Sports

IND vs PAK: ભારતીયોની આશા પર વરસાદી પાણી ફરી વળ્યું, મેચ રદ્ થતાં પાકિસ્તાન સુપર 4 માં પહોંચ્યું

ભારત અને પાકિસ્તાન (India And Pakistan) વચ્ચેની મેચ રદ્દ જાહેર કરવામાં આવી હતી. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોએ એક-એક પોઈન્ટ મળ્યા હતા. આ રીતે પાકિસ્તાનને બે મેચમાંથી ત્રણ પોઈન્ટ મળ્યા છે. જેને કારણે તે સુપર 4 માં પહોંચી ગઈ છે. તેણે પોતાની પ્રથમ મેચમાં નેપાળને હરાવ્યું હતું. બીજી તરફ ભારતના ખાતામાં એક મેચમાં એક પોઈન્ટ છે. હવે સુપર-4માં પહોંચવા માટે તેને 4 સપ્ટેમ્બરે યોજાનારી મેચમાં નેપાળને કોઈપણ ભોગે હરાવવી પડશે. સુપર-4માં પહોંચનારી પાકિસ્તાન પ્રથમ ટીમ છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયા 50 ઓવર પણ રમી શકી નહોતી. તેઓ 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. આ પછી વરસાદના કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ શરૂ થઈ શકી ન હતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ અમ્પાયરે બંને કેપ્ટન સાથે વાત કરી અને મેચ રદ્દ જાહેર કરી હતી.

એશિયા કપ 2023માં (Asia Cup 2023) પાકિસ્તાન (Pakistan) સામેની મેચમાં ભારતીય દાવ 266 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે (India) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શાહીન આફ્રિદીની સામે ટીમ ઈન્ડિયા ફરી એકવાર મજબૂત શરૂઆત કરી શકી ન હતી. રોહિત શર્મા 11 અને વિરાટ કોહલી 4 રનના અંગત સ્કોર પર શાહીન દ્વારા બોલ્ડ થયા હતા. ઇનિંગ્સના અંત બાદ 4 વિકેટ લેનાર શાહિને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે મેદાન પર કંઈ ખાસ નથી. અહીં રન બનાવવા સરળ છે અને કોહલી-રોહિત માટે જે પ્લાનિંગ હતું તે કામ આવ્યું છે.

આ દરમિયાન ભારતીય ટીમને સૌથી મોટો ઝટકો આપનાર તેમજ ચાર મહત્વની વિકેટ ચટકાવનાર શાહીન આફ્રિદી રહ્યો હતો. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત 4 વિકેટ લીધી હતી. જ્યારે મેચનો પ્રથમ દાવ પૂરો થયો ત્યારે શાહીન આફ્રિદી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે એ પણ જણાવ્યું કે આ 4માંથી તેની ફેવરિટ વિકેટ કઈ હતી.

શાહીન આફ્રિદીએ કહ્યું કે અમે નવા બોલ સાથે રણનીતિ તૈયાર કરી હતી અને તે સફળ પણ રહી હતી. તેણે કહ્યું કે મને લાગે છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેની વિકેટ ખાસ હતી. પોતાની વાતને આગળ વધારતા તેણે કહ્યું કે મારા માટે દરેક બેટ્સમેન સમાન છે પરંતુ મને લાગે છે કે મને રોહિત શર્માની વિકેટ વધુ ગમી. શાહીને કહ્યું કે અમારા ઝડપી બોલરોની યોજના કામ કરી ગઈ. નસીમ શાહ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યા છે, હું તેનાથી ખરેખર ખુશ છું, તે ઝડપી છે. નવો બોલ સ્વિંગ અને સીમ કરી શકે છે, તેના પછી કંઈ ખાસ નથી. જેમ જેમ બોલ જૂનો થશે તેમ રન બનાવવાનું સરળ બનશે.

જણાવી દઈએ કે શાહીન શાહ આફ્રિદીએ પ્રથમ 11 રને રોહિત શર્માને ક્લીન બોલ્ડ કર્યો હતો અને ત્યારબાદ વિરાટ કોહલી પણ ચાર રને બોલ્ડ થયો હતો. આ પછી ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. પરંતુ જ્યારે શાહીનને ફરીથી કેપ્ટન બાબર આઝમ દ્વારા બોલિંગ માટે બોલાવવામાં આવ્યો ત્યારે તેણે ફરીથી પોતાનો એ જ કરિશ્મા બતાવ્યો. નવા બોલ બાદ શાહીન શાહ આફ્રિદીએ પહેલા હાર્દિક પંડ્યાને જૂના બોલથી 87 રને આઉટ કર્યો હતો, તેનો કેચ આગા સલમાને પકડ્યો હતો. આ પછી રવિન્દ્ર જાડેજા મોહમ્મદ રિઝવાનના હાથે કેચ આઉટ થયો હતો. જાડેજા 22 બોલમાં 14 રન બનાવી આઉટ થયો હતો. શાહીન આફ્રિદીએ તેની 10 ઓવરમાં 35 રન આપીને ચાર વિકેટ લીધી હતી અને બે મેડન પણ ફેંકી હતી.

Most Popular

To Top