સુરત શહેરની સીમા ઘણી બ્હોળી થઈ છે અને જે વિસ્તાર ગઈ કાલ સુધી પોશ વિસ્તાર ગણાતો હતો, જે ગઈ કાલ સુધી શાંત અને ભદ્ર વિસ્તાર ગણાતો હતો, જ્યાં રહેવું એ એક ગૌરવ ગણાતું હતું તેવા શહેરની અંદરના જ બે ચાર વિસ્તાર આજે વ્યાપાર વિકાસ અને ખાણી પીણીનાં સ્થળો અને વ્યાપારી સંકુલોથી ભર્યાંભર્યાં છે અને આવા વિસ્તારમાં આવેલી વસાહતો સોસાયટીઓનાં રહીશો ત્રાહિમામ્ પોકારી ગયાં છે. વળી કેટલીક સોસાયટીઓ તો ૫૦, ૫૧ વર્ષ જૂની હોવાથી, ભલે તે મકાનો અત્યારે રહેવાલાયક બળે બળે ગણાતાં હોય, છતાં તે વારંવાર રીપેરીંગને કારણે જ છે તે સત્ય સ્વીકારવું રહ્યું અને હજી પણ રીપેરીંગ તો સમય સમયે ચાલુ જ રહે છે અને રહેશે.
હવે આવી સોસાયટીનાં સભ્યોની એક નિવારી શકાય તેવી મુશ્કેલી એવી છે કે જ્યાં ૮૦ થી ૯૦ ટકા મકાનધારકો અને રહેવાસીઓ ઈચ્છે છે કે હવે આ વિસ્તારમાં રહી શકાય તેમ નથી અને વિકસતા સુરતના અન્ય વિસ્તારોમાં રહેવા જવું તે સમયનો તકાદો છે અને આવી સોસાયટીઓ કોઈ બિલ્ડર પોતાનું વ્યાપારી સંકુલ બાંધવા સોસાયટીનાં રહેશોને અધિકૃત રીતે સારો ભાવ આપવા તૈયાર હોય ત્યારે ફક્ત ત્રણ ચાર રહીશોના વિરોધને કારણે બાકીનાં ૯૦ ટકા રહેશોનું કાર્ય ખોરંભે ચઢે છે, કારણ ફક્ત ને ફક્ત એક જ છે કે જેમ રીડેવેલોપમેન્ટ માટે સરકારી કાનૂની જોગવાઈ છે કે ૭૫% માલિકો/રહીશો તૈયાર હોય તો તે કાર્ય કોઈ અટકાવી શકતું નથી.
તેમ કોઈ પણ વસાહત કે સોસાયટીનું જો આઉટ રાઈટ વેચાણની સારી ઓફર હોય અને જો જ્યાં પેમેન્ટ અધિકૃત રીતે મળતું હોય એટલે કે તમામ રકમ ચેકથી જ મળતી હોય તો એવા કિસ્સાઓમાં પણ ૭૫%નો કાયદો હોવો જ જોઇએ અને જેઓ વિરોધીઓ છે તેમને કોઈ અદાલતે રક્ષણ આપવું ન જોઈએ, કારણ બે ચાર અનિચ્છાવાળાં રહીશોને કારણે ૯૦% પરિવારો દુઃખી થાય તે અને ૯૦% નો વિકાસ રૂંધાય તે ન્યાયી કઈ રીતે ગણાય. ગુજરાત સરકારશ્રીને મારી નમ્ર વિનંતિ છે કે આ અત્યંત વ્યાજબી પ્રશ્ન માટે કોઈ જરૂરી કાયદો ત્વરિત બનાવી અમલમાં મૂકે. આ પ્રકારનો પ્રશ્ન જ્યાં જ્યાં અવરોધ સર્જાતો હોય તેવી દરેક સોસાયટીએ સરકારશ્રીને રજૂઆત કરવી જોઇએ.
સુરત – રાજેન્દ્ર કર્ણિક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.