Sports

રણજી ટ્રોફી: જયદેવ ઉનડકટે ભારતીય ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, મેચની પહેલી જ ઓવરમાં હેટ્રિક

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સાથે સ્થાનિક ક્રિકેટમાં (Cricket) પણ ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે. આવું જ કંઈક રણજી ટ્રોફી 2022-23ની (Ranji Trophy 2022-23) મેચમાં (Match) જોવા મળ્યું હતું જ્યારે સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચેની મેચની પહેલી જ ઓવરમાં એક ખેલાડીએ હેટ્રિક (Hat-trick) લીધી હતી. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે (Jaydev Undakat) ડોમેસ્ટિક ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે.

સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટે આ મેચમાં ધમાલ મચાવી છે. ઉનડકટે દિલ્હીની ટીમ સામે શરૂઆત કરતાની સાથે જ વિકેટો ઝડપી લીધી હતી. તેણે મેચની પહેલી જ ઓવરમાં હેટ્રિક વિકેટ લઈને દિલ્હીની ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. મેચમાં દિલ્હીની ટીમે મંગળવારે (3 જાન્યુઆરી) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરવાનો દિલ્હીની ટીમનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો, જ્યારે સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે પહેલી જ ઓવરમાં હેટ્રિક ફટકારી હતી.

ઉનડકટ રણજી ટ્રોફીના ઈતિહાસમાં પ્રથમ બોલર બન્યો
31 વર્ષીય ઉનડકટે મેચની પ્રથમ ઓવર કરી અને ત્રીજા બોલ પર ધ્રુવ શોરીના રૂપમાં પ્રથમ વિકેટ લીધી. જે બાદ સતત બે બોલમાં વૈભવ રાવલ અને કેપ્ટન યશ ધુલનો શિકાર થયો હતો. ત્રણેય ખાતુ પણ ખોલાવી શક્યા ન હતા. આ હેટ્રિક પછી, દિલ્હીની ટીમ સંપૂર્ણપણે ક્ષીણ થઈ ગઈ હતી અને 53 રન પર પહોંચતી વખતે તેણે તેની 8 વિકેટ ગુમાવી દીધી હતી. આ સ્કોર સુધી જયદેવ ઉનડકટે 9 ઓવરમાં 29 રન આપીને સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી. આ હેટ્રિક સાથે ઉનડકટે ઈતિહાસે રચ્યા છે. તે રણજી ટ્રોફીના ઈતિહાસમાં મેચની પહેલી જ ઓવરમાં હેટ્રિક લેનાર એકમાત્ર બોલર બની ગયો છે.

12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં તક
જયદેવ ઉનડકટ તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો. ઉનડકટને શ્રેણીની બીજી મેચમાં રમવાની તક પણ મળી હતી, જ્યાં તેણે તેની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ કારકિર્દીની પ્રથમ વિકેટ પણ લીધી હતી. બંને ઇનિંગ્સ સહિત તેણે ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. ઉનડકટની કપ્તાની હેઠળ, તેની ટીમ સૌરાષ્ટ્રે તાજેતરમાં વિજય હજારે ટ્રોફી પણ જીતી હતી. ઉનડકટ એક ખેલાડીની સાથે સાથે કેપ્ટન તરીકે પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરનાર ઉનડકટ વર્ષ 2013માં ભારત માટે છેલ્લી વનડે રમ્યો હતો. ઓડીઆઈ ટીમમાં પુનરાગમન માટે જોઈ રહેલો આ ખેલાડી દરરોજ પોતાના પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. તે પહેલા ઉનડકટ પાસે પોતાને સાબિત કરવાની સારી તક છે.

Most Popular

To Top