Gujarat

સચિવાલયની સરકારી કચેરીઓમાં વારંવાર આગની ઘટનાથી અનેક આશંકાઓ

અમદાવાદ: ગાંધીનગરના (Gandhinagar) સચિવાલય (Secretariat) ખાતે આવેલી સરકારી ઓફિસોમાં (Government Office) વારંવાર આગની (Fire) ઘટનાઓ બની રહી છે. આજરોજ ગુરુવારે સચિવાલયના બ્લોક નંબર 17માં આવેલી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની ટ્રેઝરી ઓફિસમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો બળી ગયા હોવાનું બહાર આવ્યું છે. સરકારી કચેરીઓમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતા અનેક શંકાઓ ઊભી થઈ રહી છે. શું કરોડોના કૌભાંડથી બચવા સરકાર આગના બહાને મહત્વના દસ્તાવેજો અને પુરાવાઓ સુનિયોજિત રીતે નાશ કરી રહી છે ? સચિવાલયની સરકારી કચેરીઓમાં આગની ઘટનાની હાઇકોર્ટના સીટીંગ જજના વડપણ હેઠળ તપાસ કરાવવા આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોષીએ જણાવ્યું હતું કે, સચિવાલયના બ્લોક નંબર ૧૭માં પેન્શનરો-પ્રોવિડંડ ફંડ, ટ્રેજરી અને કંટ્રોલ ઓફીસમાં લાગેલી આગને લીધે ગુજરાતના નિવૃત કર્મચારીના પેન્શન અને પ્રોવિડંડ ફંડ સહીત મહત્વના પરિપત્રો – દસ્તાવેજો બળી ખાખ થતાં મોટું નુકસાન થયાની વિગત સામે આવી રહી છે. ભૂતકાળમાં પણ વારંવાર સચિવાલયમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. જે ચિંતા સાથે શંકા ઉપજાવે છે.

આગ લાગવાની ઘટનામાં મહત્વની દસ્તાવેજો-પુરાવા સુનિયોજિત રીતે નાશ પામી રહ્યા છે…!
મનીષ દોષીએ વધુમાં કહ્યું હતું કે ગાંધીનગર જિલ્લા પંચાયત ભવનના આંકડા ભવનમાં પણ ભીષણ આગ લાગી. જેમાં મહત્વના દસ્તાવેજ બળીને ખાખ થઇ ગયા હતા. જેમાં બે વિભાગનો રેકોર્ડ તેમજ બાર જેટલા કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયા હતા, કરોડો રૂપિયાના કાંડ-કૌભાંડથી બચવા ભાજપના ધમપછાડા જગજાહેર છે. નવા અને જૂના સચિવાલય સહિત 15 જેટલી સરકારી બિલ્ડિંગો પાસે જ ફાયર NOC નથી અને ભાજપ સરકાર વારંવાર સબ સલામતના દાવા કરે છે, અને બીજી બાજુ આગ લાગવાની ઘટનામાં મહત્વની દસ્તાવેજો-પુરાવા સુનિયોજિત રીતે નાશ પામી રહ્યા છે…!

ભૂતકાળમાં કમિશનર કચેરીમાં લાગેલી આગમાં ગરીબ કલ્યાણ મેળા, ગુજરાત પંચાયત અધિ. ૧૯૯૩ અન્વયે પંચાયત પદાધિકારીઓ સામેની ફરિયાદો, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સામે પગલાં લેવાની જોગવાઇ, ગ્રામ-તાલુકા-જિલ્લા પંચાયતને સુપરસીડ કે વિસર્જન અંગેની કામગીરી, પંચાયતના પ્રમુખની હવાઇ પ્રવાસની મંજૂરી, તાલુકા-જિલ્લા પંચાયતને સ્વભંડોળમાંથી વાહનો ખરીદવાની પૂર્વ મંજૂરી સહિતનાં દસ્તાવોજોની ફાઈલો ખાખ થઇ ગયા છે. સૌથી આશ્ચર્યની બાબત છે કે, ગુજરાત સરકારના કિંમતી દસ્તાવેજો ખાખ થયા, પરંતુ અધિકારીઓની કચેરીને કોઈ નુકસાન થયું નથી. ભૂતકાળમાં જીએસપીસીમાં થયેલા રૂ.૩૦ હજાર કરોડના કૌભાંડ અને ત્યારબાદ કચેરીમાં આગની ઘટના અને કરોડો રૂપિયાના દસ્તાવેજો ભસ્મિભૂત થયાની ઘટના સામે આવી છે, પરતું કોઈ તપાસ કે વિગત આજદિન સુધી બહાર આવી નથી. ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે આગ લાગી કે લગાડવામાં આવી હતી? શું પંચાયત વિભાગના મહત્વના દસ્તાવેજો જાણી જોઈને ભસ્મીભૂત કરવામાં આવ્યા? તે અંગે હાઇકોર્ટના સીટીંગ જજના વડપણ હેઠળ તપાસ થાયએ જરૂરી છે. સચિવાલયની સરકારી ઓફિસોમાં વારંવાર થતી આગની ઘટના અને મહત્વના દસ્તાવેજ નાશ પામવા એ પ્રયોગ છે કે સંયોગ છે? ભાજપ સરકાર જવાબ આપે.

Most Popular

To Top