ના આવતાં પૂર્વે આમંત્રિત મહેમાનો આવી ગયા હતા. અને નગર સેવકો મોડા આવતા ગેરસમજ ઊભી થઈ હતી.નજીવી બાબતે ઊહાપોહ થતા જ આગેવાનોએ દરમ્યાન ગીરી કરી હતી અને સામસામે બેસીને શાંતિ પુર્વક ગેરસમજ દુર કરાઈ હતી.

બે કાર્યક્રમના કારણે કાર્યકર્તાઓ વહેચાઈ ગયા હતા : પ્રદેશ મહામંત્રી
દેશના વીર સપૂત શ્યામાપ્રસાદ મુખર્જી નો તથા શાળા પ્રવેશોત્સવ બંને કાર્યક્રમ એક જ દિવસે હોવાથી કાર્યકર્તાઓ વહેચાઈ ગયા હતા. સંગઠનના કાર્યકરો પુષ્પાંજલિ અર્પણ કરવા માટે આવ્યા હતા અને ચૂંટાયેલા કાર્યકર્તા ઓ શાળા પ્રવેશોત્સવ માં ભાગ લીધો હતો. શ્યામા પ્રસાદજીના કાર્યક્રમનું સમાપન થતાંજ કાર્યકરો શાળા પ્રવેશોત્સવ મા ઉપસ્થિત થયાં હતાં તેવુ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે જણાવ્યું હતું

Most Popular

To Top