National

સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કુસ્તીબાજોના આંદોલનમાંથી ખસી ગયા? શું છે હકીકત?

નવી દિલ્હી: રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે સતત વિરોધ કરી રહેલા કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ રેલ્વેમાં તેમની નોકરી પર પાછા ફરતા તેઓ કુસ્તીબાજોના આંદોલનમાંથી ખસી ગયા હોવાની ચર્ચા વહેતી થઈ છે. ત્રણેય રેલવેમાં નોકરી કરે છે. રેલવે પબ્લિક રિલેશનના ડિરેક્ટર જનરલ યોગેશ બાવેજાએ આ વાતને સમર્થન આપ્યું છે.

જોકે, સાક્ષી મલિકે કુસ્તીબાજોના આંદોલનમાંથી ખસી જવાના સમાચારને નકારી કાઢ્યા છે. સાક્ષી મલિક કહે છે કે આંદોલનની સાથે હું રેલવેમાં મારી જવાબદારી પણ નિભાવી રહી છું. આ અગાઉ રવિવારે સાંજે બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ બેઠક લગભગ 2 કલાક ચાલી હતી. અમિત શાહે કુસ્તીબાજોને તટસ્થ તપાસનું આશ્વસન આપ્યું હતું અને કાયદાને કાયદાનું કામ કરવા દેવા વિનંતી કરી હતી.

બેઠકમાં કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણની ધરપકડ કરવાની માંગ ઉઠાવી હતી. પરંતુ આ બેઠક અનિર્ણિત રહી હતી. બેઠક બાદ કુસ્તીબાજોએ કહ્યું હતું કે અમે વિરોધ માટે આગળની રણનીતિ બનાવી રહ્યા છીએ. અમે પાછળ હટીશું નહીં, અમે આગળની કાર્યવાહીનું આયોજન કરી રહ્યા છીએ.

જોકે, આજે વિનેશ, બજરંગ અને સાક્ષી રેલવેની નોકરી પર પરત ફરતા આંદોલન સમેટાઈ ગયું હોવાની ચર્ચા ઉઠી છે. દરમિયાન બ્રિજ ભૂષણ પર યૌન શોષણનો આક્ષેપ કરનાર સગીર કુસ્તીબાજે ફરિયાદ પાછી ખેંચી લીધી હોવાના દાવા પણ થઈ રહ્યાં છે. જોકે તે વાતને હજુ સમર્થન મળ્યું નથી.

વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો માંડ્યો હતો. આ કુસ્તીબાજો 23 એપ્રિલથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રેસલર્સે બ્રિજભૂષણ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા જાન્યુઆરીમાં પણ કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ સામે ધરણા કર્યા હતા. જોકે, રમત મંત્રાલયના હસ્તક્ષેપ બાદ કુસ્તીબાજો પરત ફર્યા હતા.

Most Popular

To Top