Dakshin Gujarat

કીમ: પગ લપસતાં યુવક પાણીના પ્રવાહમાં તણાયો અને મોટા નાળામાં ફસાયો, પછી થયું આવું..

હથોડા: (Hathoda) મોટા બોરસરા ગામની ભાગોળેથી પસાર થતી કીમ નદીના (River) લો લેવલ સૂપડી પરથી પસાર થઈ રહેલા 35 વર્ષના અજાણ્યા યુવાનનો પગ લપસતાં તે પાણીના (Water) પ્રવાહમાં તણાઈને સૂપડી નીચેના મોટા નાળામાં ફસાઈ ગયો હતો. જે દૃશ્ય નદી કિનારે ઊભેલા વ્યક્તિઓએ જોતાં મોટા બોરસરાના ગામવાસીઓ (Villagers) ઘટના સ્થળે દોડી આવીને દોરડા નાંખી મથામણ કરી તેને જીવતો બહાર કાઢ્યો હતો.

  • મોટા બોરસરા નજીક નદીના વહેણના નાળામાં ફસાયેલા યુવાનને બચાવાયો
  • સૂપડી પરથી પસાર થતી વેળા પગ લપસતાં પાણીના પ્રવાહમાં તણાયો હતો

ઘટનાની વિગત એવી છે કે, મોટા બોરસરા ઓવારા નજીકની સૂપડી પરથી 35 વર્ષનો યુવાન પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક સૂપડી પરથી પગ લપસતાં તે નદીના ધસમસતા પાણીમાં પડી ગયો હતો અને ભૂંગળામાં ફસાઈ ગયો હતો. જેને મોટા બોરસરાના સમાજસેવકોએ પોતાના જીવની પરવા કર્યા વિના જોખમ ખેડી પાણીમાં ધસી જઈ ઉગારી લીધો હતો. આ યુવાન નજીકના પાનસરા ગામનો વતની હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે જાણવા મળ્યું છે કે તે ગભરાઈ ગયો હોવાથી નામઠામ જાણવા મળ્યું નથી.

ઉછાલી બ્રિજ ઉપર ગાબડું પડતાં અકસ્માતનો ભય
અંકલેશ્વર: અંકલેશ્વર-રાજપીપળાને જોડતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉછાલી બ્રિજ પર મસમોટું ગાબડું પડતાં મોટી દુર્ઘટનાનું જોખમ તોળાઈ રહ્યું છે. અંકલેશ્વર અને રાજપીપળાને જોડતા એકમાત્ર રસ્તા પર વાહનચાલકો માટે ખતરો ઊભો થયો છે.

  • ઉછાલી બ્રિજ ઉપર ગાબડું પડતાં અકસ્માતનો ભય
  • બાજુમાં નવા બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલતાં વાહનચાલકોએ જોખમી બ્રિજ પરથી પસાર થવાની નોબત

સ્ટેચ્યુ ઓફ યુનિટીને સાંકળતા આ માર્ગ પર ઉછાલી બ્રિજ અત્યંત જોખમી બની ગયો છે. ઉછાલીના જર્જરિત બ્રિજ પર આરપાર દેખાતું ગાબડું પડતાં ગમે ત્યારે હોનારત સર્જવાનો ભય ઊભો થયો છે. જોખમી બ્રિજ પરથી ભારે અને હલકાં વાહનો સતત પસાર થઈ રહ્યાં હોય ત્યારે દુર્ઘટના સર્જાય એ પહેલાં તંત્ર દ્વારા તાકીદનાં પગલાં લેવાય એ જરૂરી બન્યું છે. જૂના જર્જરિત બ્રિજની બાજુમાં નવો બ્રિજ બની રહ્યો છે. જો કે, નવા બ્રિજનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતાં વાહનચાલકો રાજપીપળાથી અંકલેશ્વર અવરજવર માટે આ જોખમી બ્રિજનો ઉપયોગ કરી રહ્યાં છે.

Most Popular

To Top