Entertainment

નામમાં જ ‘ઉત્તમ’ હોય પછી કામ તો અતિઉત્તોમ જ હોય ને…

આપણા ઉપેન્દ્ર ત્રિવેદી એક ઉત્તમ અભિનેતા હતા પણ ગુજરાતી સિનેમા તેમના અભિનયની સમૃધ્ધિનો અનુભવ કરાવી શકે તેમ ન હતું. સારા દિગ્દર્શકો, સારા વિષય અને પ્રેક્ષકોનો અભાવ તેમને નડયો. આવો અભાવ ઉત્તમકુમારને નહીં નડયો, બાકી તેઓ પણ પ્રાદેશિક ફિલ્મોમાં જ હતા. ટાગોર, શરદબાબુ, બુધ્ધદેવ બસુ, સુનીલ ગંગોપાધ્યાય સહિતના અનેક સાહિત્યસર્જકોએ જે રુચિ ઘડી હતી અને બંગાળી સમાજ જે રીતે ભાષા, સંસ્કૃતિ બાબતે ઉચ્ચાગ્રહી હતો તેણે નાટક અને સિનેમાના સ્તરને હંમેશ ઊંચુ રાખ્યું. ઉપેન્દ્ર ત્રિવેદી જે બાબતે બદનસીબ હતા એ બાબતે ઉત્તમકુમાર નસીબવંતા હતા. દક્ષિણના રાજયોની ફિલ્મો નહીં બંગાળની ફિલ્મો વધુ સમૃધ્ધ રહી છે. ઉત્તમકુમાર હતા ત્યાં સુધી ચક્રવર્તીની જેમ બંગાળી ફિલ્મોમાં છવાયેલા રહ્યા. તેઓ અને સુચિત્રાસેન. સત્યજીત રે ના ફેવરીટ એકટર સૌમિત્ર ચેટરજી રહ્યા. તેઓ ઉત્તમ અભિનેતા હતા અને રેને સમર્પિત હતા. ઉત્તમકુમારની બંગાળી ફિલ્મોમાં એટલી માંગ રહેતી કે સત્યજીત રે તેમને ઇચ્છે તો પણ ફેવરીટ ન બનાવી શકે. બાકી રેએ કહ્યું છે, ‘ઉત્તમકુમાર જેવું કોઇ નથી અને તેમની જગ્યા લઇ શકે એવું પણ કોઇ નથી. તેઓ બંગાળી જ નહીં, ભારતીય સિનેમામાં પણ અતુલનીય છે! ઉત્તમકુમાર મહાનાયક હતા.

આપણે હિન્દી ફિલ્મો જોનારા તો તેમને ‘છોટી સી મુલાકાત’, ‘અમાનુષ’, ‘આનંદ આશ્રમ’, ‘કિતાબ’, ‘દૂરીયાં’થી જ મૂલવી શકીએ. ‘દેશપ્રેમી’માં પણ તેઓ છે પણ આ ફિલ્મો તેમની પ્રતિભાની ઓળખ માટે બહુ જ ઓછી છે. હિન્દી ફિલ્મોની પોતાની વ્યવસાયિક પરંપરા છે. તેનો પ્રેક્ષક જુદો છે. મનોરંજન જૂદું છે. વળી અહીં તેઓ દિલીપકુમાર, રાજકપૂર, દેવઆનંદથી માંડી શમ્મીકપૂર, જીતેન્દ્ર, સંજીવકુમાર વચ્ચે ઓળખાતા હોય જયારે બંગાળમાં તેઓ જૂદી સંસ્કૃતિ, જુદા સમાજ અને જુદી પરંપરા વચ્ચે સમ્રાટના વર્ચસ્વ સાથે કામ કરતા હતા.

કુલ ૧૯૨ ફિલ્મોના અભિનેતાની હિન્દીમાં તો દશ પાસે પહોંચતી ફિલ્મો છે. ‘છોટીસી મુલાકાત’ તેમની જ બંગાળી ફિલ્મ ‘અગ્રદૂત’ની રિમેક હતી પણ તેમના વડે અભિનીત ‘સાહેબ બીબી ઔર ગોલામ’ની રિમેક બની તો તેમાં ગુરુદત્ત છે (જોકે ગુરુદત્તે ફકત રિમેક તરીકે નથી બનાવી), ઉત્તમકુમાર અભિનીત ‘સબાર ઓપોર’ ૧૯૫૫ માં આવી હતી જે હિન્દીમાં ‘કાલાપાની’ તરીકે બની, જેમાં ઉત્તમકુમારવાળી ભૂમિકા દેવઆનંદે કરી. એજ રીતે ઉત્તમકુમારની ૧૯૬૭ ની ‘જીવનમૃત્યુ’ હિન્દીમાં બની તો ધર્મેન્દ્ર હીરો છે. ૧૯૬૩ ની ‘ભ્રાન્તિ વિલાસ’ માં ઉત્તમકુમાર છે જે હિન્દીમાં ગુલઝારે બનાવી તો સંજીવકુમાર છે. ઉત્તમ કુમારે ૧૯૭૧ માં ‘છોડ્ડોબેશી’માં જે ભૂમિકા ભજવેલી એ ફિલ્મ હિન્દીમાં ‘ચૂપકે ચૂપકે’ નામે બની તો તેમાં ધર્મેન્દ્ર છે.

તો ૧૯૭૫ માં ઉત્તમકુમારે ‘એમી સે ઓ સખા’માં જે ભૂમિકા ભજવેલી તે હિન્દીમાં ‘બેમિસાલ’ નામે ઋષિદાએ બનાવી તેમાં ઉત્તમકુમારવાળી ભૂમિકા અમિતાભ બચ્ચને કરી છે. હજુ, યાદ કરોતો તો ‘હમ હિન્દુસ્તાની’ (બસુ પોરીબાર), લાલ પત્થર (લાલ પાથોર) કટી પતંગ  (સુરજોતોષા), અનુરોધ (દેશનેથા), ઇજાજત (જોતૃગૃહ) બધી રિમેક છે. હા, ‘અમાનુષ’ બંગાળીમાં ને હિન્દીમાં ઉત્તમકુમાર છે અને એવું જ ‘આનંદ આશ્રમ’ વિશે છે. બંગાળીમાં ઉત્તમકુમાર – સુચિત્રાસેનની જોડી સફળ છે તો હિન્દીમાં ઉત્તમકુમારે શર્મિલા ટાગોર સાથે જોડી બનાવેલી.  અરે, બંગાળીની ‘અમરપ્રેમ’માં ઉત્તમકુમાર છે તે હિન્દીમાં રાજેશ ખન્નાની ફિલ્મ છે ને તેમાંય શર્મિલા છે. કારણકે ઉત્તમકુમારની આ બધી ફિલ્મો શકિત સામંતે બનાવેલી અને તેમની ફેવરીટ શર્મિલા છે.

ખેર! તમે વિચારો કે આ બધી જે રિમેક છે તેમાં ઉત્તમકુમાર જ હોત તો? ઉત્તમકુમાર બંગાળી ફિલ્મોના સ્ટાર હતા, હિન્દી ફિલ્મોના નહીં. ઉપેન્દ્ર ત્રિવેદી કે શિવાજી ગણેશન તેમના પ્રદેશમાં મોટા પણ હિન્દીમાં છોટા, તેના જેવું જ ઉત્તમકુમારનું સમજવું. પણ રાષ્ટ્રવ્યાપી ન હોવાથી કોઇ અભિનેતા કે અભિનેત્રીને નાના ન કહી શકાય. ઉત્તમકુમાર વિશે બંગાળી ભાષામાં અને અન્ય ભાષામાં જેટલું લખાયું છે તેટલું કોઇ બંગાળી યા અન્ય ભાષા – પ્રદેશના અભિનેતા વિશે નથી લખાયું.  તેમના વિશે અંગ્રેજીમાં ચાર પુસ્તકો પ્રગટ થયા છે. ઉત્તમકુમારની ત્રણ દાયકાની કારકિર્દી દરમ્યાન બંગાળી સિનેમા જે વૈવિધ્ય સાથે ખીલ્યું તેવું અગાઉ બન્યું નહોતું. એક ઉત્તમ અભિનેતા હોય ને તેને બધા જ જોવા આતુર હોય તો નિર્માતા – દિગ્દર્શક – લેખકોમાં એક નવું બળ આવી જાય.

 ઉત્તમકુમાર – સુચિત્રા સેને સાથે મળી બંગાળી સિનેમાને સર્જનાત્મક ઉર્જા આપી છે. ૩ સપ્ટેમ્બર ૧૯૨૬ ના રોજ જન્મ્યા ત્યારે નામ અરુણકુમાર ચટ્ટોપાધ્યાય અભિનયમાં પ્રવેશ ૧૯૪૭ ની એક હિન્દી ફિલ્મથી જે કયારેય રજૂ જ ન થઇ. ત્યારથી શરૂઆત તે જુલાઇ ૧૯૮૦ સુધી. ૧૯૪૮ માં તેમની બંગાળી ફિલ્મ આવેલી ‘દૃષ્ટિદાન’ પણ ૧૯૫૨ માં ‘બોસુ પરિબાર’ વ્યવસાયી રીતે સફળ રહી પછી ઓળખ શરૂ થઇ. ૧૯૫૩ ની ‘શારે ચુઅત્તોર’ માં તેઓ પ્રથમવાર સુચિત્રા સેન સાથે આવ્યા. ૧૯૫૪ ની ‘અગ્નિપોરીક્ષા’ થી તેઓ છવાવા માંડયા અને પૂરા બે દાયકા બોકસ ઓફિસ પર પૂર્ણ વર્ચસ્વ ભોગવ્યું. તેમની ફિલ્મો બંગાળી યુવાપેઢી માટે મોડેલ બની ગઇ. તેમના જીવનકાળમાં તેમની કુલ ૧૯૭ બંગાળી ફિલ્મો રજૂ થઇ અને તેમની વિદાય પછી બીજી છ ફિલ્મો. આ ઉપરાંત બાર હિન્દી ફિલ્મો. (આમાં એક બંગાળી – હિન્દીમાં બની તે રજૂ નહોતી થયેલી). ૧૯૫૪ થી ૧૯૬૧ સુધીમાં તેઓ રોમેન્ટિક હીરો છે. ૧૯૬૨ થી ૧૯૬૯ દરમ્યાન તેઓ અભિનેતા તરીકેના શિખરો સર કરે છે.

૧૯૭૦ થી ’૭૫ દરમ્યાન ઉત્તરાર્ધના વર્ષો છે પણ લોકપ્રિયતા ઘટી નથી. આ દરમિયાન ‘સાહેબ બીબી ગોલામ’, ‘ચોન્દ્રનાથ’, ‘ઝિંદેર બોન્દી’ જેવી પિરીયડ ફિલ્મો છે. ‘ખેલાઘોર’, ‘જિબોન મૃત્યુ’, ‘કોખોનો મેઘ’ જેવી થ્રીલર્સ છે. ‘હાટ બરાલેઇ બોન્ધુ’, ‘ભ્રાન્તિબિલાસ’, ‘છહ્મબેશી’ જેવી કોમેડી ફિલ્મો અને સામાજીક સંઘર્ષભરી ‘અનુપોમા’, ‘અન્નપૂણૈર મોંદીર’, ‘એખાને પિંજર’ જેવી ફિલ્મો છે. પણ અહીં બીજી અનેક ફિલ્મો ઉમેરી શકાય. ‘સંજીબની’માં તેઓ દારૂડીયા છે તો હતાશ વ્યકિત તરીકે ‘હરોદ’ છે, ‘ઉપહાર’માં સાહિત્યના અધ્યાપક તો ‘ઓળાક પ્રિથિબી’ માં ચોર, ‘મોરુતિર્થો હિંગલાજ’ માં એકલા પડતા વિદ્રોહી છે તો ‘શિબુલિબારી’ માં નેહરુ યુગને જીવંત કરે છે.

 ‘શેષ અંકો’માં કોલ્ડ બ્લડેડ મર્ડરર છે તો ‘લાલ પોત્થર’માં એરિસ્ટોક્રેટ. તેમણે અનેક પ્રકારના પાત્રો કર્યા અને લોકોએ બધા રૂપે સ્વીકાર્યા. તેમની ‘હારાનો સૂર’, ‘બિચારોક’, ‘સોપ્તોપોદી’, ‘જોતુગૃહ’, ‘એન્ટની ફિરંગી’, ‘નોગોર દોર્પાને’, ‘અગ્નિસ્વોર’ કીસ્ટોન ફિલ્મો ગણાય છે. સત્યજીત રેની ‘નાયક’માં તેમણે પોતાને જ ભજવ્યા. ઉત્તમકુમારની બંગાળી ફિલ્મો જો હિન્દીમાં ડબ્ડ થાય તો તેઓ વધારે નજીક આવશે પણ એ તો કોણ કરશે? ખેર! બંગાળીઓ માટે ઉત્તમકુમાર આજે પણ ઉત્તમ જ છે ને તેમના પછી બીજા અભિનેતા જરૂર આવ્યા છે પણ બધા શોધે તો છે ઉત્તમકુમારને જ!

Most Popular

To Top