SURAT

સાળંગપુર વિવાદ અંગે સુરતમાં કરણી સેનાનું અલ્ટિમેટમ, ભાજપ નેતાએ પણ ભીંત ચિત્રોનો વિરોધ કર્યો

ગાંધીનગર: એક તરફ સાળંગપુર (Sarangpur) હનુમાનજી (Hanumanji) મહારાજની વિશાળ મૂર્તિની (Statue) નીચે કંડારવામાં આવેલા ભીંત ચિત્રોના મામલે હવે સાધુ સંતોનો વિરોધ (Controversy) તેજ બન્યો છે. સાળંગપુરમાં 4થી સપ્ટે. સુધીમાં સંતો એકત્ર થવાના છે. તો બીજી તરફ સરકારના સિનીયર મંત્રી કુંવરજી બાવળિયાએ પણ ભીંત ચિત્રોનો વિરોધ કર્યો છે. તો આ સંદર્ભે સુરતમાં કરણી સેનાના આગેવાનોએ પણ અલ્ટિમેટમ આપી દીધું છે.

રાજકોટમાં બાવળિયાએ કહ્યું હતું કે, ‘સાંજ સુધીમાં સ્થાનિક કક્ષાએથી વિવાદનો અંત આવે તેવી શક્યતા છે. ગઈકાલે પણ મેં સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. આજે સવારે પણ સ્થાનિકો સાથે વાતચીત કરી છે. કોઈની લાગણી દુભાય કે વિવાદ થાય તેવા ચિત્રો દર્શાવવા ન જોઈએ. વિવાદ થાય તે પ્રકારના ચિત્રો-પોસ્ટરો ન દર્શાવવા જોઈએ.’

ભાજપ વિધાનસભા પક્ષના દંડક બાલુ શુકલે કહ્યું હતું કે, ‘હનુમાનજી ચિરંજીવી છે અને તેમના માટે કોઈ વિવાદ ન હોય. બધા જ લોકો માટે હનુમાનજી આદ્ય દેવ છે. આરાધ્ય દેવ રામજીના જ હનુમાનજીના દાસ છે. એમનું દાસત્વ એ જ હનુમાનજીનો દાસ્ય ભાવ છે.’

ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, હું મારૂતિનો ભક્ત છું, તેમનું સન્માન જળવાવું જોઇએ. શંકરાચાર્યથી કોઇ મોટું નથી, તેમની અપીલ વ્યાજબી જ હોય. હિંદુ સમાજમાં ભાગલા પડે તેવું ન થવું જોઈએ. મોકરિયાએ જણાવ્યું હતું કે, હું પૂજારી છું, તો પૂજારી થઈને હું ભગવાનનું રૂપ ધારણ કરી લઉં એ વ્યાજબી નથી, મારે પૂજારી જ રહેવું જોઈએ. એ લોકોએ આવા વિવાદથી દૂર રહેવું જોઇએ, એવી હું ભક્તોને વિનંતી કરું છું. હું સ્વામિનારાયણ સંપ્રદાયને વિનંતી કરું છું. વિવાદ ન થાય અને હિંદુ સમાજમાં ખોટા ભાગલા ન પડે તે આપણા સમાજ માટે હિતાવહ છે. શંકરાચાર્યથી કોઇ મોટું નથી, તેમણે જે અપીલ કરી તે વ્યાજબી માનવી જોઇએ. તે આપણા આખા દેશના શંકરાચાર્ય છે અને આપણા આરાધ્ય દેવ ગણાય. તેમની વાતને હું સમર્થન આપું છે.

સાળંગપુરમાં વિવાદ અંગે સુરતમાં કરણી સેનાના આગેવાનોએ પણ અલ્ટિમેટમ આપી દીધું છે. કરણી સેનાના નેતા જેનિસ કાતરિયાએ જણાવ્યું હતું કે વિવાદાસ્પદ પ્રતિમા અને ચલચિત્રો 4 સપ્ટેમ્બર સુધીમાં હટાવવામાં નહીં આવે તો કરણી સેનાના કાર્યકરો દ્વારા સાળંગપુર ખાતે કૂચ કરવામાં આવશે. કારણ કે હનુમાનજીમા પ્રતિમાના છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા આ વિવાદને પગલે હજારો શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચી રહી છે, જે બિલ્કુલ સહન કરવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે જો આ વિવાદાસ્પદ ભીંતચિત્રો આગામી 4થી સપ્ટેમ્બર સુધી દૂ૨ ક૨વામાં નહીં આવે તો મોટી સંખ્યામાં સાધુ-સંતો સહિત કરણી સેનાના કાર્યકરો સાળંગપુર પહોંચશે અને હલ્લાબોલ કરશે, જેનું પરિણામ સારું આવશે નહીં. એટલું જ નહિ ત્યાં ધર્મયુદ્ધ સર્જાય એવી પરિસ્થિતિનો નિર્માણ પણ થશે. તેમજ આ બધા કારણોસર ધર્મનું યુદ્ધ ન થાય એ પ્રકારનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

ટ્રસ્ટીઓ વિવાદી ભીંતચિત્રો નહીં હટાવે તો 5000 સાધુ-મહંતો ઉપવાસ સાથે કામગીરી કરશે: ગિરીબાપુ
બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવના મહંત અને મહામંડલેશ્વર આશુતોષ ગીરીબાપુએ કહ્યું હતું કે સાળંગપુર મંદિર ખાતેના વિવાદી ભીંતચિત્રો વહેલી તકે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા હટાવી લેવામાં આવે, નહીંતર આગામી દિવસોમાં જરૂર પડે તો 5000 જેટલા સાધુ-સંતો હનુમાનજી મંદિર ખાતે ઉપવાસ પર બેસીને આ ભીંતચિત્રો હટાવાની કામગીરી કરશે. ઉલ્લેખનીય છે કે સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી મહારાજની 54 ફૂટની મૂર્તિની આસપાસ પોલીસ દ્વારા નાકાબંધી કરી દેવાઈ છે, અહીં મીડિયાના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Most Popular

To Top