India

બિહારમાં પ્રથમ વખત ભાજપનો મુખ્યમંત્રી: સમ્રાટ ચૌધરી આજે લેશે શપથ, JDUના બે ડેપ્યુટી CM પણ જોડાશે

બિહારની રાજનીતિમાં ઐતિહાસિક ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી (BJP)નો નેતા મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યો છે. સમ્રાટ ચૌધરી આજે બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમના સાથે જનતા દળ યુનાઇટેડ (JDU)ના બે વરિષ્ઠ નેતાઓ પણ ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જેનાથી રાજ્યમાં નવી NDA સરકારનું સત્તાવાર રચન થશે.

સમ્રાટ ચૌધરીને NDA વિધાનમંડળ દળના નેતા તરીકે પસંદ કર્યા બાદ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શપથવિધિ માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સમ્રાટ ચૌધરી લાંબા સમયથી ભાજપના મહત્વપૂર્ણ OBC ચહેરા તરીકે ઓળખાતા રહ્યા છે અને તેઓ અગાઉ બિહારના ઉપમુખમંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.આ મહત્વપૂર્ણ રાજકીય બદલાવ પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામા બાદ આવ્યો છે. નીતિશ કુમારે રાજીનામું આપતા રાજ્યમાં લગભગ બે દાયકાથી ચાલતું તેમનું નેતૃત્વ સમાપ્ત થયું અને હવે બિહારમાં ભાજપ યુગની શરૂઆત માનવામાં આવી રહી છે.

સમ્રાટ ચૌધરી સાથે JDUના વરિષ્ઠ નેતાઓ વિજય ચૌધરી અને બિજેન્‍દ્ર યાદવ ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પ્રથમ તબક્કામાં માત્ર ત્રણ જ નેતાઓનો શપથવિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જ્યારે આગામી દિવસોમાં મંત્રિમંડળનો વિસ્તરણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે બિહારમાં ભાજપનો મુખ્યમંત્રી બનવો રાજ્યની રાજનીતિમાં મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. NDA ગઠબંધન દ્વારા “ડબલ એન્જિન સરકાર”ના સૂત્રને વધુ મજબૂતી આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સમ્રાટ ચૌધરીનું મુખ્યમંત્રી પદે આગમન OBC મતદારોમાં ભાજપની પકડ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં આવનારા સમયમાં નવી સરકારની નીતિઓ, રાજકીય દિશા પર દેશભરના રાજકીય વર્તુળોની નજર રહેશે.

Most Popular

To Top