Dakshin Gujarat

શહેરની નજીક હોવા છતાં કુદરતી સૌંદર્યથી ભરપૂર વલસાડ પાસેનું આંબાવાડીથી અચ્છાદીત આ ગામ

વલસાડ શહેરને અડીને આવેલાં મહત્તમ ગામોનું શહેરીકરણ થઇ ગયું છે. અનેક ગામોમાં મોટાં મોટાં એપાર્ટમેન્ટ બની ગયાં છે, પરંતુ વલસાડને અડીને આવેલું સેગવી ગામનું શહેરીકરણ હજુ સુધી થઇ શક્યું નથી. આ ગામમાં શહેરના લોકો હજુ સુધી વસવા ગયા નથી. આજે પણ વલસાડનું સેગવી ગામ આંબાવાડીથી અચ્છાદીત છે. તેમજ આજે પણ આ અદ્દલ ગામ જેવું લાગે છે. સેગવી ગામમાં આજે પણ ખેતીવાડી અને પશુપાલનનો મુખ્ય વ્યવસાય જોવા મળી રહ્યો છે. અહીં મહત્તમ ઘરો જૂનવાણી છે. શહેરથી નજીક હોવાથી આ ગામ સમૃદ્ધ મનાય છે. આ ગામની નોંધપાત્ર બાબત એ છે કે, તેમણે 2 મહિલા ક્રિકેટરો આપ્યાં છે. જેઓ રણજી ટ્રોફી સુધી રમી રહ્યાં છે. સેગવી ગામ કાંઠા વિસ્તારનું છે, પરંતુ અહીં મુખ્યત્વે કોળી પટેલની વસતી છે. આ સિવાય અહીં કુંભાર, મિસ્ત્રી, આહીર અને હળપતિની પણ નોંધપાત્ર વસતી છે. ગામમાં ખેતી બાદ પશુપાલનનો વ્યવસાય મુખ્ય બન્યો છે. એ સિવાય અહીં અનેક લોકો નોકરિયાતો છે. ગામમાં અભ્યાસની સારી સગવડ અને ગામ શહેરની નજીક હોવાના કારણે અહીંથી લોકોનું પલાયન ઓછું થયું છે. આ સાથે ગામનું કુદરતી સૌંદર્ય જળવાયું હોય શહેરના લોકો માટે આ ગામ અદ્દલ ગામડાંની અનુભૂતિ કરાવી રહ્યું છે.

સેગવીની આન, બાન અને શાન એટલે સર્વોદય હાઇસ્કૂલ
સેગવી ગામ અહીંની સર્વોદય હાઇસ્કૂલના કારણે જાણીતું અને મહત્ત્વ ધરાવતું બન્યું છે. 30 વર્ષ જૂની આ સ્કૂલમાં નર્સરીથી લઇ ધોરણ-12 સાયન્સ અને કોમર્સના વર્ગો ચાલે છે. નર્સરીથી લઇને ધોરણ 12 સુધીની આ સ્કૂલ વલસાડ તાલુકાના દક્ષિણ તરફના કાંઠા વિસ્તારનાં ગામોમાં સૌથી મોટી સ્કૂલ છે. તાલુકા કક્ષાની આ સ્કૂલ સૌથી મોટી અને જૂની હોવાનું પણ મનાઇ છે. આ શાળાએ અનેક ડોક્ટરો, એન્જિનિયરો અને સરકારી કર્મચારીઓ આપ્યા છે. સેગવી, તિથલ, મેહ, મગોદ વગેરે ગામોનાં મહત્તમ બાળકો આ શાળામાં અભ્યાસ કરીને પગભર થયાં છે. જો કે, થોડાં વર્ષોથી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસનો ટ્રેન્ડ વધતાં હવે આ શાળામાં બાળકોની સંખ્યા મર્યાદિત થઇ રહી છે. છતાં, આજે પણ આ શાળા ખૂબ જ યોગ્ય રીતે મેન્ટેઇન છે. તેમજ અહીંનું ક્રિકેટ મેદાન વલસાડ તાલુકાની ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સૌથી મોટું હોવાનું પણ કહેવાય છે.

1986માં એક ઘરમાંથી શાળાની શરૂઆત થઇ હતી
સેગવીની સર્વોદય હાઇસ્કૂલની શરૂઆત ગામના મોભી છીબાભાઇ મકનજી પટેલના ઘરમાંથી થઇ હતી. સ્કૂલ શરૂ થયાનાં બે વર્ષમાં જમીન લેવાઇ અને તેના પર સ્કૂલના મકાનનું કાર્ય શરૂ થયું. ત્યારબાદ ત્રણ તબક્કામાં સ્કૂલનું મકાન ચણાતું ગયું અને તેના કેમ્પસનો પણ વિકાસ થતો રહ્યો. વર્ષ-2000ની સાલમાં તેમનું આખરી મકાન બન્યું. જ્યારે હાલ અતુલ કંપનીની મદદથી અહીંના કેમ્પસમાં બાળકો માટે ખૂબ સુંદર ગાર્ડન તૈયાર કરાયો છે. સ્કૂલના નિર્માણમાં છીબાભાઇ મકનજી પટેલ સાથે રેલવેના ગાર્ડ તરીકે રિટાયર્ડ થયેલા અને સ્કૂલ મંડળના માજી પ્રમુખ મગનભાઇ વસંતભાઇ પટેલનો મોટો ફાળો રહ્યો છે. આ સિવાય આ સ્કૂલના વિકાસમાં અનેક શિક્ષકોનો પણ ફાળો રહ્યો છે. અહીંના તમામ શિક્ષકો સ્કૂલના વિકાસ અને બાળકોના અભ્યાસ માટે પોતાનો જીવ રેડી રહ્યા છે.

સેગવી સર્વોદય સ્કૂલમાં અભ્યાસ કરી સેગવી જ નહીં આજુબાજુનાં ગામના અનેક બાળકો એન્જિનિયર બન્યા છે. તેમજ તાજેતરમાં જ શાળાના વિદ્યાર્થીની અને તિથલના રહીશ એવાં ડો. નિકિતા પટેલ એમડી થયાં છે. તેમજ હાલ સિવિલ હોસ્પિટલમાં પેથોલોજી વિભાગમાં અભ્યાસ કરી રહ્યાં છે. આ સિવાય મોગદ રહી અભ્યાસ કરતા નારગોલના ડો. બિન્ની પટેલ એમબીબીએસ થઇને સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે. આ સિવાય ગામના અને આજુ બાજુના ગામનાં અનેક બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરી પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે. આજે પણ આ સ્કૂલ ગામનું ગૌરવ વધારી રહી છે.

સેગવીની બે યુવતી રણજી ટ્રોફી રમી રહી છે
સેગવી ગામની બે યુવતીએ ક્રિકેટમાં કાઠું કાઢ્યું છે. ગામની યુવતી રેતલ પટેલ અને હની પટેલ અનેક રણજી ટ્રોફી ટુર્નામેન્ટ રમી ચૂકી છે. જે પૈકી રેતલ પટેલ હાલ વલસાડ બીડીસીએમાં ક્રિકેટ કોચ તરીકે ફરજ બજાવી રહી છે અને આ સાથે ગુજરાત મહિલા ક્રિકેટ ટીમની પસંદગી સમિતિમાં તેણીએ સ્થાન મેળવ્યું છે. વલસાડ જિલ્લામાં તેઓ મહિલાઓને ક્રિકેટની તાલીમ આપી રહી છે. આ બંને યુવતીએ રાજ્ય કક્ષા સુધી અન્ડર-19ની અનેક ટુર્નામેન્ટમાં પણ ભાગ લીધો છે. આ બંને મહિલા ક્રિકેટર ઓલરાઉન્ડર છે. જેના થકી તેમણે ગુજરાતની મહિલા ક્રિકેટ ટીમમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વલસાડમાં મહિલા ક્રિકેટરો માટે આ બંને યુવતી એક આદર્શ મનાઇ રહી છે. બંને યુવતી મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. ગામની સર્વોદય હાઇસ્કૂલમાં અભ્યાસ સાથે તેઓ ક્રિકેટ રમતાં હતાં અને તેમની સારી ક્રિકેટ જોઇ તેઓ શાળા બાદ જિલ્લા અને પછી રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ સુધી પહોંચી શક્યાં હતાં. તેમજ હજુ પણ તેઓ વલસાડ જિલ્લાના મહિલા ક્રિકેટમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે અને જેમની પ્રેરણા લઇ અન્ય યુવતીઓ પણ પુરુષોના આધિપત્યવાળી ક્રિકેટની રમતમાં ઊતરી પોતાનું નામ કરી રહ્યાં છે.

સેગવી ગામના કુલ 8 વોર્ડ અને અને 8 ફળિયાં
નાનકડા ગામ સેગવીમાં 8 ફળિયાં છે અને આઠ મહોલ્લા છે. જેમાં કુંભારવાડ, સુથારવાડ, મંદિર ફળિયું, લીમડા ચોક, આહીર ફળિયા નવી નગરી અને મમરી ફળિયાનો સમાવેશ થાય છે. અહીં વર્ષોથી સુથાર અને કુંભારોની વસતી રહી છે. જો કે, ગામની મુખ્યત્વે વસતી કોળી પટેલોની છે. મહત્તમ લોકો ખેતીવાડી પર જીવનનિર્વાહ કરી રહ્યા છે. આ સિવાય પશુપાલન પણ અહીંનો મુખ્ય વ્યવસાય છે.

ગામ ટ્રેક્ટરના ટ્રેલરના નિર્માણ માટે જાણીતું હતું
વલસાડના સેગવી ગામે વર્ષો પહેલાં ટ્રેક્ટરનું ટ્રેલર બનતું હતું. અહીંના સુથાર પરિવાર દ્વારા તેનું નિર્માણ થતું હતું અને તે સમગ્ર જિલ્લાભરમાં જાણીતું હતું. ટ્રેક્ટરના ટ્રેલર પાછળ સેગવીનું નામ રહેતું જ હતું. ગામની આ ખાસિયત હતી. જો કે, હવે ટ્રેલર બનાવતો પરિવાર વલસાડ શિફ્ટ થયો તેમજ તેનું નિર્માણ પણ ફેક્ટરીઓમાં થવા લાગ્યું હતું. જો કે, પહેલાં અહીં તેનો મોટો વેપાર થતો હતો.

સ્ટ્રીટ લાઇટનો અભાવ
સેગવી ગામમાં સ્ટ્રીટ લાઇટનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. ગામના લોકો સાથે વાત કર્યા બાદ જાણવા મળ્યું કે, અહીં સ્ટ્રીટ લાઇટની તાતી જરૂરિયાત છે. રાત્રિ દરમિયાન અંધારપટ થઇ જાય છે. જેના કારણે રાહદારીઓને મોટી તકલીફ પડે છે. આ ગામનો રોડ કોસ્ટલ હાઇવે સાથે જોડાઇ ગયો હોય, અહીંથી દમણ જનારાઓનો પણ ટ્રાફિક રહેતો હોય છે. જેના કારણે અકસ્માતોનો પણ ભય રહે છે. મુખ્ય માર્ગ સિવાય અંતરિયાળ માર્ગોમાં અને મહોલ્લામાં સ્ટ્રીટ લાઇટની તાતી જરૂરિયાત છે, છતાં હજુ સુધી અહીં સ્ટ્રીટ લાઇટ લગાવાઇ નથી.

રખડતાં ઢોરો અને ડુક્કરોથી લોકો પરેશાન
વલસાડ શહેરની જેમ અહીં પણ રખડતાં ઢોરોનો મોટો ત્રાસ છે. રખડતાં ઢોરોના કારણે અહીં પણ અકસ્માતોના અનેક બનાવો બનતા રહે છે. આ સિવાય અહીં ડુક્કરોનો પણ મોટો ત્રાસ છે. જેના કારણે અહીના ખેડૂતોને મોટું નુકસાન થઇ રહ્યું છે. ડુક્કરો ખાસ કરીને ડાંગરના પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. જેની સામે ખેડૂતો લાચાર બન્યા છે. ગ્રામ પંચાયત પણ ડુક્કર ઉછેર સામે પગલાં ભરવામાં નિષ્ફળ નિવડી રહી છે. 

બે તળાવો, પણ આકર્ષણ નહીંવત્
સેગવી ગામમાં બે તળાવો છે. આ બંને તળાવ પૈકી સેગવીના મુખ્ય રોડનું આખું તળાવ જળકુંભીથી અચ્છાદિત છે. જેની કોઇ પણ પ્રકારની રમણિયતા દેખાતી નથી. તેની સફાઇનું કાર્ય હાલ ચાલી રહ્યું છે, પરંતુ તેની સંપૂર્ણ સફાઇ અશક્ય લાગી રહી છે. તળાવ કિનારે પાળ પણ બનાવાઇ નથી. ગામના તળાવનો વિકાસ થાય તે વલસાડના લોકો માટે આ એક પ્રવાસન સ્થળ બની શકે છે. જો કે, આ સિવાયના આજુબાજુનાં ગામના અનેક તળાવો રમણિય છે. અહીં તળાવની રમણિયતા દેખાતી નથી. જ્યારે બીજું એક તળાવ એટલા અંતરિયાળ વિસ્તારમાં છે કે, ત્યાં દ્વિચક્રિય વાહનો પણ જઇ શકતાં નથી. આ માણસોથી અછૂતું રહેલું તળાવ કુદરતી સૌંદર્ય ધરાવે છે, પરંતુ ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ હોય તેની કોઇ દરકાર કરતું નથી. તળાવના પાણીથી આજુબાજુના ભૂગર્ભ જળ સચવાઇ રહ્યાં છે. જેના કારણે બોરિંગ અને પાતાળ કૂવાઓ જળવાઇ રહ્યા છે. ગામમાં 40થી વધુ પાતાળ કૂવાઓમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે.

મહત્તમ ઘરોમાં નળથી પાણી પહોંચે છે
સેગવી ગામમાં 80 ટકા ઘરોમાં નળથી પાણી પહોંચે છે. જે ઘરોમાં નળથી પાણી નથી પહોંચતું ત્યાં ઘરની બહાર સ્ટેન્ડ પોસ્ટ બનાવાયાં છે. આ સ્ટેન્ડ પોસ્ટ પરથી લોકો પાણી લઇ શકે છે. અહીં પાણીની કોઇ ખાસ તંગીની ફરિયાદ નથી. ગામમાં 50થી વધુ સ્ટેન્ડ પોસ્ટ હોય, નાનાં-નાનાં ઘરોમાં પણ સરળતાથી પાણી પહોંચી શકે છે.

ગટર વ્યવસ્થાના અભાવથી ચોમાસામાં પાણી ભરાય છે
સેગવી ગામમાં ગટર વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો છે. આથી ચોમાસામા ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી બની જતી હોય છે. જો કે, મહત્તમ ગામોમાં લોકો કોઇ ફરિયાદ કરતા નથી.

પાણી પુરવઠા વિભાગ પાણી પહોંચાડે છે
ગામમાં પાણી પુરવઠા વિભાગ દિવેદ પાણી પુરવઠા યોજના અંતર્ગત અહીં પાણી પહોંચાડાય છે. ગામમાં પીવાનું પાણી પણ પાઇપ લાઇનથી આવે છે. આ સિવાય ગામમાં પાણીની બે ટાંકી છે. જેના થકી ઘરેઘર પીવાનું અને વપરાશનું પાણી પહોંચી રહ્યું છે. પીવાના પાણી માટે અહીં ખાનગી સ્તરે 3 ફિલ્ટરેશન પ્લાન્ટ પણ ચાલી રહ્યા છે. જેના થકી લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળી રહે છે. જેના કારણે પ્રાથમિક જરૂરિયાતનો ગામમાં કોઇ પણ અભાવ નથી.

એસટી બસ અને રિક્ષાની પણ સુવિધા
વલસાડ શહેરમાં અવરજવર માટે ગામમાં એસટી બસ પણ આવે છે. આ સિવાય અહીં રિક્ષાની પણ સારી સુવિધા મળી રહી છે. શહેરથી ગામમાં રિક્ષાના પણ ફેરા ચાલતા જ હોય છે. જો કે, છેલ્લાં થોડાં વર્ષોથી ઘરદીઠ વાહનો હોવાથી અહીં આ સુવિધાની વ્યાપક જરૂરિયાત રહેતી ન હોવાનું ગામનાં હેમલતાબેન પટેલે જણાવ્યું છે.

  • સરપંચ અને સભ્યોની યાદી
  • મુકુંદભાઇ ખાલપભાઇ પટેલ (સરપંચ)
  • રોશનીબેન હાર્દિક પટેલ (ઉપસરપંચ)
  • સભ્યો
  • મહેન્દ્ર કરસનદાસ મિસ્ત્રી
  • સંગીતાબેન પ્રવીણભાઇ હળપતિ
  • તન્વીબેન મુકુંદભાઇ પટેલ
  • નિલેશભાઇ નટુભાઇ રાઠોડ
  • પૂનમબેન આશિતભાઇ પટેલ
  • કિંજલબેન અજયભાઇ આહીર
  • હિતેશભાઇ શૈલેશભાઇ રાઠોડ
  • મોહનભાઇ શર્મા-તલાટી કમ મંત્રી
  • જ્યોત્સ્નાબેન પટેલ-કારકુન
  • હિરલબેન પટેલ-ગ્રામસેવક

28 કૂવા અને હવાડા પણ યથાવત્
સેગવી ગામે હાલ 28 કૂવા છે. આ કૂવા પાણીથી તરબોળ મનાય છે. આ સાથે અહીં ઢોરોને પાણી પીવા માટે હવાડો પણ સતત પાણીથી છલકાયેલો જોવા મળે છે. કૂવામાં હોય તો હવાડામાં આવે, એ કહેવત શહેરી લોકોએ સાંભળી ભલે હોય, પરંતુ હવાડો એટલે શું તે ખૂબ જ ઓછા લોકોને ખબર હશે. આ ગામમાં સર્વોદય સ્કૂલ પાસે જ એક હવાડો છે. જે ખુલ્લી પાણીની ટાંકીસમાન છે. જ્યાં પાણી પીતા ઢોરનું દૃશ્ય સામાન્ય રીતે જોવા મળી રહે છે.

  • આંકડાકીય સ્થિતિ
  • –      800 ઘર
  • –      2783ની વસતી
  • –      1571 પુરુષ
  • –      1212 મહિલા
  • –      90 ટકા સાક્ષરતા દર
  • –      606 ધાબાવાળાં પાકાં મકાન
  • –      225 નળિયાંવાળાં પાકાં મકાન
  • –      21 માટીનાં મકાન
  • –      3 આંગણવાડી
  • –      4 સ્કૂલ

સેગવીનાં 3 મંદિર અને તેનું પ્રાંગણ ભક્તિનું કેન્દ્ર
સેગવી ગામે શ્રી ઋણમોચન હનુમાનજી, શ્રી જય અંબે માં અને શ્રી રામેશ્રવ મહાદેવ મંદિર એકસાથે બનાવાયાં છે. આ મંદિર સાથે તેનું સુંદર પ્રાંગણ પણ બનાવાયું છે. જ્યાં કૂવો હોય, તેની પણ યોગ્ય રીતે જાળવણી કરાઇ છે. આ 3 મંદિર ગામની આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યાં છે. અનેક ધાર્મિક તહેવારો મંદિરમાં ઉજવાતા આવ્યા છે. મંદિરનો પાટોત્સવ પણ દર વર્ષે અહીં ઉજવાય છે.

હોમિયોપેથી ક્લિનિક
વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત હોમિયોપેથિક દવાખાનું સેગવીમાં લોકોના સ્વાસ્થ્યની સારવાર માટે કાર્યરત છે. અહીં વિનામૂલ્યે અપાતી દવાનો લોકો લાભ લઇ રહ્યા છે. જો કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ગામના લોકોએ બાજુના મગોદ ગામે જવું પડે છે. આ સિવાય વલસાડ શહેર નજીક હોવાથી ગામના લોકો આરોગ્યની સેવા માટે વલસાડની હોસ્પિટલો પર જ આધાર રાખે છે. સિવિલ હોસ્પિટલ અહીંથી ખૂબ નજીક હોવાથી તેનો પણ મોટી સંખ્યામાં લોકો લાભ ઉઠાવે છે.

પંચાયતના જૂના મકાન અને બસ સ્ટેન્ડની હાલત જર્જરિત
સેગવી ગ્રામ પંચાયતનું જૂનું મકાન અને બસ સ્ટેન્ડ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. આ મકાનનો કોઇ ઉપયોગ હાલે થતો નથી.

સેગવીને વાઇફાઇ અને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવું છે: સરપંચ
સેગવીના સરપંચ મુકુંદભાઇ પટેલે જણાવ્યું કે, સેગવી ગામને સીસીટીવી કેમેરા અને વાઇફાઇથી સજ્જ કરવું છે. જેનાથી ગામની સુરક્ષામાં વધારો થઇ શકે. આ સાથે તેમણે જણાવ્યું કે, ગામના તળાવને સાફ કરાવી તેના ડેવલપમેન્ટનું કામ હાથ ધરાશે. હાલ તેની સફાઇનું કાર્ય શરૂ કરાયું છે. ત્યારબાદ તેની ફરતે વોક-વે તૈયાર કરાશે અને એક રમણિય સ્થળ બનાવાશે. જેનો લાભ ગામના લોકોને થશે. ગામમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ હોવાથી હવે સ્ટ્રીટ લાઇટ લગાવવાનું પણ તેમનું મુખ્ય લક્ષ્ય છે. જ્યાં જ્યાં સ્ટ્રીટ લાઇટનો અભાવ છે, ત્યાં ત્યાં સ્ટ્રીટ લાઇટ લગાવવાનું કામ ટૂંક જ સમયમાં હાથ ધરાશે.

વેરાની મર્યાદિત આવકના કારણે સરકારી ગ્રાન્ટ પર આધાર રાખવો પડે છે
સેગવી ગામમાં વેરાની આવક માત્ર રૂ.1.10 લાખ જેટલી જ છે. જેના થકી ગામનો વિકાસ કરવો મુશ્કેલ બને છે. ત્યારે ગામના વિકાસ માટે સરકારની વિવિધ ગ્રાન્ટો પર જ આધાર રાખવો પડતો હોય છે. આ આવક ગ્રામ પંચાયતના પાયાના ખર્ચ અને સફાઇ ખર્ચ પાછળ ખર્ચાઇ જાય છે. રસ્તા તેમજ અન્ય વિકાસ માટે સરકારી ગ્રાન્ટ પર જ આધાર રાખવો પડી રહ્યો છે.

લકી ડ્રો કરી ધ્વજવંદનની અનોખી પ્રથા
ગુજરાત જ નહીં, વલસાડમાં પણ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના રોજ ધ્વજવંદન અગ્રણીઓ કે હસ્તીઓ દ્વારા કરાવવામાં આવે છે, પરંતુ વલસાડના સેગવી ગામમાં સરપંચ મુકુંદભાઇએ અનોખો ચીલો ચીતર્યો છે. જેમાં ગામનો ગરીબથી લઇ અમીર અને બાળકથી લઇ વૃદ્ધ સુધીનો કોઇપણ વ્યક્તિ ધ્વજવંદન કરી શકે છે. જેના માટે આ દિવસે લકી ડ્રો કરવામાં આવે છે. જે વ્યક્તિ લકી ડ્રોમાં જીતે તેના હસ્તે ધ્વજવંદન કરાવાય છે. જેના થકી સામાન્ય વ્યક્તિને પણ ધ્વજવંદન કરવાનો મોકો મળે છે અને જેનાથી ગામના લોકોમાં દેશભક્તિનો જુવાળ પણ ઊભરે છે.

સેગવી ગામમાં પોતાનો મોક્ષરથ
વલસાડ શહેરમાં અંતિમયાત્રા માટે શબવાહિનીનો મહત્તમ ઉપયોગ થાય છે, પરંતુ સેગવી ગામે મહત્તમ ઉપયોગ મોક્ષરથનો થાય છે. ગામ પાસે પોતાનો અલાયદો મોક્ષરથ છે. જે મિસ્ત્રી પરિવાર દ્વારા સેગવીના ગ્રામજનોને અર્પણ કરાયો છે.

ગામનું ભવિષ્યમાં શહેરીકરણ થાય તો નવાઇ નહીં
સેગવી ગામ વલસાડ શહેરને અડીને આવેલું છે, પરંતુ હજુ સુધી તેનું શહેરીકરણ થયું નથી. અહીં માત્ર એકલદોકલ જ એપાર્ટમેન્ટ છે અને બંગલા ધરાવતી સોસાયટી છે, જેમાં મુખ્યત્વે શહેરના લોકોએ સેકન્ડ હોમ રાખ્યું છે. જો કે, શહેરમાં વધતી જતી વસતી અને ઘટતી જતી જમીનના કારણે હવે લોકો સેગવી તરફ વળે તો નવાઇ નહીં. સેગવીની હદ પહેલાં સેગવી રોડ પર તીથલ ગામની હદમાં બંગલા અને એપાર્ટમેન્ટ બની ગયાં છે, પરંતુ હવે ટૂંક સમયમાં સેગવી ગામમાં પણ તેનો ફેલાવો થાય તો નવાઇ નહીં.

સિવિલ રોડ સાથે સેગવી ગામનો માર્ગ જોડાશે
વલસાડમાં કોસ્ટલ હાઇવે બન્યા બાદ સેગવી રોડ પર અને સિવિલ રોડ પર ટ્રાફિક વધુ રહેતો હોય છે. સિવિલ રોડ અને સેગવી ગામને જોડતા માર્ગના નવીનીકરણનું કાર્ય હાલ હાથ ધરાયું છે. ટૂંક સમયમાં ટુ ટ્રેકનો આ માર્ગ બની જશે. જેનાથી સેગવી ગામમાં આવનજાવનના રસ્તા વધુ સુલભ રહેશે અને ગામનો વિકાસ વધુ થશે.

Most Popular

To Top