Columns

રંગપર્વ હોળી-ધુળેટી

સનાતની પરંપરાગત ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વતા ધરાવતો લોકપ્રિય મહોત્સવ હોળી-ધુળેટીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. હોળી આજે પ્રગટાવાશે પણ ધુળેટી વિશે લોકોમાં આ વખતે મતમતાંતર જોવા મળે છે. મંગળવારે કે બુધવારે ધુળેટીનો તહેવાર ઉજવવો એ હજુ અસમંજસ છે. જો કે તિથિવૃધ્ધિને કારણે બુધવારે ધુળેટીની જાહેર રજા છે એટલે લોકોને ધુળેટી ઉત્સવની મજા બે દિવસ માણવા મળશે. આપણા નાના-મોટા સૌને ગમતીલા તહેવારોમાંનો એક આ રંગોત્સવ પણ છે. પ્રહલાદ અને હોલિકાની કથા સાથે જોડાયેલ આ ધાર્મિક પર્વને અવસરે રાધા-ક્રિષ્નાની રંગે રમતી તસ્વીરો નજર સમક્ષ આવી જ જાય. બાળકો અને યુવાઓ તો આ રંગપર્વની ભારે ઉત્સુક્તાથી રાહ જોતા હોય છે. આનંદ-ઉત્સવના આ પર્વનું વાતાવરણ તો ગામ-શહેરોની બજારમાં 15-20 દિવસ અગાઉથી દેખાવા લાગે છે. જાત-જાતની પીચકારીઓ, રંગો, ખજૂર, દાળિયા, ધાણીઓના એકસ્ટ્રા કાઉન્ટરો દુકાનોની બહાર નાખીને વેપારીઓ જ તેમને જણાવી દે છે કે રંગપર્વનું આગમન થઈ રહ્યું છે.

વાચકમિત્રો, આજે હોળી પ્રગટાવાશે તેના માટેની તૈયારીઓમાં છાણા-લાકડા એકઠા કરવાનું જે તે શેરી-મહોલ્લાના મંડળો કાર્યરત થઈ ગયા છે પણ જો છાણા-લાકડાની ખરીદી બાકી હોય તો પર્યાવરણને ધ્યાનમાં રાખી આજે જે વૈદિક હોળીનો ટ્રેન્ડ શરૂ થયો છે તે ખૂબ જ ઉપકારક છે. દેશના મોટા ભાગના શહેરો ગાયના ગોબરમાંથી બનતા છાણા અને ગૌ-સ્ટીકનો ઉપયોગ હોળી પ્રગટાવવા માટે કરી રહ્યાં છે. જે હજારો ટન લાકડાને રાખ થતું બચાવે છે. ઉપરાંત આવા ગાયના ગોબરમાંથી છાણા કે ગૌ-સ્ટીક બનાવતી ગૌશાળાને આર્થિક રીતે સહયોગ પણ મળી રહે છે તો લાકડા-છાણાને બદલે શહેરની ગૌશાળામાંથી ગૌ-સ્ટીકની ખરીદી કરીને આ વખતે વૈદિક હોળી પ્રગટાવજો.

શહેરની લગભગ બધી જ ગૌશાળાઓ હવે ગૌ-સ્ટીક એટલે કે ગોબરને પ્રોસેસ કરીને લાકડા સ્વરૂપે બનાવતી થઈ છે છતાં તમે આવી કોઈ ગૌશાળાથી અજાણ હોય તો ગૌસેવક મનીષભાઈ ગાલાણી (9727917427) તથા ભરતભાઈ ગાલાણી (97277 17427) નો સંપર્ક કરી સહયોગ મેળવી શકો છો. ધાર્મિક મહત્ત્વતાની સાથે પ્રગટાવાતી હોળીમાં ગૌ-સ્ટીક કે ગાયના ગોબરના છાણા વાપરીએ ત્યારે એક સાથે પ્રગટેલી હજારો હોળીથી વાતાવરણમાં રહેલા કરોડો દૂષિત બેકટેરિયા નષ્ટ થાય છે, તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે.

હોળી-ધુળેટીના રંગપર્વની ઉજવણીનું ધ્યેય એક હોય શકે છે પણ પ્રાંત મુજબ બધે વિવિધતા જરૂર જોવા મળે છે. જો કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોની હોળી-ધુળેટીની પારંપારિક ઉજવણીમાં બહુ ફેર નથી દેખાતો પણ ધુળેટીને ધૂલેંડી તરીકે ઉજવતા હરિયાણા-દિલ્હીમાં દિયર-ભાભીની મજાકમસ્તી સાથે રંગોથી રમવાનો ઉત્સવ મનાય છે. બંગાળમાં આ સમયે દોલજાત્રા ઉત્સવ મનાવાય છે. ચૈતન્ય મહાપ્રભુના જન્મદિવસની ખુશાલીમાં મહિલાઓ લાલ કિનારીવાળી સફેદ સાડીઓ પહેરી શંખ વગાડી રાધા-કૃષ્ણની પૂજા સાથે જુલૂસ સ્વરૂપે નીકળી વાજિંત્રો સાથે કિર્તન કરે છે. ગોવાના કોંકણી ભાષામાં હોળીને શિમગો કહે છે.

આ તહેવારોમાં રંગોની રંગત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજે છે. ઉત્તરાખંડમાં કુમાઉ મંડળોમાં રાગોની હોળી કહે છે, જેને બૈઠકી હોલી પણ કહે છે જેમાં શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતની સંગતમાં હોળીના ગીતો ગાવાની બેઠકો યોજે છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના માછી લોકો રંગપંચમીના દિવસે રંગે રમવાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવે છે. જ્યારે મણિપુર રાજ્યના યાઓસાંગ શહેરમાં હોળીના તહેવારો દરમ્યાન યોગ સાંગ ફેસ્ટીવલ ઉજવે છે. છ દિવસ ચાલતા આ મહોત્સવમાં છોકરા-છોકરીઓ હાથમાં હાથ મેળવીને થબલ ચૈંગબા નૃત્ય કરે છે. ઉપરાંત વિશિષ્ટ પ્રકારના ચર્મવાદ્યોના તાલે નાચતા-ગાતા લોકો રાજધાની ઈમ્ફાલથી 3 kmના અંતરે આવેલ કૃષ્ણમંદિર સુધી કૃષ્ણની પ્રતિમા સાથેની યાત્રા કાઢે છે.

સૌથી રસપ્રદ હોળી ઉત્તરપ્રદેશના બરસાનાની લઠ્ઠમાર હોળી વિશ્વવિખ્યાત બની છે. જેમાં સ્ત્રીઓ લાકડી અને કપડાના દોરડાથી પુરુષો પર વાર કરતી હોય છે અને પુરુષો ચામડાની ઢાલથી આત્મરક્ષણ કરતા હોય છે. દર્શકો રંગો ઉડાડીને વાતાવરણને રંગીન બનાવતા હોય છે ત્યારે આવા મોહક દૃશ્યોને કેમેરામાં કંડારવા દેશ-વિદેશના ફોટોગ્રાફરો બરસાના આવતા હોય છે. લઠ્ઠમાર હોળી સાથે રંગોની અને ફૂલોની હોળી અહીં આજુબાજુના ગોકુળ, મથુરા, વૃંદાવનમાં પણ જોવા મળે છે અને આ ઉત્સવ તો હોળીના અઠવાડિયા અગાઉથી પ્રારંભ થઈ જતો હોય છે.

મધ્યપ્રદેશના માલવા સંચાલનના આદિવાસી લોકો હોળી દરમ્યાન ભગોરીયા નામનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવે છે તો બિહારમાં પણ ફગૂઆ તરીકે ઓળખાતા રંગોત્સવમાં ભોજપુરી ભાષાના હોળીના ગીતો સાથે નાચી-કૂદીને હોળીના રંગો ઉડાડવા સાથે ખૂબ આનંદ માણે છે. આપણા દ.ગુજરાતના ધરમપુર, કપરાડા વિસ્તારના કુંકણા, વારલી, ધોડિયા, નાયકા જેવા આદિવાસી સમાજના લોકો પણ દુ:ખ, દર્દ ભૂલીને નાચવા-ગાવા સાથે હોળીને જબરજસ્ત રીતે મનાવે છે.

19મી સદીના ઉત્તરાર્ધમાં અને 20મી સદીના પૂર્વાર્ધમાં ભારતીય લોકો મજૂરી કરવા કેરેબિયન દેશોમાં ગયા હતા. દરમ્યાન ગુઆના, સુરિનામ અને ત્રિનિદાદ જેવાં શહેરોમાં મોટી સંખ્યામાં ભારતીયો છે. આ દેશોમાં 33% જેટલી વસ્તી ભારતીયોની છે તેથી સ્વાભાવિક જ ભારતીય પારંપારિક ઉત્સવો ત્યાં ઉજવાતા જ હોય. અહીંના કેટલાયે હિન્દુ સંગઠનો હોળીના તહેવારોની ઉજવણીના આયોજન કરતા જ હોય છે. એ મુજબ જ્યાં જ્યાં ભારતીયો વસેલા છે ત્યાં હિન્દુઓ હોળીની ઉજવણી ધામધૂમથી કરે છે.

હોળી-ધુળેટી એ રંગોનું પર્વ છે પણ ઉત્સવોમાં દૂષણ પ્રવેશે છે ત્યારે વિવિધ પ્રકારે નુકસાનકારક હોય છે. જાત-જાતના પાકા રંગો એકબીજાને લગાવવાનું દૂષણ એ ક્રૂર મજાક સમાન છે. આનંદના અતિરેકમાં ક્યારેક આપણે એકબીજાને આવા કેમિકલયુક્ત રંગોથી નુકસાન કરીએ છીએ. ચામડીના રોગ થવા સાથે આંખ, કાન, નાક દ્વારા શરીરમાં જતા આવા કલરો નુકસાની નોંતરે છે. રંગ ચિકિત્સક ડૉ. હરેશભાઈ મોદી તો ગુલાલના રંગને રમવા માટેનું ઉત્તમ માધ્યમ ગણે છે. ગુલાલનો રંગ ગુલાબી છે તે વાતાવરણને ગુલાબી બનાવે છે. સંબંધો કેળવવાની એક માનસિકતા સર્જે છે. પ્રકૃતિ અને મનને શાંતિ સાથે સુરક્ષા આપતો કલર છે. તેથી ગુલાલ તેમ જ કેસૂડાના નેચરલ રંગ, કંકુ કે લાલ-પીળા-લીલા સૂકા રંગોથી જ પર્વ મનાવવાની વાત પર ભાર મૂકે છે. તો મિત્રો કાળા, સોનેરી, રૂપેરી કે કેમિકલયુક્ત પાકા રંગોથી હોળી રમવાના બદલે સૂકા રંગોથી હોળી-ધુળેટીના પર્વને મનભરીને માણીશું એવો શુભ સંકલ્પ કરીએ.

Most Popular

To Top