Sports

ઈરાની કપ માટે રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ જાહેર : હનુમા વિહારી કેપ્ટન

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ (All India Senior Selection Committee) બુધવારે રણજી ટ્રોફી (Ranji Trophy) ચેમ્પિયન સૌરાષ્ટ્ર (Saurashtra) સામેની ઈરાની કપ 2022ની મેચ માટે ભારતના ટેસ્ટ નિષ્ણાત બેટ્સમેન હનુમા વિહારીના નેતૃત્વમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાની 16 સભ્યોની ટીમની (Team) જાહેરાત કરી હતી. રણજી ટ્રોફી 2019-20ની ચેમ્પિયન સૌરાષ્ટ્ર સામેની આ મેચ 1 થી 5 ઓક્ટોબર દરમિયાન રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. 2019-20માં સૌરાષ્ટ્ર રણજી ચેમ્પિયન બન્યા બાદ કોરોનાના (Corona) લોકડાઉનને (Lockdown) કારણે આ મેચ (Match) રમાઈ શકી ન હતી.

  • કોરોનાના કારણે છેલ્લી બે સિઝનથી ન રમાયેલી ઇરાની ટ્રોફી ત્રણ વર્ષ પછી યોજાશે
  • 2019-20માં રણજી ચેમ્પિયન બનેલી સૌરાષ્ટ્રની ટીમ સામે રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ રમશે
  • કેએસ ભરત અને ઉપેન્દ્ર યાદવને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા

ટૂર્નામેન્ટ ત્રણ વર્ષ પછી પાછી ફરી રહી છે, જેની બે સીઝન રોગચાળાને કારણે રદ કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સચિવ જય શાહ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વિહારી ઉપરાંત, ટીમમાં મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, અભિમન્યુ ઇશ્વરન, યશ ધૂલ, સરફરાઝ ખાન, યશસ્વી જયસ્વાલના રૂપમાં અનુભવી અને યુવા બેટ્સમેનોનું સારું મિશ્રણ છે.

કેએસ ભરત અને ઉપેન્દ્ર યાદવને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સ્પિન વિભાગમાં જયંત યાદવ, સૌરભ કુમાર અને અરસાઈ કિશોર પર ફોકસ રહેશે, જ્યારે મુકેશ કુમાર, ઉમરાન મલિક, કુલદીપ સેન અને અર્જન નગવાસવાલને ઝડપી બોલર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ઇરાની ટ્રોફી માટેની રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ : હનુમા વિહારી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, અભિમન્યુ ઈસ્વારન, યશ ધૂલ, સરફરાઝ ખાન, યશસ્વી જયસ્વાલ, કેએસ ભરત, ઉપેન્દ્ર યાદવ, જયંત યાદવ, સૌરભ કુમાર, આર સાઈ કિશોર, મુકેશ કુમાર, ઉમરાન મલિક, કુલદીપ સેન અને અર્જન નગવાસવાલા.

Most Popular

To Top