Dakshin Gujarat

દમણની હોટલો અને રિસોર્ટનું ઓનલાઈન બુકિંગ કરતા હોવ તો રહેજો સાવઘાન

દમણ : જો તમે લોભામણી જાહેરાતવાળી લેભાગુ વેબસાઈટ (Website) પરથી દમણની (Daman) હોટલનું (Hotel) બુકિંગ (Booking) કરાવવાનું વિચારતા હોય તો રહેજો સાવધાન. કારણકે, દમણ પોલીસે (Police) આવી લોભામણી જાહેરાત આપી હોટલ બુકિંગ કરી છેતરપિંડી કરનારી ગેંગના 4 ઠગબાજને રાજસ્થાનથી (Rajasthan) ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 9 ઓગસ્ટે દમણના કડૈયા પોલીસ મથકે રીસોર્ટ સંચાલકે ફરિયાદ દાખલ કરાવી હતી કે, છેલ્લા ઘણા સમયથી પર્યટકો સીધા રીસોર્ટ ખાતે આવી તેઓએ હોટલ બુકિંગની વેબસાઈટ પર ઓનલાઈન પેમેન્ટ કરી રૂમ બુક કરાવ્યો હોવાની રસીદ બતાવી રહ્યા છે. જે જોતા બોગસ વેબસાઈટ થકી 1.18 લાખની ઓનલાઈન ઠગાઇ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ફરિયાદના આધારે કડૈયા પોલીસ મથકે આ મામલે ગુનો દાખલ કરી પોલીસ મથકના ઈન્ચાર્જ લીલાધર મકવાણા તથા ટીમે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

જ્યાં પોલીસને મોબાઈલ નંબરના આધારે મહત્વની કડી મળી હતી. પોલીસની ટીમે ઉપરોક્ત નંબરના આધારે રાજસ્થાનમાં ધામા નાખ્યા હતા. સતત ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ઠગ ટોળકીઓના એક આરોપીને પકડી લીધો હતો. જેની પુછપરછમાં તેણે અન્ય 3 સાથીદારોના નામ આપતા પોલીસે આ ગુનામાં 4 આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી દમણ લાવી કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડી મંજૂર કરતાં જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

ઠગબાજો કઈ રીતે બોગસ હોટલ બુકિંગથી પર્યટકો સાથે ઠગાઈ કરતા હતા
રાજસ્થાનના અલવરથી પકડાયેલા 4 ઠગ પૈકી પવન નામનો ઠગ બેંક ખાતુ ખોલવાનું કામ કરતો હતો. જે બેંકના દસ્તાવેજો સાહિલખાનને આપતો હતો. સાહિલ ફકરુદ્દીન ખાન અને શોએબ જફરુદ્દીન ખાન પવન જેવા અન્ય વ્યક્તિઓ પાસેથી બેંકના ખાતાના દસ્તાવેજોને એકત્ર કરી આરીફને આપતા હતા. જ્યાં આ કામનો ચોથો આરોપી આરીફ સુબેદીન ખાન સાહિલ અને શોએબ પાસેથી બેંકના જરૂરી દસ્તાવેજોની સાથે બેંક એટીએમ કાર્ડ, ચેક બુક તથા જરૂરી મટીરીયલ્સ રાજસ્થાન તથા અન્ય રાજ્યોમાં મોકલતા હતા. અને ત્યારબાદ ઓરીજનલ હોટલ બુકિંગ કરતી વેબસાઈટના નામથી મળી આવતી બોગસ વેબસાઈટ બનાવી દમણની હોટલનું બુકિંગ કરતા હતા. જેમાં પકડાયેલા આરોપીઓ પૈકી આરીફ નામનો આરોપી યુ-ટ્યૂબ પર આરીફ બેંકિંગની એક ચેનલ બનાવી સસ્તી લોન કેવી રીતે મેળવી શકાય એ અંગે જાણકારી આપી લોકોને ફસાવતો હતો. ત્યારબાદ લોભામણી જાહેરાત અને ઓનલાઈન ઠગાઈનો કારસો રચતા હતા.

આરોપીઓ પાસેથી પોલીસે કઈ-કઈ વસ્તુઓ કબજે કરી
દમણ પોલીસે રાજસ્થાનના અલવરથી પકડાયેલા ચાર આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન, 10 અલગ અલગ બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, 8 નંગ મોબાઈલ સીમ કાર્ડ, 3 બેંકની પાસબુક, 3 ચેકબુક તથા ખોટા આધારકાર્ડ, ફોટો, પાન કાર્ડ તથા અન્ય બેંકિંગ સંબંધિત સામગ્રી કબ્જે કરી છે.

Most Popular

To Top