Editorial

રશિયન પ્રમુખ પુટિનની જોરતલબી: શેષ વિશ્વની લાચારી

રશિયાએ શુક્રવારે એક મોટું પગલું ભર્યું, જો કે તે ધારણા મુજબનું જ હતું. છેલ્લા કેટલાક દિવસથી ચાલતી અટકળો સાચી પડી છે અને રશિયાએ પૂર્વ યુક્રેનના ચાર પ્રદેશોને પોતાની સાથે જોડી દીધા છે. આ ચાર પ્રદેશોમાં આમ પણ રશિયા  તરફી લોકોની નોંધપાત્ર વસ્તી છે અને તેમના અનેક નેતાઓ રશિયા તરફી ઝોક ધરાવતા હતા. રશિયાએ થોડા દિવસ પહેલા જ આ પ્રદેશોમાં લોકમત લીધો હતો. આ લોકમતમાં લોકોએ પોતાનો મત આપવાનો હતો કે તેમણે યુક્રેન સાથે  રહેવું છે કે રશિયા સાથે જોડાવું છે?

આ લોકમતનું પરિણામ પોતાની તરફેણમાં આવ્યું હોવાનું રશિયાએ જાહેર કર્યુ અને તેણે અગાઉથી જાહેર કર્યું હતું તે મુજબ જ તેના લશ્કરી અને વહીવટી વડામથક ક્રેમલિનમાં એક સમારંભ યોજીને આ  પ્રદેશોને પોતાની સાથે ધરાર જોડી દીધા. રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને યુક્રેનના કબજે લેવાયેલા પ્રદેશોને પોતાની સાથે જોડી દેવા માટેની સંધિઓ પર હસ્તાક્ષર કર્યા હતા અને જણાવ્યું હતું કે રશિયા આ નવા શામેલ કરાયેલા પ્રદેશોનું  રક્ષણ ઉપલબ્ધ તમામ સાધનો વડે કરશે. દેખીતી રીતે પુટિને કહી દીધું છે કે જો આ પ્રદેશોને રશિયાથી મુક્ત કરાવવા જો પશ્ચિમી દેશો દખલગીરી કરશે તો રશિયા અણુ શસ્ત્રોનો પણ ઉપયોગ કરતા અચકાશે નહીં એમ વિશ્લેષકો કહે છે.

પૂર્વ યુક્રેનના ચાર પ્રદેશોને રશિયા સાથે જોડી દેવાયાની જાહેરાત પછી રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને યુક્રેનને શાંતિ મંત્રણાઓ માટે બેસવા માટે વિનંતી કરી હતી પરંતુ તે સાથે તરત જ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ આ પ્રદેશો પાછા  આપવા માટેની ચર્ચા કરશે નહીં, આ સાથે જ પુટિને યુક્રેન પર સાત મહિનાથી ચાલતા આક્રમણમાં એક નવો ઉશ્કેરણીનો તબક્કો ઉમેર્યો છે. ક્રેમલિનના સેન્ટ જ્યોર્જ હોલમાં એક વિધિવત સમારંભ યોજાયો હતો જેમાં યુક્રેનના ચાર પ્રદેશો  દોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસોન અને ઝાપોરીઝિઆને રશિયામાં શામેલ કરવા માટે આ પ્રદેશોના રશિયા તરફી વહીવટકારો અને પુટિન વચ્ચે સંધિ થઇ હતી અને તેમણે આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમારંભ એના ત્રણ દિવસ પછી યોજાયો  હતો.

જ્યારે આ પ્રદેશોમાં રશિયન લશ્કરી વડામથક ક્રેમલિન દ્વારા આયોજીત લોકમતની પ્રક્રિયા પુરી થઇ હતી અને લોકમતનું પરિણામ રશિયાની તરફેણમાં આવ્યું હોવાનું રશિયાએ જાહેર કર્યું હતું. જો કે યુક્રેન અને પશ્ચિમી દેશોએ આ  લોકમતને ગેરકાયદે ગણાવ્યો હતો. અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ દેખીતી રીતે ક્રેમલિન દ્વારા આયોજીત આ લોકમત ગેરકાયદે જ ગણી શકાય. કોઇ પણ પ્રદેશની પ્રજાનો લોકમત આવા મામલે લેવામાં આવે ત્યારે અન્ય તટસ્થ  દેશોના નિરીક્ષકો આ લોકમતની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે ગોઠવવામાં આવે છે.

યુક્રેનના આ ચાર પ્રદેશોમાં આવા કોઇ નિરીક્ષકો રાખવામાં આવ્યા ન હતા. આ લોકમત સંપૂર્ણપણે રશિયાના લશ્કરની દેખરેખ હેઠળ જ લેવાયો હતો. આ  પ્રદેશોની મોટા ભાગની પ્રજા રશિયા તરફી છે તેથી આ લોકમતનું પરિણામ રશિયાની તરફેણમાં આવ્યું છે તેવો પણ એક દાવો થાય છે પરંતુ આ દાવો સાચો જ છે એમ કહી શકાય તેમ નથી. રશિયન સૈનિકોએ બંદૂકની અણીએ મતદાન  કરાવ્યું હતું એવા પણ આક્ષેપો થાય છે તે નોંધપાત્ર છે. જો કે તમામ વિરોધો અને આરોપોને રશિયન પ્રમુખ ગણકારતા નથી તે કઠોર વાસ્તવિકતા છે અને પશ્ચિમી દેશો સહિતના વિશ્વના દેશો હાલ તો વિરોધ કરવા સિવાય રશિયન પ્રમુખને  કશું કરી શકતા નથી.

યુક્રેનના આ ચાર પ્રદેશોને પોતાની સાથે જોડવાની રશિયાની જાહેરાત પછી તરત જ યુરોપિયન યુનિયને પ્રતિભાવ આપ્યો હતો અને સંયુક્ત નિવેદન બહાર પાડીને રશિયાની આ જાહેરાતને ફગાવી દીધી હતી અને આ જોડાણને ગેરકાયદે  જણાવ્યું હતું. યુક્રેને પણ લડત આપવાનું ચાલુ રાખવાની પ્રતિજ્ઞા કરી છે. બીજી બાજુ પુટિને આ પ્રદેશોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવાની સાથે યુક્રેન પરના રશિયાના આક્રમણનો બચાવ કરતા કહ્યું હતું કે આ આક્રમણ રશિયાની મહાન શક્તિનો  દરજ્જો પાછો મેળવવા માટેના અને પશ્ચિમી દેશોના પ્રભુત્વને ખતમ કરવા માટેના ઐતિહાસિક મિશનના ભાગરૂપે છે.

જો આ પ્રદેશોને પાછા યુક્રેન સાથે જોડવાનો પ્રયાસ થશે તો રશિયા અણુ શસ્ત્રોનો પણ ઉપયોગ કરી શકે છે તેવી ગર્ભિત ધમકી તો પુટિને આપી જ દીધી છે. બીજી બાજુ, યુક્રેને નાટો સંગઠનમાં જોડાવા માટેના પોતાના પ્રયાસો ફરીથી વેગીલા બનાવ્યા છે. તેને જો નાટોમાં સમાવશે તો ફરી રશિયા ધમપછાડા કરશે અને સામસામા હાકોટા પડકારા  થશે. પુટિન સામે ઘરઆંગણે પણ યુદ્ધ અંગે ઘણો વિરોધ છે તે અનેક વખત સ્પષ્ટ થઇ ચુકયું છે પણ પુટિન પોતાની પ્રજાના વિરોધને પણ ગણકારતા નથી. હાલ તો પુટિન અને તેમની ટેકેદાર ટોળકી કોઇને ગણકારતી નથી.

Most Popular

To Top