National

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી કેદારનાથ પહોંચ્યા, જનસેવા માટે કર્યો ભંડારો

નવી દિલ્હી: હાલમાં લોકસભા ચૂંટણી 2024ની (Lok Sabha Elections) તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનું (Rahul Gandhi) અધ્યક્ષ પદ પણ સ્થગિત કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસના રોકાણ માટે કેદારનાથ (Kedarnath) પહોંચ્યા હતા. તેમજ કેદાર મહાદેવની સાંજની આરતીમાં પણ હાજરી આપી હતી.

મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીએ રવિવારે કેદારનાથમાં ભક્તોને ચા પીરસીને સૌ ભક્તોના દિલ જીતી લીધા હતા. આ સાથે જ આજે સોમવારે રાહુલ ગાંધીએ ભક્તોને ભંડારામાં ભોજન પીરસ્યુ હતું. રાહુલ ગાંધીએ કપાળ ઉપર ચંદનનું તિલક લગાવીને કેદાર મહાદેવની આરતીમાં હાજરી પણ આપી હતી. ત્યારે તેમને જોવા માટે સમર્થકોની ભીડ ઉમટી પડી હતી. રાહુલ ગાંધીએ ત્યાં પહોંચેલા સમર્થકોને નિરાશ ન કરતા હાથ જોડીને સૌનું સ્વાગત કર્યું હતું.

રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન ફોટોગ્રાફીની મંજૂરી ન હતી
કેદાર સભાના પ્રમુખ રાજકુમાર તિવારીએ કહ્યું કે જે સમયે રાહુલ ગાંધી આવ્યા હતાં તે સમયગાળા દરમિયાન ફોટોગ્રાફ્સ લેવાની પરવાનગી આપવામાં આવી ન હતી. માત્ર મર્યાદિત લોકોએ જ આરતીમાં ભાગ લીધો હતો. બપોરે 2 વાગ્યે તેમનું હેલિકોપ્ટર કેદારનાથ ખાતે MI-26 હેલિપેડ પર ઉતર્યું હતું. અહીં કોંગ્રેસના રાજ્ય અને જિલ્લાના નેતાઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

રાહુલ ગાંધી રાજસ્થાન ભવનમાં રાત્રી રોકાણ કરશે
હેલિપેડથી મંદિર પરિસર સુધી ચાલતી વખતે તેમણે લોકોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ રાહુલ ગાંધી મંદિર પાસેના રાજસ્થાન ભવન (કાબરા નિકેતન) પહોંચ્યા હતાં. અહીં તેમના રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન કેદારનાથ તીર્થપુરોહિત સમુદાયના લોકો તેમને મળ્યા હતાં.

હવે રાહુલ ગાંધી ભૈરવનાથ મંદિર અને ધ્યાન ગુફાની પણ મુલાકાત લેશે.
કેદાર સભાના અધ્યક્ષ રાજકુમાર તિવારીએ કહ્યું કે સોમવારે તીર્થપુરોહિત સમુદાયનું એક પ્રતિનિધિમંડળ કોંગ્રેસના નેતાને મળશે અને પુરોહિતોની સમસ્યા અંગે ચર્ચા કરશે. વધુમાં કેદારનાથના પૂર્વ ધારાસભ્ય મનોજ રાવતે કહ્યું કે રાહુલ ગાંધીના કાર્યક્રમ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. પરંતુ સોમવારે તેઓ કેદારનાથ મંદિરમાં બાબા કેદારના દર્શન કર્યા હતા. સંભવતઃ તેઓ ભૈરવનાથ મંદિર અને ધ્યાન ગુફાની પણ મુલાકાત લેશે.

રાહુલ ગાંધી 2015માં પગપાળા ધામ પહોંચ્યા હતા
જણાવી દઇયે કે 23 એપ્રિલ, 2015ના રોજ રાહુલ ગાંધી ગૌરીકુંડ-કેદારનાથ 16 કિમીનું અંતર કાપીને પગપાળા કેદારનાથ પહોંચ્યા હતા. આ સમયે તેઓ ઘણા મુસાફરો અને બાંધકામ કામદારો સાથે વાત કરી અને તેમના બાળકોને પણ મળ્યા હતાં.

ઈન્દિરા ગાંધી પણ બે વખત કેદારનાથ આવ્યા હતા
કેદારનાથના પુજારી શ્રીનિવાસ પોસ્ટીએ જણાવ્યુ હતુ કે એશીના દાયકામાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી બે વખત કેદારનાથ આવ્યા હતા અને બાબા કેદારના દર્શન કર્યા હતા. આ પછી તેમના પૌત્ર રાહુલ ગાંધી 2015માં પહેલીવાર કેદારનાથ આવ્યા હતા. હવે તેઓ બીજી વખત ધામમાં આવ્યા છે.

Most Popular

To Top