National

શરદ પવારે શિંદે સરકારમાં જોડાયેલા 9 ધારાસભ્યોને હાંકી કાઢ્યા, NCPની બેઠકમાં લેવાયો નિર્ણય

નવી દિલ્હીઃ (New Delhi) NCPમાં અજીત પવારના બળવા બાદ દિલ્હીમાં શરદ પવારના (Sharad Pawar) નિવાસસ્થાને કાર્યકારિણીની બેઠક મળી હતી. આ બેઠકમાં અજિત પવાર (Ajit Pawar) જૂથ વિરુદ્ધ અનેક ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. શરદ પવારે પ્રફુલ પટેલ, સુનિલ તટકરે અને શિંદે સરકારમાં જોડાયેલા 9 ધારાસભ્યોને (MLA) પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. બીજી તરફ અજિત પવારની બેઠક પણ મુંબઈમાં થઈ છે. એનડીએમાં સામેલ થયેલા આરએસપીના પ્રમુખ રામદાસ આઠવલે આજે અજિત પવારના ઘરે ગયા હતા અને તેમને મળ્યા હતા. જાણવા મળ્યું છે કે અજિત પવારે અન્ય ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

અજિત પવારે શરદ પવારની બેઠકને ગેરકાયદે ગણાવી
અજિત પવારે શરદ પવારની બેઠક અંગે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે 30.06.2023ના રોજ NCPના ચૂંટાયેલા પ્રતિનિધિઓના બહુમતી સમર્થન તેમજ વિવિધ સંગઠનાત્મક હોદ્દા ધરાવતા સભ્યોના બહોળા સમર્થનથી હું NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયો છું. અમારા જૂથને પાર્ટીનું નામ અને ચિહ્ન આપવામાં આવે તે માટે ચૂંટણી પંચને અરજી કરવામાં આવી છે. NCPનું ખરેખર કોણ પ્રતિનિધિત્વ કરશે તે નક્કી કરવાનો હવે ચૂંટણી પંચનો વિશેષાધિકાર છે. તેથી જ કારોબારીની બેઠક બોલાવવાનો કોઈ અધિકાર નથી. 06.07.2023ના રોજ નવી દિલ્હી ખાતે બોલાવવામાં આવેલી બેઠકનું કોઈ કાયદાકીય મહત્વ નથી.

રાજકીય સંકટ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે આજે દિલ્હીમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી હતી. મહારાષ્ટ્રમાં પાર્ટી તૂટ્યા બાદ શરદ પવાર આ બેઠક દ્વારા એનસીપીના નેતાઓને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ એકનાથ શિંદેએ કહ્યું કે અમારા વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈને અજિત પવાર જૂથે સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. સરકાર દિવસેને દિવસે મજબૂત બની રહી છે. આજે અમારા ધારાસભ્યોનો આંકડો 200ને પાર કરી ગયો છે. અમને કેન્દ્ર સરકાર તરફથી ખૂબ જ મોટો ટેકો છે. ડબલ એન્જિનની સરકાર જોરદાર રીતે કામ કરી રહી છે તેથી જ વિપક્ષને પેટમાં દુખાવો થઈ રહ્યો છે.

શિંદેએ રાજીનામાની અટકળોને નકારી કાઢી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અજિત પવારના સરકારમાં સામેલ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે અજિત પવારે પીએમ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે સ્વીકાર્યું છે કે રાજ્યમાં વિકાસ થઈ રહ્યો છે અને તેઓ એ વાત સાથે પણ સહમત છે કે આ માટે રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર હોવી જોઈએ. તેમના રાજીનામા અને અજિત પવાર સાથે અણબનાવની અટકળો પર તેમણે કહ્યું કે બધી અફવાઓ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તેમના પક્ષમાં શું થઈ રહ્યું છે તેના પર વિચારમંથન કરવું જોઈએ.

Most Popular

To Top