Entertainment

‘રક્ષાબંધન’ના ભાઇ-બહેન ફેમિલી પ્રેક્ષકની રાહ જોશે

આમીરખાનની ફિલ્મ સામે ‘રક્ષાબંધન’ રજૂ થઇ રહી છે એટલે બોકસ ઓફિસ પર થોડું રમખાણ તો થશે જ પણ પંદરમી ઓગસ્ટ, રક્ષાબંધન સહિતની રજાઓ છે એટલે પ્રેક્ષકો તો મળી જશે. ‘રક્ષાબંધન’ની તો ભાવુક અપીલ પણ છે. જો તે લોકોને ગમી તો દરેક કુટુંબો તે જોવા જશે. આજની ફેમિલી ઓડિયન્સ માટે ફિલ્મો નથી આવતી. ‘રક્ષાબંધન’ ફિલ્મ અક્ષય અને ભૂમિ પેડનેકરે ઉપરાંત અક્ષયની બહેન બનતી ચાર એકટ્રેસ માટે પણ મહત્વની છે. સાદિયા ખતીબની આ બીજી જ ફિલ્મ છે તો સહજમીન કૌર અને સ્મૃથી શ્રીકાંથ સાવ નવી છે. દિપીકા ખન્ના કેટલીક ટી.વી. સિરીયલોમાં આવી ચુકી છે. સહજમીન કૌર નવી દિલ્હીની છે અને ત્યાં નાટકોમાં કામ કરતી હતી અને તેને ફિલ્મની તક મળી ગઇ છે. સ્મૃતિ શ્રીકાંથ પણ નવી દિલ્હીની જ છે અને તેની પણ આ પહેલી જ ફિલ્મ છે. દિપીકા ખન્ના મુંબઇની છે જે ‘ગંદી બાત’, ‘યે ક્રેઝી દિલ’, ‘પટિયાલા બેબ્સ’, ‘હુઝ યોર ડેડી’ જેવી ટી.વી. સિરીયલોમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે પણ ફિલ્મ તો તેની ય પ્રથમ જ છે.

હિન્દી ફિલ્મોમાં એક સાથે ચાર બહેન હોય એવી ફિલ્મો હમણાનાં વર્ષોમાં આવી નથી કારણકે કૌટુંબિક મૂલ્યોવાળી ફિલ્મનું મહત્વ એક સુરજ બડજાત્યા કે કયારેક કરણ જોહર, આદિત્ય ચોપરાની ફિલ્મમાં જોવા મળે છે બાકી આવી ફિલ્મોથી નિર્માતા – દિગ્દર્શકો ડરે છે. દિગ્દર્શક આનંદ એલ. રાયે સાહસ કર્યું કહેવાય. તેમણે તેમના કાયમી લેખક હિમાંશુ શર્મા (સ્ટ્રેન્જર્સ, રાંઝણા, તનુવેડસ મનુ ૧ અને ૨, ઝીરો, અતરંગી રે) એ લખી છે. સાથે કનિકા ઢીલ્લોન જેણે ‘રા વન’, ‘જજમેન્ટલ હે કયા’, ‘રશ્મિ રોકેટ’, ‘એક વિલન રિટર્ન્સ’ ફિલ્મો લખી છે તેને પસંદ કરવામાં આવ્યા છે. આ ફિલ્મ જો ભાવુક બનાવશે તો એવી ફિલ્મો ફરી બનવી શરૂ થશે. અક્ષયકુમાર, આનંદ એલ રાય અને પેલી ચાર બહેનો પણ એવું જ ઇચ્છે છે. •

Most Popular

To Top