National

ગરીબોને ભોજન, બાળકોને શિક્ષણથી માંડીને વડીલોનો સહારો બની રહેલા સુરતીઓને સલામ

દુનિયાના દરેક વ્યક્તિનું અંતે લક્ષ્ય ખુશ રહેવાનું હોય છે. ખુશ રહેવું, ખુશ રાખવું અને ખુશી વહેંચવી, અલગ અલગ વાતો છે. સૌથી પહેલા તો ખુશ રહેવાનું શરૂ કરો. મોટા ભાગે આપણી ખુશી બીજા લોકો દ્વારા સંચાલિત થતી હોય છે. કોઈ કહે કે તમે ખૂબ સારા છો અને આપણે આખો દિવસ ખુશ રહીએ છીએ. થોડી પણ વિરોધાભાસી ટિપ્પણી થતાં જ આપણું મગજ આખો દિવસ ખરાબ રહે છે. ખુશ રહેવા અને ખુશ કરવા માટે સૌથી પહેલા પોતાને જાણો અને પછી તમારી ઓળખાણ ધરાવનારા લોકોને ખુશ રાખવાની વાત આવશે પરંતુ એક ત્રીજું કામ પણ છે- ખુશી વહેંચવાનું. જે અજાણ્યા લોકોની વચ્ચે કરવાનું હોય છે. ખુશી વહેંચવા માટે વધારે કોઈ સાધનોની જરૂર હોતી નથી. આના માટે માત્ર વિશાળ હૃદય જોઈએ. જીવન દરમિયાન તમે ખુશીઓની એટલી મોટી બૅન્ક બનાવી ચૂક્યા હશો કે જ્યારે દુનિયામાંથી વિદાય લેશો, તો લોકો એવું માનીને ચાલશે કે તમે એટલું આપીને ગયા છો કે ખુશીનો ખરો અર્થ શું છે એ તમારા થકી જ સમજાયું છે. 20 માર્ચે ઈન્ટરનેશનલ હેપ્પીનેસ ડે આવી રહ્યો છે ત્યારે ગુજરાત મિત્ર સિટી પ્લસે જાણ્યું કે શહેરમાં ઘણા એવા લોકો છે જેઓ કોઈ પણ જાતના સ્વાર્થ વિના ફક્ત નિસ્વાર્થ ભાવે અને નિ:શુલ્ક પણે ખુશીઓ વહેંચી રહ્યા છે. જાણો તેમની પ્રવૃતિઓ વિશે

શહેરના યંગસ્ટર્સ ગૃપ દ્વારા હોટલનું ભોજન ગરીબોને વહેંચવામાં આવે છે.

શહેરના એક યંગસ્ટર્સ ગૃપ દ્વારા ગરીબોની ભૂખ સંતોષવા માટે નિસ્વાર્થ ભાવે આ કાર્ય કરવામાં આવે છે. 30 યંગસ્ટર્સનું આ ગૃપ રોજ શહેરની તમામ હોટલો ફરી વળે છે અને દિવસના અંતે હોટલોમાં વધેલું બોજન કે જે વેસ્ટમાં જાય છે તેને ભેગું કરીને તેનું ગરીબોમાં વિતરણ કરે છે. શહેરના અણુવ્રત દ્વારનો બ્રિજ, વરાછાનો બ્રિજ અને એવા અન્ય બ્રિજ કે જેની નીચે બેઘર લોકો વસવાટ કરે છે તેમને આ ગૃપ દ્વારા દરરોજ ખાવાનું પહોંચાડવામાં આવે છે.

ઘઉંના લોટની કીટમાં 5 હજાર રૂપિયા મુકીને લોકોમાં વહેંચી દીધી.

કોરોનાની મહામારી વચ્ચે જ્યારે લોકોડાઉનના સમયમાં લોકો પાસે ખાવાના ફાંફાં હતા ત્યારે એકગ સુરતી બિઝનેસમેને પોતાની ઓળખ છતી ન થાય તે રીતે ઘઉંના લોટની કીટનું વિતરણ કર્યું હતું. કતારગામમાં 500 કીટ ભરેલી રીક્ષા આવી અને તમામ ગરીબોને આ કીટ આપીને જતી રહી, પણ તેમને ખબર નહોતી કે આ દરેક કીટમાં 5 હજાર રૂપિયા હતા, જે ગરીબોને લોકડાઉન જેવા મુશ્કેલીના સમયમાં ખૂબ ઉપયોગી બન્યા હતા. હજી સુધી આ કીટ વિતરણ કોણે કરી તેનું નામ બહાર આવ્યું નથી.

કોલેજના વિદ્યાર્થીઓ વૃધ્ધાશ્રમમાં જઈને ભજન-કીર્તનના કાર્યક્રમો યોજે છે.

શહેરની એક કોલેજના વિદ્યાર્થીઓ પોતાની એનએસએસ કેડરની એક્ટિવીટીના ભાગ રૂપે શહેરના વૃધ્ધાશ્રમોમાં જઈને ભજન-કીતર્ન કરે છે અને વૃધ્ધોને એક સમયનું ભોજન કરાવે છે. આ કોલેજ યંગસ્ટર્સ પોતાની પોકેટમનીમાંથી 200 રૂપિયા ભેગા કરીને એક દિવસ માટે વૃધ્ધાશ્રમ જઈને વૃધ્દો સાથે ભજન-કીર્તન કરે છે અને વૃધ્ધોને પોતાના હાથે જમાડે છે. ફક્ત એક દિવસ માટે વૃધ્ધો પોતાનું એકલાપણુ ભૂલીને વિદ્યાર્થીઓ જ તેમના બાળકો છે તેવો અનુભવ કરે છે.

ઓનલાઈન ગેજેટ્સ ન હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષકો હજી પણ ગામમાં જઈને ભણાવે છે.

શહેરની એક શાળાના ત્રણ શિક્ષકોએ કોરોનાના લોકડાઉનના સમયથી શહેર છોડીને ગામડામાં વસવાટ શરૂ કરીને પોતાનો શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. સુરતના પછાત ગામડાઓમાં રહેતા લોકો પાસે હજી પણ એન્ડ્રોઈડ ફોન કે લેપટોપ નથી. ઘણા ગામમાં તો ઈન્ટરનેટ કનેક્શન પણ નથી. આવા વિસ્તારોમાં ઓનલાઈન ભણવાના ફક્ત સપના જ જોઈ શકાય તેવા વિસ્તારોમાં આ ત્રણ શિક્ષકો બાળકોને ભેગા કરીને શિક્ષણ આપી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમ સાથે થોડા થોડા બાળકોને ભેગા કરીને શિક્ષકો તેમને ભણાવી રહ્યા છે. ગામડાના લોકો જ્યાં તેમને આશરો આપે ત્યાં તેઓ રહીને પોતાનો શિક્ષક તરીકેનો ધર્મ નિભાવી રહ્યા છે.

જે વાલીઓ પોતાના બાળકોની ફી ભરવા સક્ષમ નથી તેમની ફી હું ભરી દઉં છું : મનિષ વધાસિયા

મનિષ વધાસિયા શિક્ષક હોવાની સાથે સાથે ગુરુ દક્ષિણા લીધા વગર જ વિદ્યાર્થીઓને જ્ઞાન આપી રહ્યા છે. શહેરમાંગણા એવા પેરન્ટ્સ છે જે તેમના બાળકોની ફી ભરી શકતા નથી, જેથી બાળકોનું ભણતર અટકી જાય છે. આવા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે મનિષે શહેરની ઘણી શાળાઓમાં પોતાનો ફોમન નંબર આપી રાખ્યો છે અને જે વાલીઓ પોતાના બાળકોની ફી ભરવા સક્ષમ ન હોય તેમની અડધી ફી તેઓ પોતે ભરી દે છે. આ રીતે તેઓ નિસ્વાર્થ ભાવે વિદ્યાર્થીમાં ખુશી વહેંચી રહ્યા છે.

ગામડાની છોકરીઓ આજે પણ મને રાકેશ મમ્મી કહીને બોલાવે છે : રાકેશ દાઢી

રાકેશ દાઢી એક સામાજીક સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓ છેલ્લા દસ વર્ષથી સુરતના પછાત ગામડાઓની મહિલાઓ અને બાળકો માટે કાર્ય કરી રહ્યા છે. તેઓ દર રવિવારે ગામડાઓમાં જાય છે અને શિક્ષણથી મોંડીને તેમની દરેક સામાજિક આર્થિક જરૂરિયાતો પુરી કરે છે. તેમણે જણાવ્યું હતું કે પછાત ગામડાઓની મહિલાઓ અને દિકરીઓ પોતાના પતિ કે પિતાને આજે પણ પોતાની શારિરીક સમસ્યાઓ કહેતા અચકાય છે. જ્યારે હું આવું ત્યારે તેઓ મને રાકેશ મમ્મી કહીને ભેંટી પડે છે અને પોતાની તમામ સમસ્યાઓ મને જણાવે છે. આ પછી તેમના ચહેરા પર જે ખુશી આવે છે તે જ મારું વળતર હોય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top