Columns

30 કલાકની આકરી પૂછપરછ પછી રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવશે?

ભારતની ન્યાયપદ્ધતિ એવી છે કે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે કે નહીં તેનો નિર્ણય થાય તે પહેલા તેને સજા થઈ જતી હોય છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તેનો અનુભવ થઈ રહ્યો છે અને સોનિયા ગાંધીને નજીકના ભવિષ્યમાં થવાનો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 3 દિવસમાં કુલ 30 કલાક સુધી રાહુલ ગાંધીની આકરી તાવણી કરી છે. કોઈ પણ કાચોપોચો માણસ હોય તો આ 30 કલાકની પૂછપરછમાં ભાંગી પડે કે પાગલ થઈ જાય. આ પૂછપરછને ટાળવા જ કદાચ સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે. રાહુલ ગાંધી 30 કલાકની પૂછપરછ પછી ભાંગી નથી પડ્યા પણ થાકી જરૂર ગયા છે. હવે તેમણે ગુરુવારે બ્રેક માગ્યો છે. શુક્રવારે તેમની પૂછપરછ આગળ વધારવામાં આવશે. ભાજપના નેતા અને નેશનલ હેરાલ્ડના કેસના ફરિયાદી સુબ્રમણ્યમ સ્વામીનો દાવો છે કે પૂછપરછના અંતે રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવશે. જો રાહુલ ગાંધીની ધરપકડ થાય તો દેશભરમાં મોટા પાયે દેખાવો કરવાની તૈયારી કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે.

જો રાહુલ ગાંધીની ધરપકડ થાય તો તેમને જેલના મહેમાન બનવું પડશે. કોઈ પણ નાગરિકનો ગુનો પુરવાર ન થયો હોય તો પણ તેને જેલમાં બંધ કરી દેવાની પદ્ધતિ હળાહળ અન્યાય છે. આ કારણે જ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ‘બેઇલ ઇઝ ધ રુલ, જેઇલ ઈઝ એક્સેપ્શન.’ (જામીન આપવા તે નિયમ છે, જેલમાં મોકલવા તે અપવાદ છે.) જેલમાં ત્યારે જ મોકલી શકાય કે જ્યારે આરોપી ભાગી જવાનો હોય કે પુરાવા સાથે ચેડાં કરે તેવી સંભાવના હોય. રાહુલ ગાંધી પબ્લિક ફિગર હોવાથી વિજય માલ્યાની જેમ દેશ છોડીને ભાગી જાય તેવી સંભાવના નથી. તેમણે જો પુરાવા સાથે ચેડાં કરવા હોત તો અત્યાર સુધીમાં કરી લીધા હોત. રાહુલ ગાંધીની જો ધરપકડ કરવામાં આવશે તો તે રાજકીય કિન્નાખોરી જ હશે. કોંગ્રેસ પક્ષે તેની સામે અદાલતમાં અને શેરીઓમાં લાંબી લડાઇ લડવાની તૈયારી રાખવી પડશે. આ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ગજગ્રાહ છે.

નેશનલ હેરાલ્ડના કેસનો ઊંડો અભ્યાસ કર્યા પછી તેનો મુખ્ય મુદ્દો સમજાય છે કે રાહુલ ગાંધીએ અને સોનિયા ગાંધીએ માત્ર 5 લાખ રૂપિયાની મૂડીથી ઊભી કરેલી કંપનીએ નેશનલ હેરાલ્ડની 2,000 કરોડ રૂપિયાની સંપત્તિ પોતાના નામે કરી લીધી તે ભ્રષ્ટાચાર કહેવાય કે નહીં? નેશનલ હેરાલ્ડની સંપત્તિ ‘યંગ ઇન્ડિયા લિમિટેડ’ નામની કંપનીના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ કંપનીના 76 % શેરો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામે હતા. બાકીના 24 % શેરો મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિઝના નામે હતા. આ બંને નેતાઓ હવે આ દુનિયામાં રહ્યા નથી.

સોનિયા ગાંધીએ અને રાહુલ ગાંધીએ કંપનીના 76 % શેરો ખરીદવા માટે માત્ર 3.80 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. નેશનલ હેરાલ્ડ પાસે 2,000 કરોડ રૂપિયાની સંપત્તિ હતી તેમ તેના માથે કોંગ્રેસ પક્ષનું 90 કરોડ રૂપિયાનું દેવું હતું. આ દેવું નેશનલ હેરાલ્ડની કેટલીક સંપત્તિ વેચીને પણ ચૂકવી શકાય તેવું હતું. તેને બદલે તે દેવું કોંગ્રેસ પક્ષ દ્વારા માત્ર 50 લાખ રૂપિયાની ચૂકવણી પછી માફ કરી દેવામાં આવ્યું હતું. આ 50 લાખ રૂપિયા પણ સોનિયા ગાંધીના કે રાહુલ ગાંધીના નહોતા પણ કોઈ પાસેથી ઉછીના લેવામાં આવ્યા હતા.

કોંગ્રેસ પક્ષ વતી લોન માફ કરવાનો નિર્ણય સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા લેવામાં આવ્યો હતો, જેનો લાભ તેમને પોતાને થયો હતો. આ રીતે માત્ર 3.80 લાખ રૂપિયાનું રોકાણ કરીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કુલ 2,000 કરોડની મિલકતના 76 % અર્થાત્ 1,520 કરોડ રૂપિયાના માલિક બની ગયા હતા. કોઈ પણ વ્યક્તિ 3.80 લાખ રૂપિયાનું રોકાણ કરીને 1,520 કરોડ રૂપિયાની કમાણી કરે તો તેણે કોઈ ભ્રષ્ટાચાર ન આચર્યો હોય તો પણ તે 1,520 કરોડ રૂપિયા તેની કમાણી ગણાય. જેના ઉપર તેણે દેશના કાયદાઓ મુજબ ઇન્કમ ટેક્સ તો ભરવો જ પડે. જો 20 %નો સ્લેબ પણ ગણવામાં આવે તો પણ તેમણે આશરે 300 કરોડ રૂપિયા ભરવા પડશે.

તેની સામે કોંગ્રેસની દલીલ એવી છે કે યંગ ઇન્ડિયા લિમિટેડ કોઈ નફાના હેતુથી સ્થાપવામાં આવેલી કંપની નથી પણ ચેરિટી કરવા માટે સ્થપાયેલી કંપની છે. ઇન્કમ ટેકસની દલીલ એવી છે કે યંગ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કોઈ ચેરિટી કરવામાં આવી હોય તેવા પુરાવા નથી. કોંગ્રેસ પક્ષ કહે છે કે અખબાર ચલાવવું તે ચેરિટી છે. ઇન્કમ ટેક્સને આ જવાબ માન્ય નથી. તેણે તો ઇન્કમ ટેક્સની વસૂલી માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. છેવટે આ લડાઈ કોર્ટમાં ચાલશે અને લાંબી ચાલશે. તેનો ચુકાદો જલદી આવવાનો નથી. ત્યાં સુધી સોનિયાના અને રાહુલના માથે તલવાર લટકતી રહેશે. આ જ ખરી સજા હશે.

રાજકારણમાં મોખરાનું સ્થાન ધરાવતા કોઈ પણ નેતા સામે ફોજદારી કેસ કરીને તેમને જેલમાં ધકેલી દેતી વખતે શાસક પક્ષ સામે સૌથી મોટો ખતરો એ હોય છે કે નેતાને જેલ થવાને કારણે જો તે પ્રજામાં લોકપ્રિય હોય તો તેના માટે જબરદસ્ત સહાનુભૂતિ પેદા થાય છે, જે તેને ચૂંટણીમાં મતો અપાવી શકે છે અને સહાનુભૂતિનું મોજું જોરદાર હોય તો સત્તા પણ અપાવી શકે છે. 1977ની લોકસભાની ચૂંટણીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીનો પરાજય થયો અને મોરારજી દેસાઈની સરકાર આવી તે પછી તેમણે ઇન્દિરા ગાંધીને જેલમાં નાખ્યા હતા. તેમનું આ પગલું બૂમરેંગ થયું હતું. પ્રજામાં ઇન્દિરા માટે સહાનુભૂતિનું પ્રચંડ મોજું પદા થયું હતું. જેના પર સવાર થઈને 1980માં તેઓ ચૂંટણી જીતી ગયા હતા અને પાછા વડાપ્રધાન પણ બની ગયા હતા. જો કે રાહુલ ગાંધી તે ઇન્દિરા ગાંધી નથી અને નરેન્દ્ર મોદી મોરારજી દેસાઈ નથી. ભાજપના નેતાઓ લાભાલાભનો વિચાર કરીને જ સોનિયા – રાહુલના કેસમાં આગળ વધી રહ્યા છે. તેમની ગણતરી ખોટી પણ હોઈ શકે છે.

રાહુલ ગાંધીની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે, તેના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભારતભરમાં અને ખાસ કરીને રાજધાની નવી દિલ્હીમાં જે ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે, તેમાં કોંગ્રેસશાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને પણ સામેલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા પક્ષની તમામ મશીનરી વિરોધના કામમાં લગાડી દેવામાં આવી છે. જાણે દેશ ઉપર કોઈ મોટી આફત આવી પડી હોય તેવો માહોલ પેદા કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ જે કોઈ તાકાતપ્રદર્શન થઈ રહ્યું છે તે કેવળ EDની પૂછપરછને ધ્યાનમાં રાખીને નથી થઈ રહ્યું પણ રાહુલ ગાંધીની સંભવિત ધરપકડ થાય તો તેનો રાજકીય લાભ ઉઠાવવાની તૈયારી ચાલી રહી છે. જો રાહુલ ગાંધીની ખરેખર ધરપકડ કરવામાં આવશે તો તેઓ ખરેખર કેટલા લોકપ્રિય છે તેનું પણ પાણી મપાઈ જશે.

ભાજપ દ્વારા સોનિયા – રાહુલ સામે ફોજદારી પગલાં લેવા માટે જે સમય પસંદ કરવામાં આવ્યો છે, તેની પાછળ પણ બુદ્ધિપૂર્વકની ગણતરી છે. લોકસભાની ચૂંટણીને હજુ 2 વર્ષની વાર છે. રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવે અને તેમના માટે દેશભરમાં સહાનુભૂતિનું પ્રચંડ મોજું ફરી વળે તો પણ ભાજપને બહુ રાજકીય નુકસાન નહીં થાય. કારણ કે લોકોની યાદશક્તિ ટૂંકી હોય છે. તેવા સંયોગોમાં સરકાર કેસને ઢીલો કરી નાખશે. જો રાહુલ ગાંધીની ધરપકડને લોકો પચાવી જાય તો તેમના ગળાનો ગાળિયો ટાઇટ કરવામાં આવશે. કદાચ રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવે તો પણ સોનિયા ગાંધી સ્ત્રી હોવાથી સહાનુભૂતિના મુદ્દે તેમની ધરપકડ કરવામાં નહીં આવે.

Most Popular

To Top