Sports

વિરાટ-રોહિતની T20માં કેરિયર ખત્મ?: રોહિતના નિવેદન બાદ BCCI તરફથી આવ્યું મોટું અપડેટ

નવી દિલ્હી: ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલીને (Virat Kohli) હવે T20 ટીમમાં સ્થાન નહીં મળે તેવી માહિતી બહાર આવી છે. T20માંથી નિવૃત્તિ લેવાનો હાલ કોઈ ઈરાદો નહીં હોવાના રોહિત શર્માના નિવેદન બાદ આ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI) સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ આ બંને ખેલાડીઓની T20 ટીમમાં પસંદગી નહીં કરવાનું મન BCCI એ બનાવ્યું છે. આ મામલે ટૂંક સમયમાં બંને ખેલાડીઓ સાથે BCCI વાત કરશે. BCCI હવે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં યુવાન ખેલાડીઓને T20માં રમાડવા ઈચ્છે છે. આ સમાચાર રોહિત શર્માના નિવેદન પછી આવ્યા છે, ગુવાહાટીમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડે પહેલા રોહિત શર્માએ કહ્યું હતું કે, તેણે T20ની કેપ્ટનશીપ છોડી નથી અને હાલ T20માંથી નિવૃત્તિ લેવાનો તેનો કોઈ ઈરાદો નથી.

  • T20માં નિવૃત્તિ લેવાનો ઈરાદો નહીં હોવાના રોહિતના નિવેદન બાદ BCCI તરફથી આવ્યું મોટું અપડેટ
  • ટીમ મેનેજમેન્ટ વિરાટ અને રોહિત અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે
  • હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં T20 વર્લ્ડકપ 2024 માટે યુવા ટીમ તૈયાર કરવાની બોર્ડની ઈચ્છા

એક અહેવાલ મુજબ, BCCIના સૂત્રોનું કહેવું છે કે ટીમ મેનેજમેન્ટ T20 ટીમમાં પસંદગીને લઈને વર્તમાન કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે થોડા દિવસોમાં વાત કરવામાં આવશે. બોર્ડ ઈચ્છે છે કે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં યુવા ટીમ તૈયાર કરવામાં આવે, જે ટી20 વર્લ્ડ કપ 2024માં ભાગ લેશે. આ માટે જરૂરી છે કે ટૂર્નામેન્ટની તૈયારી અત્યારથી જ શરૂ થઈ જાય. હાર્દિકને લાંબા ગાળાના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ચેતન શર્માની આગેવાની હેઠળની નવી BCCI પસંદગી સમિતિ વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે તેમના T20 ભવિષ્ય વિશે વાતચીત કરે તેવી શક્યતા છે. સૂત્રોએ કહ્યું કે, આ સ્ટાર ખેલાડીઓએ પોતાને T20માં પસંદગી માટે ઉપલબ્ધ કરાવ્યા છે. પરંતુ બોર્ડ તેઓની પસંદગી કરવા ઈચ્છુક નથી.

શ્રીલંકા સામે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો
તાજેતરમાં શ્રીલંકા સામે સમાપ્ત થયેલી ત્રણ મેચની T20 શ્રેણીમાં હાર્દિક પંડ્યાને ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, ત્યારે જ એવી અટકળો શરૂ થઈ હતી કે T20માં રોહિતની કેપ્ટનશીપ છીનવાઈ શકે છે. રોહિત સિવાય વિરાટ કોહલી પણ આ સિરીઝમાં ટીમનો ભાગ નહોતો. તેથી તેના સ્થાન પર પણ જોખમ હોવાની ચર્ચા વહેતી થઈ હતી.

વિરાટ અને રોહિતના T20માં અનેક રેકોર્ડ છે
રોહિત શર્માએ જૂન 2007માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું, તે જ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં રોહિત તેની પ્રથમ T20 મેચ રમ્યો હતો. જ્યારે વિરાટ કોહલી ઓગસ્ટ 2008માં શ્રીલંકા સામે ડેબ્યુ કરી જૂન 2010માં પહેલી T20 મેચ રમ્યો હતો. બંને ખેલાડીઓએ T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું છે પરંતુ જીત મેળવી શક્યા નથી. વિરાટ 115 T20 મેચોમાં 52.73ની સરેરાશથી 4008 રન સાથે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. રોહિત શર્માએ 148 T20 મેચમાં 31.32ની સરેરાશથી 3853 રન સાથે આ યાદીમાં બીજા સ્થાને છે.

રોહિત શર્માએ કહ્યું હતું, મેં T20ની કેપ્ટનશીપ છોડી નથી
ગુવાહાટીમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડેની પૂર્વસંધ્યાએ રોહિત શર્માએ કહ્યું હતું કે તેણે હજુ સુધી T20 ટીમનું સુકાની પદ છોડ્યું નથી. તેણે કહ્યું હતું અમારી પાસે માત્ર 6 ટી-20 છે, જ્યારે ત્રણ પૂરી થઈ ગઈ છે. વર્કલોડ મેનેજમેન્ટ પર ફોકસ રહેશે. જો તમે શેડ્યૂલ પર નજર નાખો, તો બેક-ટુ-બેક મેચો હતી, તેથી અમે કેટલાક ખેલાડીઓના વર્કલોડને જોતા નિર્ણય કર્યો, અમે ખાતરી કરવા માગીએ છીએ કે ખેલાડીઓને પૂરતો આરામ મળે. આ યાદીમાં મારો પણ સમાવેશ થયો છે.

Most Popular

To Top