Columns

સીમા હૈદર પાકિસ્તાની જાસૂસ હોવાની સંભાવના એકદમ વધી ગઈ છે

પ્રેમમાં સરહદ પાર કરનાર સીમા હૈદરનો મામલો હવે ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ સુધી પહોંચ્યો છે. તપાસમાં એકથી વધુ પાસપોર્ટ રાખવાથી લઈને તમામ પાસાંઓની તપાસ કરવામાં આવશે. સીમા હૈદર આઈએસઆઈની જાસૂસ હોવાનો મામલો સતત ગરમ થઈ રહ્યો છે. સોશ્યલ મિડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. પાકિસ્તાનથી દુબઈ અને પછી નેપાળ થઈને ગ્રેટર નોઈડાના રબુપુરા આવેલી સીમા હૈદરના કેસમાં ઘણી બાબતોનો ખુલાસો થવાનો બાકી છે. તેના વિઝા વિના ભારતમાં પ્રવેશવા પર પણ સવાલો ઊઠી રહ્યા છે.

યુપી એટીએસએ સીમા હૈદર પાકિસ્તાનથી ભારત આવવાના કેસની તપાસ શરૂ કરી દીધી છે. આ કેસમાં સીમા હૈદરની મોબાઈલ કોલ ડિટેઈલની તપાસ કરવામાં આવી રહી છે. તેની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ સિવાય તેના પાકિસ્તાની સંપર્કોની પણ તપાસ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતની રહેવાસી સીમા હૈદર PUBG ગેમ દરમિયાન ગ્રેટર નોઈડાના રબુપુરાના રહેવાસી સચિન મીનાને મળી હતી. મોબાઈલ ગેમ્સથી માંડીને મામલો પ્રેમ પ્રકરણ સુધી પહોંચ્યો છે. બંને નેપાળમાં મળ્યાં હતાં.

આ પછી સીમા હૈદર તેનાં ચાર બાળકો સાથે નેપાળ થઈને ભારત પહોંચી હતી. સીમા હૈદર વિઝા નિયમોમાં કડકતાને કારણે વિઝા માટે અરજી ન કરવાનો દાવો કરી રહી છે. પોલીસે આ કેસમાં સીમા અને સચિનની ધરપકડ પણ કરી હતી, પરંતુ બાદમાં બંનેને છોડી મૂકવામાં આવ્યાં હતાં. જો કે હવે આ મામલો નોઈડામાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સીમા હૈદરને લઈને આતંકવાદી ધમકીનો મામલો પણ સામે આવ્યો છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમને એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હોવાનું કહેવાય છે. જો પાકિસ્તાની મહિલા સીમા હૈદર પોતાના દેશ પરત નહીં ફરે તો તેણે ૨૬/૧૧ જેવા આતંકવાદી હુમલાની સ્પષ્ટ ચેતવણી આપી હતી. સીમા હૈદરનો મામલો ભેદી વળાંક લઈ રહ્યો છે.

અધિકારીએ જણાવ્યું કે ૧૨ જુલાઈના રોજ ફોન આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે ફોન કરનારે શુદ્ધ ઉર્દૂમાં વાત કરી અને કહ્યું કે નવેમ્બર ૨૦૦૮ના મુંબઈ હુમલા જેવો આતંકવાદી હુમલો થશે. તા. ૨૬ નવેમ્બર ૨૦૦૮ ના રોજ, ૧૦ લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદીઓએ ૧૨ સ્થળોએ ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. ચાર દિવસ સુધી આતંકવાદીઓએ મુંબઈમાં આતંક મચાવ્યો અને આ હુમલામાં ૧૬૬ લોકો માર્યા ગયાં હતાં. આ કોલની તપાસની જવાબદારી મુંબઈ પોલીસને આપી છે. સીમા હૈદરને લઈને પાકિસ્તાનની કટ્ટરવાદી ગેંગની ધમકી પણ સામે આવી છે. જેમાં સીમા હૈદરને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પાકિસ્તાની ઉગ્રવાદી ગેંગની ધમકીઓને પગલે ગ્રેટર નોઈડામાં સીમાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એક તરફ તપાસ એજન્સીઓની કાર્યવાહી ચાલી રહી છે તો બીજી તરફ સીમા અને સચિનની લવસ્ટોરીનો વિડિયો સોશ્યલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ મામલે વાતાવરણ ગરમાયું છે.

નોઈડા પોલીસે લખનૌ હેડક્વાર્ટરને ભલામણ મોકલી હતી કે સીમા હૈદર વિશે સત્ય શોધવા માટે તપાસ એવી એજન્સીને સોંપવામાં આવે જે સરહદ પાર કરી શકે અને સત્ય શોધી શકે અને તેથી જ યુપી એટીએસ એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સીમા અને સચિન વચ્ચેના પ્રેમની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સંબંધમાં સોમવારે એટીએસની ટીમે સીમા અને સચિનની લગભગ છ કલાક પૂછપરછ કરી હતી. તપાસની જવાબદારી મળતાં જ યુપી એટીએસની ટીમે સોમવારે ભારત ભાગી આવેલી સીમા હૈદર, તેના પ્રેમી સચિન અને સચિનના પિતાની પૂછપરછ કરી છે. યુપી એટીએસ સીમા અને સચિનની આ લવસ્ટોરીનું સત્ય બહાર લાવવા માંગે છે.

આ દરમિયાન એટીએસને કેટલીક ખાસ બાબતો જાણવાની છે. નોઈડા પોલીસે કાઠમંડુમાં સીમા અને સચિનની પહેલી મીટિંગની અને કાઠમંડુની તે હોટલની માહિતી મેળવી લીધી છે. નોઈડા પોલીસ પાસે તે મંદિર વિશે પણ માહિતી છે, જેમાં બંનેએ લગ્ન કર્યાં હતાં. પરંતુ નોઈડા પોલીસને આ તમામ માહિતી કાઠમંડુનાં તેનાં સૂત્રો પાસેથી મળી છે. હવે આ કેસની તપાસ એટીએસને સોંપવામાં આવી છે ત્યારે એટીએસની એક ટીમ પોતે નેપાળ જશે તેવી અપેક્ષા છે. એટીએસની ટીમ શારજાહ એરપોર્ટના ઈમિગ્રેશન વિભાગ પાસેથી પણ જરૂરી માહિતી મેળવશે. સીમા અને તેનાં બાળકોના પાસપોર્ટ મળી આવ્યા હોવા છતાં પાંચેયના પાસપોર્ટ પર યુએઈ અને નેપાળના વિઝા હાજર છે. પાસપોર્ટ પર દુબઈ અને કાઠમંડુના ઈમિગ્રેશન વિભાગની સ્ટેમ્પ પણ છે.

યુપી એટીએસના જણાવ્યા અનુસાર સીમાના મોબાઈલમાં ડોકિયું કરવું અને તેનું સત્ય બહાર લાવવું તેમના માટે સૌથી જરૂરી છે. ખાસ કરીને તમામ વોટ્સએપ કોલ્સ અને ચેટ્સનું પરીક્ષણ કરવામાં આવશે. યુપી એટીએસનું નોઈડા યુનિટ જ સીમા અને સચિનની પૂછપરછ કરશે. જો જરૂર પડે તો લખનૌ યુનિટની મદદ લઈ શકાય છે. બીજી તરફ, સીમા હજુ પણ ગ્રેટર નોઈડાના રબુપુરા વિસ્તારમાં સચિનના ઘરે તેનાં બાળકો સાથે રહે છે. જો કે હવે તેના ઘરે ભીડ ઓછી થઈ ગઈ છે. સચિનનાં પરિવારજનો પોતે સીમાને બધાને મળવા દેતાં નથી. તેનું કારણ એ છે કે ખુદ યુપી પોલીસે આશંકા વ્યક્ત કરી હતી કે સીમાના જીવને ભારતમાં પણ જોખમ હોઈ શકે છે. જ્યારથી ટી.વી. ચેનલો પર આ સંબંધમાં સમાચાર બતાવવામાં આવ્યા હતા ત્યારથી સીમાનાં પરિવારજનોએ સીમાને અજાણ્યાં લોકોની ભીડથી દૂર રાખવાનો નિર્ણય લીધો હતો. સીમા જામીન પર બહાર છે અને તેની એક શરત એ છે કે તે સચિનનું ઘર છોડીને બીજે ક્યાંય જઈ શકતી નથી.

સીમા ગેરકાયદેસર રીતે ભારતમાં આવી હતી તેથી ત્યાંનાં લોકો ચિંતિત છે, કારણ કે તેનાથી સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે. સીમા પડોશી દેશ નેપાળ દ્વારા ગેરકાયદેસર રીતે ભારત આવી હતી અને બે મહિનાથી ગ્રેટર નોઈડામાં સચિન સાથે ભાડાના મકાનમાં રહેતી હતી અને કોઈને શંકા નહોતી કે તે પાકિસ્તાની છે. બહાર આવેલા તમામ ઈન્ટરવ્યુમાં સીમાને જોઈને એવું લાગતું નથી કે તે ક્યાંયથી ડરી ગઈ છે કે કોઈ ડર તેને પરેશાન કરી રહ્યો છે. આ કારણે લોકો સોશ્યલ મિડિયા પર સીમા હૈદર પર અનેક પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે. તે હિન્દી આટલી સારી રીતે કેવી રીતે જાણે છે? કેટલાંક લોકોએ સીમા હૈદર પાસે ચાર મોબાઈલ કેમ છે? તેવો સવાલ પણ કર્યો છે. કોઈ સામાન્ય માણસ પાસે ચાર સીમ કાર્ડ ખરીદવાના દસ્તાવેજો ક્યાંથી આવ્યા?

સીમાએ તેના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે બહુ ભણેલી નથી કે તે અંગ્રેજી પણ નથી જાણતી, પણ તેની ભાષાથી તે ખૂબ જ સ્માર્ટ લાગે છે અને વાતચીતમાં અંગ્રેજી શબ્દોનો પુષ્કળ ઉપયોગ કરે છે. આટલું જ નહીં, સીમા હૈદરે કહ્યું છે કે તેનાં ચાર બાળકો છે અને તે ૨૭ વર્ષની છે. આવી સ્થિતિમાં કેટલાંક લોકો સોશ્યલ મિડિયા પર સવાલ પણ કરી રહ્યા છે કે આટલી નાની ઉંમરે તું ચાર બાળકોની માતા કેવી રીતે બની? શું તે પાકિસ્તાની જાસૂસ છે? એકંદરે લોકો હજુ પણ સીમાના સત્ય વિશે મૂંઝવણમાં છે. ચાલો, જોઈએ કે PUBG ની આ લવ સ્ટોરી આગળ શું વળાંક લે છે; પરંતુ તેમાં કોઈ શંકા નથી કે લોકો સીમા હૈદર અને સચિન મીનાને જલ્દી ભૂલી શકશે નહીં.
 – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top