National

15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર ચૂંટણીની જાહેરાત, 27 ફેબ્રુઆરીએ થશે મતદાન

ચૂંટણી પંચે (Election commission) જાહેરાત કરી છે કે રાજ્યસભાની (Rajya sabha) 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. 15 રાજ્યોમાં 56 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે સોમવારે આ જાણકારી આપી. પંચે કહ્યું કે 50 સભ્યો 2 એપ્રિલે નિવૃત્ત થશે જ્યારે છ સભ્યો 3 એપ્રિલે નિવૃત્ત થશે. જે રાજ્યોમાંથી સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે તેમાં આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર આંધ્રપ્રદેશમાં ત્રણ રાજ્યસભાની બેઠકો, બિહારમાં છ બેઠકો, છત્તીસગઢમાં એક બેઠક, ગુજરાતમાં ચાર બેઠકો, હરિયાણાની એક બેઠક, હિમાચલ પ્રદેશની એક બેઠક, કર્ણાટકમાં ચાર બેઠકો, મધ્ય પ્રદેશમાં પાંચ બેઠકો, મહારાષ્ટ્રમાં છ બેઠકો, તેલંગાણામાં ત્રણ બેઠકો, ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો, ઉત્તરાખંડની એક બેઠક, પશ્ચિમ બંગાળની પાંચ બેઠકો, ઓડિશાની ત્રણ બેઠકો અને રાજસ્થાનની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.

રાજ્યસભાના જે સાંસદોનો કાર્યકાળ આ વર્ષે પૂરો થઈ રહ્યો છે તેમાં અશ્વિની વૈષ્ણવ, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ વગેરેના નામ સામેલ છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ પણ આ વર્ષે પૂરો થઈ રહ્યો છે. જેપી નડ્ડા તેમના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ છે. હવે જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશ સિવાય અન્ય કોઈપણ રાજ્યમાંથી ચૂંટણી લડવી પડશે કારણ કે ત્યાં ભાજપ આંકડામાં કોંગ્રેસથી પાછળ છે.

Most Popular

To Top