Charchapatra

સ્વમાન-અપમાન નેવે મૂકો અને પદ લો

અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જે રીતે સેલિબ્રિટીઓને આમંત્રણ અપાયું હતું, શું એવી રીતે ભાજપના પાયાના પથ્થર કહી શકાય એવા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આમંત્રણ અપાયું હતું ખરું? ભાજપને દેશમાં પગભર કરવા માટે લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાનું સૌથી મોટું યોગદાન રહ્યું છે. એ જ રામ મંદિરના શિલાન્યાસ વખતે અને પ્રાણપ્રતિષ્ઠા વખતે એમ બંને વખતે લાલકૃષ્ણ અડવાણીની અવહેલના થાય એ કેવું કહેવાય?

એક તરફ ભાજપ કીડી જેવા કોંગ્રેસીઓને મારવા હથોડાનો ઉપયોગ કરી રહ્યો છે, તો બીજી તરફ પહાડ જેવા ભાજપને ખોતરવાનું કામ અત્યારે કોન્ગ્રેસ સોયથી કરી રહી છે. સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે જવાહરલાલ નેહરૂ એટલા માટે ના પાડતા હતા કે ધર્મનિરપેક્ષ બંધારણથી બનેલી સરકાર કોઈ પણ ધાર્મિક ક્રિયા પ્રક્રિયામાં ભાગ ન લઈ શકે. અર્થાત્ સરકાર કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ ન લઈ શકે. પણ જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી સંવિધાન કે બંધારણ જેવું ક્યાં કશું રહ્યું જ છે?

અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો સમગ્ર કાર્યક્રમ ભાજપ એટલે મોદી સરકારપ્રેરિત રહ્યો, એટલે સ્વાભાવિક જ કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ત્યાં જવાની ના પાડી. બધી જ બાબતોમાં જશ ખાટી જવામાં પાવરધા એવા નરેન્દ્ર મોદીની શૈલીથી દેશ હવે સુપેરે વાકેફ છે. બાકી અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં અડવાણી, મુરલી મનોહર જોશી, ઈવન નરેન્દ્ર મોદી પછીની લીડરશીપમાં જેમની ગણના થાય તેવા અમિત શાહ, રાજનાથસિંહ, જે.પી. નડ્ડા જેવા ભાજપના કદાવર નેતાઓ પણ ગેરહાજર હતા, એટલું જ નહીં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂરમુ પણ ઉપસ્થિત નહોતાં રહ્યાં એ સૂચક છે. દ્રોપદી મૂરમુ માટે તો એવું કહી શકાય કે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન વખતે ય એમને આમંત્રણ નહોતું મળ્યું. આમેય હવે રાષ્ટ્રપતિ પદનું ગૌરવ ક્યાં રહ્યું છે! હવે તો સ્વમાન અને અપમાન નેવે મૂકે એને પદ મળે એવું છે.
સુરત     – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top