Gujarat

હવે હનુમાનજીના તિલકનો વિવાદ: સ્વામિનારાયણનું નહીં, સનાતન ધર્મનું તિલક લગાડવા માંગ

ગાંધીનગર: (Gandhinagar) સાળંગપુર (Salangpur) ધામમાં 54 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાની (Statue) નીચે લગાવેલા ભીંતચિત્રો હટાવી દેવાયા છે. જોકે હવે આ મામલે વિવાદનો અંત આવ્યો નથી. અહીં હનુમાનજી મહારાજની પ્રતિમાનું કિંગ્સ ઓફ સાળંગપુર તરીકે નામકરણ કરાયું છે. જો કે હવે હનુમાનજી ભગવાનની આ મૂર્તિને કરાયેલા સ્વામિનારાયણ (swaminarayan) તિલકને હટાવવાની માંગ કરાઈ છે. કારણ કે હનુમાનજી ભગવાન સનાતન ધર્મના દેવ છે. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ નથી. માટે તેમને કરાયેલું તિલક સનાતન ધર્મનું તિલક હોવું જોઈએ તેવી માંગ કરાઈ છે.

  • બોટાદના રોકડિયા હનુમાનજી મંદિરના મહંતે સનાતન ધર્મના પ્રતિક જેવું ચાંદીનું તિલક બનાવડાવ્યું
  • મોરબીમાં રામાનંદી અને ત્રિપાંક સાધુ સમાજ દ્વારા પણ તિલક બદલવા માંગ

બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંતે પ્રતિમા પરથી તિલક બદલવાની માંગ કરી છે. આ માટે તેઓ સનાતન ધર્મનું તિલક લઈને સાળંગપુર પહોંચશે. રોકડિયા હનુમાન મંદિરના મહંત પરમેશ્વર મહારાજે આ વિશે કહ્યું કે, હનુમાનજીને સનાતન ધર્મનું તિલક લગાવવામાં આવશે. રોકડીયા હનુમાનના મહંતે ચાંદીનું તિલક બનાવડાવ્યું છે, જે આજે સાંજે લગાવવામાં આવશે. મોરબીમાં રામાનંદી સાધુ સમાજ તથા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા પણ સાળંગપુર મંદિરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા ઉપર જે તિલક બનાવવામાં આવ્યું છે તે તિલક બદલાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતની દેવી-દેવતાઓને નીચા દેખાડવાની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માંગ
ગાંધીનગર: સાળંગપુર મંદિર ખાતે કંડારવામાં આવેલા વિવાદિત ભીંત ચિત્રોને હટાવવાની માંગ સાથે ગઈકાલે અમદાવાદ શિવાનંદ આશ્રમમાં યોજાયેલી સંયુકત્ત બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આજે સુરેન્દ્રનગરના લીંબડી ખાતે દેશભરમાંથી આવેલા મહામંડલેશ્વરો, સાધુ, સંતો, મહંતો તથા રાજ્યભરમાંથી વિવિધ આશ્રમોના મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ફેલાવવામાં આવેલી ગેરસમજો દૂર કરવા સહિત 14 મુદ્દાઓની માંગણી વેહલામાં વહેલી તકે ઉકેલવાની માંગ કરાઈ છે. બેઠકમાં વિવાદિત ભીંત ચિત્રો તથા સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાંક પુસ્તકોમાં સનાતન ધર્મના દેવી દેવતાઓ અમારા સ્વામિનાયારણ ભગવાન આગળ પાણી ભરે છે, તે પ્રકારના વિવાદિત લખાણોના મામલે ભારે આક્રોશ વ્યકત્ત કરાયો છે. આ પુસ્તકોમાં તો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, તેમની આગળ સનાતન ધર્મના દેવી – દેવતાઓ નીચલી કક્ષાએ આવે છે, તેવા ઉલ્લેખ કરાયેલા છે, જેનો પણ વિરોધ કરાયો છે.

લિંબડી નિમ્બાર્ક પીઠ મોટા મંદિરના સંત લાલદાસ બાપુની આગેવાનીમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતી બાપુ, જ્યોતિનાથ બાપુ, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ, રામેશ્વર હરિયાણી બાપુ, શ્રી ભગવાન પરમગુરૂ કરૂણા મંદિરના મહંત નિશ્ચલદાસજી, ગિરનારી આશ્રમના સાધ્વી ગીતાદીદી, વડોદરાના જ્યોતિર્નાથ બાપુ, ગિરનારી શેરનાથ બાપુ, ચૈતન્ય શંભૂ મહારાજ સહિત 500થી વધુ અનેક ગુરૂમહારાજો ઉપસ્થિત રહ્યા હતા. આજના સંત સંમેલનમાં સાળંગપુર મંદિરના વિવાદિત ભીંતચિત્રો નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં લખાયેલા વિવાદિત લખાણો દૂર કરવા, સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે અપમાનજનક નિવેદનો બંધ કરવા સંમેલનમાં માંગ કરાઈ છે. તેમજ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા પરથી સ્વામિનારાયણ તિલક દૂર કરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા થતાં વિવાદિત નિવેદનો રોકવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.

Most Popular

To Top