Dakshin Gujarat

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 10મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૦ મી જાન્યુઆરી, ૨૦૨૨ ને સોમવારના રોજ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના (Statue Of Unity) એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૨ (International Kite Festival) યોજાનાર છે. જેની પૂર્વ તૈયારીઓ અને તેના સુચારા આયોજન અંગે નર્મદા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષ પદે ગઇકાલે રાજપીપળા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં શાહે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે સૂક્ષ્માતીસૂક્ષ્મ બાબતોની પૂરતી કાળજી સાથે આ ઉજવણી સુપેરે પાર પાડીને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં ચર્ચા દરમિયાન અપાયેલી જાણકારી મુજબ તા.૧૦ મી જાન્યુઆરીએ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશના વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશભરના અંદાજે ૧૫૦ જેટલા પતંગબાજો ભાગ લેશે. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માનવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે ગુજરાત સહિત દેશભરનાં વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે.

કેવડિયા રેલવે સ્ટેશનનું નામકરણ: હવે એકતાનગર તરીકે ઓળખાશે

રાજપીપળા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા રેલવે સ્ટેશનને નવી ઓળખ મળી છે. કેવડિયા રેલવે સ્ટેશનનું નામકરણ ‘એકતાનગર’ તરીકે કરાયું છે. દેશના પહેલા ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનના ભૂમિપૂજને જ સંકેત અપાયો હતો કે, ભવિષ્યમાં કેવડિયા ભારતના એકતાનગર તરીકે પ્રચલિત થશે અને આજે તે દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી એકતા તરીકે જગપ્રસિદ્ધ થઈ ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં અત્યાર સુધી દેશમાં અલ્હાબાદ રેલવે સ્ટેશનનું પ્રયાગરાજ, હબીબગંજનું રાણી કમલાપતિ, ફૈઝાબાદનું અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન નામ કરવામાં આવ્યું હતું. હવે દેશના પહેલા ગ્રીન અને ફાસ્ટેટ નિર્માણ પામેલા કેવડિયા રેલવે સ્ટેશનનું નામ એકતાનગર કરી દેવાયું છે. ગ્રામ પંચાયત કેવડિયાના ઠરાવ બાદ નામ બદલવાની કાર્યવાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, નામકરણ કેવી રીતે થયું એ બાબતે હજુ સત્તાવાર કોઈ માહિતી મળી નથી. તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી સમયમાં પીએમ મોદીની કે ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેવડિયાના નામકરણ એકતાનગરની સત્તાવાર જાહેરાત કરી શકે તેવી શક્યતા નકારી શકાય નહીં.

Most Popular

To Top