SURAT

અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં સુરતમાં રામ કથાનું આયોજન, બહેનો મંગળ કળશ યાત્રા કાઢશે

સુરત: સિંગણપોર ખાતે આવેલા કંથેરિયા ધામ સામે માધવ ધામ (શ્રી મોહનભાઈ મુંજાણીની વાડી) ખાતે શ્રી રામ કથામૃતનું આયોજન કરવામાં આવ્યું છે. આશુતોષ મહારાજ સંસ્થાપિત દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાન દ્વારા આ કથા 24 થી 30મી ડિસેમ્બર સુધી ચાલશે. દીપિકા ભારતીજી દ્વારા સંગીત શૈલીમાં કથાનું વાંચન કરવામાં આવશે. કથાના આગલા દિવસે 23 ડિસેમ્બરના રોજ વિશાળ મંગળ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બહેનો માથે કળશ લઈને આસપાસના વિસ્તારમાં ફરશે.

સ્વામિ હ્દયેશાનંદે કહ્યું કે, રોજ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે જે 8 વાગ્યે ભોજન સાથે વિરામ લેશે. વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. જેમાં ભાવિકો કથાનું રસપાન કરશે. શ્રેષ્ઠ માનવ બનવાના મિશન સાથે આ આયોજન થઈ રહ્યું છે. જેમાં રોજે રોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અવતારવાદ, અહલ્યા ઉદ્ધાર, રામ સીતા વિવાહ, વનગમન, ભરતમિલાપ, સુંદરકાંડ પ્રસંગ, રાવણ વધ અને પુર્ણાહૂતિના દિવસે યજ્ઞ કરવામાં આવશે.

સ્વામિ ઋષિકેશાનંદે કહ્યું કે, દીપ પ્રજ્વલનથી કથાની શરૂઆત થશે અને 7 વાગ્યે આરતી થશે. કથાનો ઉદ્દેશ્ય ઈશ્વરની અનુભૂતિ દરેકને કરાવવાનો છે. સુરતમાં અલગ અલગ કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે બીજીવાર આ રીતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 200 જેટલા સ્વયંસેવકો આ કથામાં સુંદર મજાની વ્યવસ્થા સંભાળશે. છેલ્લા છ મહિનાથી તૈયારીઓ થઈ રહી હતી. સુરત, રાજ્ય સહિત બહારથી પણ લોકો કથામાં આવવાના છે.

Most Popular

To Top