National

લો બોલો, ભારતીય ક્રિકેટ ટીમમાં કોરોનાની રીએન્ટ્રી: ટીમના મુખ્ય કોચનો ટેસ્ટ પોઝિટવ આવ્યો

લંડન : ઇંગ્લેન્ડ (England) સામે અહીંના ઓવલ મેદાન પર રમાઇ રહેલી ચોથી ટેસ્ટ (test match)ના ચોથા દિવસની રમત શરૂ થવાના થોડા સમય પહેલા જ ભારતીય ટીમ (Indian cricket team)ના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (main coach ravi shastri)નો કોરોના ટેસ્ટ પોઝિટવ (corona positive) આવ્યો હતો અને તેના કારણે તેમની સાથે સંપર્કમાં રહેલા સપોર્ટ સ્ટાફના ત્રણ સભ્યોએ પણ આઇસોલેટ (Isolate) થઇ જવાની ફરજ પડી હતી.

બીસીસીઆઇ (BCCI)એ રવિવારે આ વાત જાહેર કરી હતી પણ સાથે જ એવી ખાતરી પણ ઉચ્ચારી હતી કે હાલ ચાલી રહેલી ચોથી ટેસ્ટ પર તેના કારણે કોઇ જોખમ નથી. 59 વર્ષિય શાસ્ત્રી લેટરલ ફ્લો ટેસ્ટ (રેપિડ એન્ટિજેન ટેસ્ટ)માં પોઝિટિવ આવ્યા પછી હવે તેમનો અને અન્ય સાથીઓનો આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ ક્લિયર નહીં થાય ત્યાં સુધી તેમણે આઇસોલેટ રહેવું પડશે. શાસ્ત્રીની સાથે બોલિંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડીંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયોથેરાપિસ્ટ નીતિન પટેલને આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાયો છે અને તેઓ તમામ ટીમ હોટલમાં રહેશે અને ટીમ ઇન્ડિયાની સાથે તેઓ ત્યાં સુધી પ્રવાસ નહીં કરે જ્યાં સુધી મેડિકલ ટીમ તેમને ક્લિયર નહીં કરે.

ભારતીય ટીમના બાકીના સભ્યોના ગઇકાલે રાત્રે અને એક આજે સવારે એમ બે ટેસ્ટ કરવામાં આવ્યા અને તમામનો એ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તેના કારણે ઓવલમાં રમાતી ચોથી ટેસ્ટના ચોથા દિવસની રમતને આગળ ધપાવવાને મંજૂરી મળી છે. બીસીસીઆઇના સચિવ જય શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બીસીસીઆઇની મેડિકલ ટીમે ગઇકાલે સાંજે શાસ્ત્રીનો લેટરલ ફ્લો ટેસ્ટ પોઝિટવ મળ્યા પછી અગમચેતીના કારણોસર મુખ્ય કોચની સાથે બોલિંગ કોચ અરૂણ, ફિલ્ડીંગ કોચ શ્રીધર અને મુખ્ય ફિઝિયો નીતિન પટેલને આઇસોલેશન પર મોકલી દીધા છે. ભારતીય ટીમ મંગળવારે માન્ચેસ્ટર જવા રવાના થશે અને જો આ ચારેયના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવશે તો તેઓ ટીમ સાથે જઇ શકશે અથવા તો તેમણે 10 દિવસનો આઇસોલેશન પીરિયડ પુરો કરવો પડશે. તે પછી બે આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી જ તેઓ ટીમ સાથે જોડાઇ શકશે.

શાસ્ત્રીનો જેમાં પોઝિટિવ આવ્યો તે લેટરર ફ્લો ટેસ્ટના પરિણામ એટલા સચોટ નથી હોતા
ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી જે ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે તે લેટરલ ફ્લો ટેસ્ટના રિઝલ્ટ એટલા સચોટ નથી હોતા કારણકે તે એક જાતના રેપિડ એન્ટીજન ટેસ્ટ જ હોય છે. ભારતીય ટીમના તમામ સભ્યોને જાતે જ પોતાનો ટેસ્ટ કરવા માટે તેની કિટ આપવામાં આવી છે. ઋષભ પંતને કોરોના થયા પછી ટીમના દરેક સભ્યએ દરરોજ લેટરલ ફ્લો ટેસ્ટ કરવો પડે છે.

રવિ શાસ્ત્રીને ટીમ હોટલમાં યોજાયેલા બુક લોન્ચ કાર્યક્રમ પછી હળવા લક્ષણ અનુભવાયા હતા
ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને ટીમ હોટલમાં જ યોજાયેલા એક બુક લોન્ચીંગ કાર્યક્રમમાં સામેલ થયા પછી આ બિમારીના થોડા લક્ષણ અનુભવાયા હતા. આ કાર્યક્રમમાં બહારના મહેમાનોને આવવાની મંજૂરી હતી. બીસીસીઆઇના સૂત્રએ કહ્યું હતું કે બ્રિટનમાં કોઇ પ્રતિબંધ નથી અને આ કાર્યક્રમમાં બહારથી પણ મહેમાનો આવ્યા હતા, ત્યાંથી શાસ્ત્રીને આ બિમારી વળગી હોવાની સંભાવના છે.

Most Popular

To Top