SURAT

દિવાળીની સાફ સફાઇ વેળા બ્લોઅર મશીનનો કરંટ લાગતા મહિલાનું મોત

સુરત : સચિન (Sachin) વિસ્તારની નિર્મલ સોસાયટીમાં રહેતી 34 વર્ષિય એક સંતાનની માતા દિવાળીના તહેવારને (Diwali Festival) લઇ ઘરની સાફ સફાઇ કરી રહી હતી ત્યારે બ્લોઅર મશીનનો (Blower machine) કરંટ લાગતા તેણીનું મોત નિપજ્યું હતું. માતાના અકાળે મોતને પગલે માસુમ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મુળ અમરેલીના વતની અને હાલ સચિન વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલની પાછળ નિર્મલ સોસાયટીમાં રહેતા ભાવિકભાઈ બોરીસાગર રત્નકલાકાર છે. દરમિયાન રવિવારે સવારે પત્ની ધર્મિષ્ઠા દિવાળીના તહેવારને લઇ ઘરની સાફ સફાઇ કરી રહી હતી

મોત થતા પરિવારજનો ઘેરા શોકમાં ડુબી ગયા
ત્યારે ઘરના વાડામાં તેણીને બ્લોઅર મશીનનો કરંટ લાગ્યો હતો. પતિ તાત્કાલિક ધર્મિષ્ઠાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં તેણીને તબીબોએ મૃત જાહેર કરી હતી. મૃતકને સંતાનમાં સાડા ત્રણ વર્ષિય પુત્ર છે. તહેવારના સમયે જ બોરીસાગર પરિવારમાં મોત થતા પરિવારજનો ઘેરા શોકમાં ડુબી ગયા છે. બનાવ અંગે સચિન પોલીસે નોંધ લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.

ચાર મહિના પહેલા જ દુકાન શરૂ કરનાર દુકાનદારનો ઝેર પી આપઘાત
સુરત : પાલનપુર જકાતનાકા પાસે ખેતીવાડીમાં વપરાતી જંતુનાશક દવાની દુકાન ધરાવતા 24 વર્ષિય દુકાનદારે દુકાનમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જોકે દુકાનદારે ક્યા કારણોસર પગલું ભર્યું તે જાણી શકાયું નથી. બનાવ અંગે વધુ તપાસ અડાજણ પોલીસ કરી રહી છે. ચાર મહિના પહેલા જ અડાજણ પાલનપુર જકાતનાકા પાસે આવેલા સ્ટાર કોર્નરમાં એકસલન્ટ પેસ્ટ કંટ્રોલ સર્વિસના નામે ખેતીવાડીમાં વપરાતી જંતુનાશક દવાનું વેચાણ શરૂ કર્યું હતું. દરમિયાન શનિવારે સાંજના સમયે અમિત ચૌહાણે પોતાની દુકાનમાં જ ઝેરી દવા પી લીધી હતી. પાટીર્શનનો દરવાજો અંદરથી બંધ કરી અમિતે આપઘાત કરી લીધા બાદ રાત્રિના સમયે તેનો ભાઇ દુકાને પહોંચતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો.

પાંડેસરામાં દાઝેલા અઢી વર્ષિય બાળકનું ઉલ્ટીઓ થયા બાદ શ્વાસળીમાં તકલીફ થતા મોત

સુરત : પાંડેસરા વિસ્તારમાં રહેતા અઢી વર્ષિય બાળકનું ઉલટીઓ થયા બાદ શ્વાસનળીમાં તકલીફ થતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે નોંધ લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક પાંચ-છ દિવસ પહેલા ગરમ પાણીમાં હાથ નાંખી દેતા દાઝી પણ ગયો હતો.નવી સિવિલ હોસ્પિટલના સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પાંડેસરાની કર્મયોગી સોસાયટીમાં રહેતા શ્રમજીવી દિલીપ રાવનો અઢી વર્ષિય પુત્ર દિવ્યાંશુને શનિવારે મોડી સાંજે સારવાર માટે પિતા તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. દિવ્યાંશુને તાવ અને ઉલ્ટીઓ થવા લાગતા તેની તબિયત લથડી હતી અને શ્વાસનળીમાં તકલીફ ઊભી થતા તેનું મોત થયું હોવાનું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કારણ બહાર આવ્યું છે.

Most Popular

To Top