Dakshin Gujarat Main

જંબુસરમાં બાઇક પર આવેલા 3 બુકાનીધારીએ આંગડિયાના કર્મચારીને લૂંટી લીધો, CCTV આવ્યા સામે

ભરૂચ: ભરૂચના (Bharuch) જંબુસરના (Jambusar) મુખ્ય બજારમાં ધોળે દિવસે લૂંટની (Robbery) ઘટના બનતા સનસનાટી મચી ગઈ છે. બાઈક પર આવેલા ત્રણ બુકાનીધારીઓએ આંગડીયા પેઢીના કર્મચારીની 11 લાખ ભરેલી બેગ લૂંટી નાસી છૂટ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

  • મુખ્ય બજારમાં જ એચ.રમેશચંદ્ર પેઢીના કર્મી પાસે બેગમાં રહેલા 3 લાખ રોકડા અને 15 તોલા સોનાની ધોળે દહાડે લૂંટ
  • વડોદરાથી જંબુસર આવેલા કર્મચારીને છરાની અણીએ લૂંટનાર ત્રણ પૈકી એક લૂંટારું ઝબ્બે

ભરૂચ તાલુકાના જંબુસર ટાઉનમાં ગુરૂવારે ધોળે દહાડે પલ્સર બાઇક પર આવેલા 3 લૂંટારુઓએ ભરચક બજારમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલ ૧૫ તોલા સોનું અને રૂ. ૩ લાખ રોકડાની દિલધડક લૂંટ ચલાવતા જિલ્લા પોલીસ એલર્ટ થઈ ગયા હતા.

જંબુસર નગરમાં બજારમાં મદ્રેસ એ પંજતનની સામે એચ. રમેશચંદ્ર આંગડિયા પેઢી આવેલી છે. જેનો કર્મચારી ગુરૂવારે વડોદરાથી જંબુસર બેગ લઈ આવ્યો હતો. આંગડિયા પેઢીની ગલીમાં બજારમાં કર્મચારી રાકેશ પ્રજાપતિ પ્રવેશતા જ તેની પાછળ કાળા રંગનું પલ્સર બાઇક લઈ 3 બુકાનીધારીઓ આવ્યા હતા.

બે બુકાનીધારીઓએ છરાની અણીએ કર્મચારી પાસે રહેલ 15તોલા સોનું અને 3 લાખ રોકડા રહેલ બેગ લૂંટી લીધી હતી. એક મહિલા અને આંગડિયા કર્મીએ આ લૂંટારુંઓને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો પણ તેઓ પલ્સર પર ભાગી છૂટ્યા હતા. અંદાજે ૧૧ લાખ ઉપરાંતની આંગડિયા લૂંટની જાણ થતાં જંબુસર પોલીસ સ્થળ પર દોડી આવવા સાથે જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ થઈ તુરંત નાકાબંધી, સર્ચ હાથ ધર્યું હતું.

લૂંટારુંઓ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. દરમિયાન નબીપુર નજીકથી એક લૂંટારુંને પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે આ અંગે જિલ્લા પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજ્યા બાદ તેની સત્તાવાર હકીકતો બહાર આવશે એમ મનાઈ રહ્યું છે.

Most Popular

To Top